નવજીવન ન્યૂઝ, ડેસ્ક : છ દિવસમાં પાંચ દેશોનો વિદેશ પ્રવાસ (G7 શિખર સંમેલન) કરીને પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક દિલ્હીમાં અત્યંત મહત્વપૂર્ણ હાઈ-લેવલની બેઠક (Narendra Modi calls high-level emergency meeting) બોલાવી છે. મોદીએ બોલાવેલી ઈમરજન્સી બેઠકમાં તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને હાજર રહેવા આદેશ કરાતા ભારે સસ્પેન્સ સર્જાયું છે. અત્રે નોંધનીય છે કે, આગામી દિવસોમાં મંત્રીઓને દિલ્હી નહીં છોડવા માટે પણ આદેશ અપાયા છે.
નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ પરથી ભારત પરત ફરતાની સાથે જ એક હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓથી લઈને તમામ રાજ્યકક્ષાના મંત્રીઓ પણ ફરજિયાતપણે સામેલ થવાના છે. વૈશ્વિક અને આંતરિક પરિસ્થિતિઓને જોતા આ બેઠકમાં દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસાઓ પર મંત્રીઓ સમક્ષ વિસ્તૃત વિગતો રાખવામાં આવશે. આ બેઠકનો સૌથી મોટો એજન્ડા અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ (USA and Iran War) અને હોર્મુઝની ખાડીનું સંકટ છે. યુદ્ધ જેવી સ્થિતિની ભારતમાં કાચા તેલ (Crude oil situation in India) ની કિંમતો, વૈશ્વિક સપ્લાય ચેઈન અને સ્થાનિક મોંઘવારી પર શું અસર પડશે તેના પર સરકારની સતત નજર છે. આગામી 10 જૂને મોદી સરકાર 3.0 ના શાસનનું એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પૂર્વે જૂનના બીજા સપ્તાહમાં કેબિનેટમાં બહુ મોટો ફેરબદલ અથવા વિસ્તરણ જોવા મળી શકે છે.








