Friday, July 10, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના 1.66 કરોડના જ્વેલરી ચોરી કેસમાં નવો વળાંક, મહિલા આરોપીના પોલીસ પર...

અમદાવાદના 1.66 કરોડના જ્વેલરી ચોરી કેસમાં નવો વળાંક, મહિલા આરોપીના પોલીસ પર ગંભીર આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા જાણીતા ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ શોરૂમમાંથી રૂ. 1.66 કરોડના સોનાના દાગીના ચોરીના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની મહિલા કર્મચારીની ધરપકડ બાદ હવે તેણે પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલા આરોપીના આક્ષેપો બાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટે નિકોલ પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને નોટિસ ફટકારી કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે.

મહિલા આરોપી હર્ષિદાએ પોતાના વકીલ મારફતે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેની ધરપકડ દરમિયાન સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું નહોતું અને મહિલાની ધરપકડ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. હર્ષિદાનો આક્ષેપ છે કે તેના શારીરિક ચેકિંગ દરમિયાન કોઈ મહિલા પોલીસકર્મી હાજર નહોતી અને પુરુષ પોલીસકર્મી દ્વારા તપાસ કરવામાં આવી હતી, જે કાયદાકીય રીતે ગુનો બને છે.

- Advertisement -

હર્ષિદાએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ સોનું રિકવર કરતી વખતે તેની પાસેથી રૂ. 1 લાખ રોકડ પણ લઈ ગઈ હતી. આ સમગ્ર મામલે કોર્ટમાં અરજી કરવામાં આવતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે. હવે આ કેસની વધુ સુનાવણી 25 મેના રોજ થવાની છે.

આ કેસમાં મહિલા આરોપી હર્ષિદા શેટ્ટી અને તેના સાથીદાર પુરુષ આરોપી મયુર માળીની ધરપકડ કરવામાં આવી છે. મહિલા આરોપીના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે મયુર માળી 25 મે સુધી રિમાન્ડ પર છે. પોલીસને હજુ આરોપીઓ પાસેથી અંદાજે 800 ગ્રામ જેટલું સોનું રિકવર કરવાનું બાકી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મયુર માળીએ બાકીનું સોનું ઉદેપુરથી 40 કિલોમીટર દૂર આવેલા બઠેડા ગામમાં દાટી દીધું હોવાનું જણાવ્યું હતું. પોલીસ તેને લઈને ઉદેપુર તપાસ માટે જવાની હતી.

- Advertisement -

આ સમગ્ર કેસમાં વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે મહિલા આરોપીને તેના પુરુષ મિત્રે જ દગો આપ્યો હતો અને મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે મહિલા આરોપી પોતાની પાસે રહેલા કેટલાક દાગીના વેચવા માટે માણેકચોક વિસ્તારમાં પહોંચી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને અંદાજે 22 લાખના દાગીના સાથે ઝડપી પાડી હતી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં સ્થિત આ શોરૂમના માલિક દર્શનભાઈ જૈન દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, 9 મેના રોજ બપોરે 2 વાગ્યે તેઓ જમવા માટે ઘરે ગયા હતા. તે સમયે શોરૂમમાં મેનેજર સહિત અન્ય 19 જેટલા કર્મચારીઓ હાજર હતા. સાંજે 5 વાગ્યે પરત ફરતા સ્ટાફે અમુક દાગીના ગાયબ હોવાની જાણ કરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સેલ્સગર્લ તરીકે કામ કરતી હર્ષિદાબહેન રાજેન્દ્રભાઈ શેટ્ટી કોઈને જાણ કર્યા વગર શોરૂમમાંથી નીકળી ગઈ હતી અને તેનો મોબાઇલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. ત્યારબાદ શોરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. વીડિયોમાં હર્ષિદા પોતાની પાછળ આવેલા કબાટમાંથી સોનાના દાગીના કાઢીને પોતાના કપડાંમાં છુપાવતી સ્પષ્ટ દેખાઈ હતી. ત્યારબાદ તે ઉપરના માળે આવેલા સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમમાંથી નીકળી ગઈ હતી. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular