નવજીવન ન્યૂઝ, પાલનપુર : બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર જ નહીં પરંતુ તાલુકે તાલુકે સ્પા સેન્ટરો ખૂલી ગયા છે. સ્પા સેન્ટર/મસાજ સેન્ટરની આડમાં રાજ્યભરમાં દેહવ્યાપારનો ધંધો તંત્રની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમે પાલનપુર હાઈવે પર આવેલા ખાનગી મોલના ભોંયરામાં પાર્કિંગની જગ્યામાં ચાલી રહેલા સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દેહવ્યાપાર સાથે સંકળાયેલી થાઈલેન્ડની 5 યુવતીઓ સ્પા સેન્ટરમાંથી મળી (Thai girls found in spa center Palanpur) આવી હતી.
Banaskantha LCB Team એ સ્પા સેન્ટરમાં દરોડો પાડ્યો ત્યારે સ્થળ પરથી કેટલાંક ગ્રાહકો પણ મળી આવ્યા હતા. મહિલા પોલીસ સાથે ગયેલી એલસીબી ટીમે આ મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં સ્પા સેન્ટર સંચાલકો સહિતના શખસો સામે ગુનો નોંધાવ્યો છે. મળી આવેલી પાંચ થાઈ યુવતીઓને કેવી રીતે અને કોના થકી પાલનપુર લાવવામાં આવી તેમજ યુવતીઓ કયા વિઝાના આધારે ભારત આવી છે તેની પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે નોંધનીય છે કે, સ્પા સેન્ટરના કમાણીવાળા ધંધામાં ખાખી અને ખાદીધારીઓનું પણ મોટાપાયે રોકાણ છે.








