નવજીવન ન્યૂઝ, ડેસ્ક : કેનેડા અને અમેરિકામાં રહેતા મૂળ દક્ષિણ એશિયાના ઉદ્યોગપતિઓને નિશાન બનાવી ખંડણી રેકેટ ચલાવતી ‘ફૉર બધર્સ’ના નામની ગેંગ સામે કાર્યવાહી (Four Brothers Gang Canada) કરવામાં આવી છે. કેનેડાની પીલ રીજિનલ પોલીસે (Peel Regional Police) વિશેષ દળ એટલે કે, એક્સટોર્શન ટાસ્ક ફોર્સ (Extortion Task Force) બનાવી પાંચ મહિનાની મહેનત બાદ 17 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં લગભગ તમામ મૂળ ભારતીય છે.
પોલીસના જણાવ્યાનુસાર આ ગેંગ કેનેડા અને અમેરિકામાં રહેતા દક્ષિણ એશિયન વેપારીઓને ધમકાવી આંતરરાષ્ટ્રીય ખંડણી રેકેટ (International extortion racket) ચલાવતી હતી. જો, કોઈ ઉદ્યોગપતિ પૈસા ના ચૂકવે તો તેના ઘર, દુકાન અથવા ઑફિસ પર ફાયરિંગ કરતા અને આગ લગાડી ડરાવતા હતા. આ ગેંગ ખાસ કરીને બ્રેમ્પટન, મિસિસૌગા, કેલેડોન અને બ્રિટિશ કોલંબિયાના અન્ય વિસ્તારોમાં સક્રિય હતી. કેનેડાના આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં રહેતા ભારતીય અને પંજાબી મૂળના લોકોને આ ગેંગ સતત નિશાન બનાવતી હતી.
આ કેસની તપાસ ડિસેમ્બર 2025 માં શરૂ થઈ હતી. ઓન્ટારિયો પ્રાંતીય પોલીસ, કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA), ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI) અને કેનેડાની નાણાકીય એજન્સી FINTRAC ને સામેલ કરીને એક સંયુક્ત દળનું ઓપરેશન હાથ ધર્યું હતું. ધરપકડ કરાયેલા 17 શંકાસ્પદો કુલ 24 ઘટનાઓ સાથે જોડાયેલા છે. જેમાંથી 16 ફોર બ્રધર્સ નેટવર્ક સાથે સીધી રીતે જોડાયેલા છે. પકડાયેલા આરોપીઓ સામે કુલ 106 આરોપ છે.








