Friday, July 10, 2026
HomeNationalભારતની મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત સન્માન, UN એવોર્ડ માટે પસંદગી

ભારતની મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત સન્માન, UN એવોર્ડ માટે પસંદગી

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારત માટે ગૌરવની ક્ષણરૂપ સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાની મેજર અભિલાષા બરાકને વર્ષ 2025 માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિષ્ઠિત ‘યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ’ માટે પસંદ કરવામાં આવ્યા છે. હાલ મેજર અભિલાષા બરાક લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં ભારતીય શાંતિરક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. પશ્ચિમ એશિયાના આ દેશમાં ફરજ દરમિયાન મહિલાઓ અને કિશોરીઓ સાથે જોડાણ સ્થાપિત કરવા માટે કરાયેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી જાહેર કરી હતી. જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે મેજર અભિલાષા બરાકને મહિલાઓ અને કિશોરીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા, સમુદાય આધારિત પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપવા તેમજ શાંતિરક્ષકોને લિંગ સંવેદનશીલતા અંગે તાલીમ આપવા માટે આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે.

- Advertisement -

મેજર અભિલાષા બરાક હાલમાં સંયુક્ત રાષ્ટ્રના અંતરિમ દળ લેબનોન (UNIFIL)માં મહિલા સહભાગિતા દળના કમાન્ડર તરીકે ભારતીય બટાલિયનમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ ભારતીય સેનાની પ્રથમ મહિલા લડાકૂ હેલિકોપ્ટર પાઇલટ પણ છે. તેમને 29 મેના રોજ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે સન્માનિત કરવામાં આવશે. દર વર્ષે 29 મેના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિરક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ સન્માન મેળવનાર મેજર અભિલાષા બરાક ભારતની ત્રીજી મહિલા અધિકારી બનશે. તેમના પહેલાં મેજર સુમન ગવાણી અને મેજર રાધિકા સેનને પણ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં કરાયેલા નોંધપાત્ર યોગદાન બદલ આ સન્માન મળ્યું હતું.

મેજર સુમન ગવાણીએ દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં સેવા આપી હતી અને તેમને વર્ષ 2019નો ‘યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. આ સન્માન તેમને મધ્ય આફ્રિકી ગણરાજ્યમાં કાર્યરત બ્રાઝિલિયન નૌસેના અધિકારી કમાન્ડર કાર્લા મોન્ટેઇરો ડી કાસ્ટ્રો અરાઉજો સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું.

- Advertisement -

તે જ રીતે, કાંગો ગણરાજ્યમાં સંયુક્ત રાષ્ટ્ર સંગઠન સ્થિરીકરણ મિશનમાં સેવા આપનાર મેજર રાધિકા સેનને વર્ષ 2023નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વર્ષ 2016માં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાન વિભાગ હેઠળ સૈન્ય બાબતોના કાર્યાલય દ્વારા આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ એવોર્ડ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ 1325 હેઠળ મહિલા, શાંતિ અને સુરક્ષા સંબંધિત સિદ્ધાંતોને આગળ વધારવામાં સૈન્ય શાંતિરક્ષકના સમર્પણ અને પ્રયાસોને માન્યતા આપે છે. શાંતિ સ્થાપનાની કામગીરીમાં લિંગ સમાનતાના દૃષ્ટિકોણને અસરકારક રીતે સામેલ કરનાર સૈન્ય અધિકારીના યોગદાનને આ સન્માન દ્વારા માન્યતા આપવામાં આવે છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular