નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદથી બેંગ્લોર જતી આકાશા એરની ફલાઈટમાંથી 2.58 કરોડના દાગીના ભરેલું પાર્સલ ગાયબ થવાના કેસમાં એરલાઈન્સ સામે પોલીસ ફરિયાદ (FIR against Akasha Air) નોંધાઈ હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશન (Airport Police Station) ખાતે નોંધાયેલી ફરિયાદ બાદ થયેલી તપાસમાં એરલાઈન્સનો સિક્યુરિટી અને ક્લિનિંગ ઇન્ચાર્જ ચોરીના કેસનો માસ્ટરમાઇન્ડ હોવાની માહિતી સામે આવી છે. પોલીસે સિક્યુરિટી ઇન્ચાર્જ ઝૈદહસન અંસારી, ક્લિનિંગ ઇન્ચાર્જ રોશન પટેલ, સાલેહમોહંમદ અંસારી ઉર્ફે સાલમ સહિત 8 શખસોની ધરપકડ કરી છે. પોલીસે 69 લાખની રોકડ અને 1.08 કરોડની કિંમતનું સોનું પોલીસે કબજે લીધું છે. જ્યારે આકાશા એરના એક કર્મચારી સહિત ચાર ફરાર શખસોની શોધખોળ આરંભી છે.
આકાશા એરનો સિક્યુરિટી ઇન્ચાર્જ ઝૈદ અંસારી, એરલાઇનનો ક્લિનિંગ ઇન્ચાર્જ રોશન પટેલ અને જૂનાગઢનો સુલતાન સમા સમગ્ર ચોરી કરવાના કૌભાંડના માસ્ટરમાઇન્ડ હતા. એરપોર્ટ પર લોડર જયેશ પરમારે કોર્ગોમાંથી લવાયેલા સાત પાર્સલ પૈકી સોનાના દાગીના ભરેલું પાર્સલ ટોળકીના સાગરીતની ટ્રોલીમાં મુકી દેતા પેસેન્જર બનીને આવેલા સાલેહમોહંમદ અંસારી સુધી પહોંચાડી દીધું હતું. સોનાના દાગીના હાથમાં આવતાની સાથે તેને ગાળી નાંખી તેને જુદાજુદા વજનમાં વહેંચી દઈ ચોરીનો માલ ખરીદતા સોનીઓને વેચી મારી રોકડી કરી લીધી હતી. પોલીસે આ કેસમાં ઝૈદ અંસારી, રોશન પટેલ, કુલદીપ પટેલ, સાલેહમોહંમદ અંસારી, રવિકાંત બગીયા, સોનું ખરીદનાર કિરણ પવાર અને શંકર મરાઠીની ધરપકડ કરવામાં આવી છે.








