Wednesday, July 8, 2026
HomeGujaratઅમદાવાદમાં મોજશોખ અને વિદેશ જવા 80 લાખની ચોરીનો ખેલ, દાગીના વેચવા જતા...

અમદાવાદમાં મોજશોખ અને વિદેશ જવા 80 લાખની ચોરીનો ખેલ, દાગીના વેચવા જતા બે શખ્સો ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રતનપોળની એક જાણીતી આંગળિયા પેઢીમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. પેઢીમાં કામ કરતો એક કર્મચારી ભુજ ખાતે સેફ ડિલિવરી આપવા માટે સોંપાયેલા સોના, ચાંદી અને ડાયમંડના કરોડો રૂપિયાના કિંમતી દાગીના લઈને રસ્તામાંથી જ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે ઝોન-3 એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવા આવેલા બે સાગરીતોને અંદાજે 80 લાખ રૂપિયાના દાગીના સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, રતનપોળની આંગળિયા પેઢીમાં કામ કરતા જીગરસિંહ વિહોલ નામના કર્મચારીને ગત 6 મેના રોજ સોના, ચાંદી અને ડાયમંડના કિંમતી દાગીનાની ભુજ ખાતે ડિલિવરી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, જીગરસિંહ નિયત સ્થળે પહોંચ્યો નહોતો અને રસ્તામાંથી જ કિંમતી દાગીના લઈને ગાયબ થઈ ગયો હતો. કર્મચારીનો કોઈ પતો ન લાગતાં આંગળિયા પેઢીના સંચાલકોએ 11 મેના રોજ કાલુપુર પોલીસ મથકે ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

ડી ડિવિઝનના ACP જીતેન્દ્ર ચૌધરીના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓ અગાઉ સિંગાપોરમાં રહી ચૂક્યા છે. હાલ તેઓ બેરોજગાર હોવાથી મોજશોખ કરવા અને ફરી વિદેશ પ્રવાસ માટે મોટી રકમ ભેગી કરવાની લાલચમાં ઝડપથી પૈસા કમાવા આ રસ્તો અપનાવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીનું સંપૂર્ણ આયોજન મુખ્ય આરોપી જીગરસિંહ વિહોલ અને ગુનાઈત ઈતિહાસ ધરાવતા વિપુલ ઠાકોરે મળીને કર્યું હતું. વિપુલ ઠાકોરે જીગરસિંહને સાત દિવસ પહેલા જ આંગળિયા પેઢીમાં નોકરી પર મુકાવ્યો હતો. યોજના મુજબ, જીગરસિંહ પેઢીમાંથી કરોડોનો સામાન લઈને સીધો સુરેન્દ્રનગર પહોંચ્યો હતો, જ્યાં તેણે પોતાના સાથીદાર અજય અને દીપક રાવળ સાથે મુલાકાત કરી હતી. અજય અને દીપકને આ ચોરીના દાગીના વેચીને તેને રોકડમાં ફેરવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે તેઓ ચોરીનો માલ વેચવા માટે ફરી રતનપોળની જ એક જ્વેલર્સ દુકાન પર પહોંચ્યા હતા.

આ ગુનાની તપાસ કરી રહેલી ઝોન-3 એલસીબીના PSIને ચોક્કસ બાતમી મળી હતી કે બે શંકાસ્પદ ઇસમો ચોરીનો મુદ્દામાલ વેચવા માટે રતનપોળ વિસ્તારમાં ફરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક જાળ ગોઠવીને વોચ રાખી હતી અને અજયજી મથુરજી ઠાકોર તથા દીપકભાઈ રાવળને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

- Advertisement -

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો અંદાજે 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, આ કેસના મુખ્ય સૂત્રધાર એવા આંગળિયા પેઢીના કર્મચારી જીગરસિંહ વિહોલ અને વિપુલ ઠાકોર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. બંને આરોપીઓને પકડવા માટે કાલુપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ વધુ તેજ કરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular