નવજીવન ન્યૂઝ.ભાવવગરઃ ભાવનગર શહેરના ભરચક વિસ્તારમાં સિટી બસના ડ્રાઈવર અને રિક્ષાચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘોઘા ગેટ પોલીસ ચોકી નજીક બનેલી આ ઘટનામાં જાહેરમાં મારામારી અને પથ્થરમારાના દૃશ્યો બસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે. આ ઘટનામાં બસના કાચ તૂટી જતા મુસાફરોમાં ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, ઘોઘા ગેટ પોલીસ ચોકી પાસે રોડની વચ્ચે આડી પાર્ક કરેલી રિક્ષાને હટાવવા બાબતે સિટી બસના ડ્રાઈવર કુલદીપસિંહે રિક્ષાચાલકને ટોક્યા હતા. સામાન્ય લાગતો આ મુદ્દો થોડા જ સમયમાં ઉગ્ર બોલાચાલીમાં ફેરવાયો હતો.
આરોપ મુજબ, વાતચીત દરમિયાન બસ ડ્રાઈવર નીચે ઉતરી આવ્યા હતા અને રિક્ષાચાલક સાથે સીધી તકરાર થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મામલો વધુ બિચકતાં જાહેરમાં જ હિંસક ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.
ઘટનાના CCTV ફૂટેજમાં જોવા મળે છે કે ઉશ્કેરાયેલા શખ્સો દ્વારા બસ પર ઈંટ અને પેવિંગ બ્લોક જેવા પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં બસના કાચ ધડાધડ તૂટી પડ્યા હતા, જેના કારણે અંદર બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
વિડિયોમાં મહિલાઓ પોતાના બાળકોને લઈને ગભરાઈને બસમાંથી બચવા માટે દોડતી જોવા મળે છે. એક દૃશ્યમાં ભારે પથ્થર એક નાની બાળકીની ખૂબ નજીકથી પસાર થતો દેખાય છે, જેમાં બાળકીનો આબાદ બચાવ થયો હોવાનું જણાય છે.
ડેપો મેનેજર પ્રવીણ આહીરે ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે રૂપમ ચોક પાસે રિક્ષા આડી ઊભી હોવાથી બસ ડ્રાઈવરે તેને સાઈડમાં લેવા કહ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, ત્યારબાદ રિક્ષાચાલક તરફથી ગેરવર્તન કરવામાં આવ્યું અને બસના કાચ તોડી નાખવામાં આવ્યા.
ડેપો મેનેજરના દાવા મુજબ, જ્યારે બસ ડ્રાઈવરે નીચે ઉતરીને આ વર્તન અંગે સવાલ કર્યો ત્યારે રિક્ષાચાલકે છરી કાઢીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવરે પોતાનો બચાવ કરવા વળતો પ્રહાર કર્યો હોવાનું પણ જણાવાયું છે.
બીજી તરફ, રિક્ષાચાલક ગફારે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે તે પાર્કિંગ વિસ્તારમાં પોતાની રિક્ષા ઊભી રાખીને પોતાના બાળકને ચા-બિસ્કિટ ખવડાવી રહ્યો હતો. તેના જણાવ્યા મુજબ રસ્તા પર લીંબુની ગાડીઓ હોવાથી તેણે ગાડી હલાવવા અંગે વાત કરી હતી, પરંતુ બસ ડ્રાઈવરે સીધી ગાળો આપી અને બાદમાં લાફો માર્યો હતો.
ઘટના બાદ ઇજાગ્રસ્ત બસ ડ્રાઈવરને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ મથકે FIR નોંધાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ ચોકીથી માત્ર થોડા અંતરે આવી જાહેર હિંસાની ઘટના બનતાં જાહેર સુરક્ષા અંગે પણ સવાલો ઊભા થયા છે.








