નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેરના છેવાડે ન્યૂ વટવા વિસ્તાર (New Vatva Ahmedabad) માં આવેલા એક બંધ ફલેટમાંથી અજાણ્યા યુવકની હાથ-પગ તેમજ મોંઢે ડૂચો મારેલો મૃતદેહ પોલીસને મળ્યો છે. વટવા પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા કરાઈ હોવાનો ખુલાસો (Murder was revealed in panel postmortem) થતાં પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. પોલીસ તપાસમાં મૃતકની સાથે ભાડાના ફલેટમાં રહેતા બે શખસો ફોન બંધ કરીને ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે. આરોપી પકડાયા બાદ હત્યા કોણે કરી અને શા માટે કરી ? તે જાણી શકાશે.
મહેમદાવાદ રોડ પર પુષ્પક સિટી ખાતે રહેતા રિષભ રમેશચંદ્ર શર્માએ વટવા પોલીસને ફરિયાદ આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, રમેશચંદ્ર શર્માની માલિકીનો ન્યૂ વટવા સતેજ હોમ્સમાં આવેલો ફલેટ નં. 13 ગત માર્ચ મહિનામાં રાજુ પરમાર, કિશન રાઠોડ, સુરજ સહાની અને રવિ કુમારને કરાર કરી ભાડે આપ્યો હતો. ગત મંગળવારે સોસાયટીના ચેરમેને બંધ મકાનમાંથી વાસ આવતી હોવાની જાણ રમેશચંદ્રને કરતા તેઓ બીજા દિવસે ગુરૂવારે સવારે બ્રોકર સાહીલ સોલંકી સાથે ફલેટ પર પહોંચ્યા હતા. બંધ ફલેટનું તાળું તોડી અંદર પ્રવેશતા માસ્ટર બેડરૂમમાં ગાદલા ઉપર ઉંધી હાલતમાં પડેલી એક લાશ નજરે પડી હતી. મૃતકના બંને હાથ પાછળની બાજુ અને જમણો પગ બાંધી દેવાયો હતો. આ ઉપરાંત તેના મોંઢાના ભાગે કપડું બાંધી દેવાયું હતું. આ ઘટનાની જાણ થતાં વટવા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.
વટવા પોલીસે (Vatva Police) આ કેસમાં તપાસમાં મૃતક ભરૂચના હાંસોટ પંથકનો ઈમરાન શબ્બીરભાઈ સિંધા હોવાની ઓળખ થઈ છે. ઈમરાન સિંધા ફલેટ નંબર 13માં કિશન, સુરજ, રવિ અને વીરૂ નામના લોકો સાથે રહેતો હતો. ભાડા કરારમાં રાજુ પરમાર સ્થાનિક હોવાથી તેના નામનો ઉપયોગ કરાયો હતો. જ્યારે સુરજ સહાની છેલ્લાં એક મહિનાથી ઉત્તરપ્રદેશ વતનમાં હતો. મોબાઈલ ફોન બંધ કરીને ભૂર્ગભમાં ઉતરી ગયેલા કિશન રાઠોડ, રવિ કુમાર અને રવિ સુધી પહોંચવા પોલીસે જહેમત શરૂ કરી છે. અત્રે નોંધનીય છે કે, ગત શનિવારે ઈમરાનની હત્યા કરી દેવાઈ હતી.








