Sunday, May 17, 2026
HomeGujaratવિકાસને બદલે વિનાશ કરવા મામલે જામનગરના સુમરી ભલસાણ ગામના સરપંચને DDO એ...

વિકાસને બદલે વિનાશ કરવા મામલે જામનગરના સુમરી ભલસાણ ગામના સરપંચને DDO એ હોદ્દા પરથી જ દૂર કરી દીધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.જામનગરઃ રાજકારણમાં કમાણી જ કરવા આવતા નેતાઓ માટે આ એક ચોંકાવનારી ઘટના છે. કારણ કે આપણે ત્યાં નેતાઓ ખિસ્સા તો ભરપૂર ભરે છે પણ તેમની સામે એક્શન માંડ લેવાય છે. તેમના માટે ચોંકાવનારું એ છે કે ભલે નાનો તો નાનો પણ તેમની જમાતનો તો કહેવાય જ ને. વિકાસના કામો જ કરતો હતો ને… એમાં પણ પોતાના સગાઓને સાચવતો હતો..

જામનગર તાલુકાના સુમરી ભલસાણ ગામના સરપંચ સામે ગામના વિકાસના કામોમાં હોદ્દાનો દુરુપયોગ અને નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપો બાદ જિલ્લા વિકાસ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે. સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે અને હવે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

- Advertisement -

મળતી માહિતી અનુસાર, સુમરી ભલસાણ ગામના સરપંચ રામભાઈ રાયધનભાઈ છૈયા સામે સિંચાઈ વિભાગના વિકાસ કામોમાં ગેરરીતિ કરવાના આક્ષેપો થયા હતા. આરોપ મુજબ લાખો રૂપિયાના સરકારી કામો પોતાના પુત્ર અને ભત્રીજાને સોંપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કામોની ચુકવણી પણ વાઉચરો મારફતે તેમના પુત્ર અને ભત્રીજાને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કેટલાક કિસ્સામાં કાગળ પર કામ બતાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.

માહિતી મુજબ, જામનગર જિલ્લા પંચાયતની સિંચાઈ શાખા દ્વારા FDR રૂટ સુમરી ભલસાણાના કામનો વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો હતો. કામ પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયત સિંચાઈ શાખા દ્વારા રૂ. 3.65 લાખનું ચુકવણું કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ ચુકવણાની રકમ સરપંચ દ્વારા પોતાના પુત્ર અને ભત્રીજાને ચૂકવવામાં આવી હોવાનો આક્ષેપ છે. સાથે જ અન્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ પણ સામે આવતા મામલો ગંભીર બન્યો હતો.

આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન રજૂઆતો અને ઉપલબ્ધ વિગતોના આધારે ગુજરાત પંચાયત ધારા અધિનિયમની વિવિધ કલમો હેઠળ સરપંચને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ રામભાઈ છૈયાને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે.

- Advertisement -

માહિતી મુજબ હવે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલી રહી છે. બીજી તરફ, આ કાર્યવાહી વચ્ચે રાજકીય સ્તરે ભલામણો માટે દોડધામ શરૂ થઈ હોવાની પણ ચર્ચા છે.

જો કોઈ રાજકીય રાહત નહીં મળે તો પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular