Sunday, May 17, 2026
HomeGujaratAhmedabadમોંઘા શિક્ષણે આ હાલત લાવી મુકીઃ દીકરાની સ્કૂલ ફી ભરવા મા ચોર...

મોંઘા શિક્ષણે આ હાલત લાવી મુકીઃ દીકરાની સ્કૂલ ફી ભરવા મા ચોર બનીઃ અમદાવાદના જ્વેલર્સને ત્યાં હાથફેરો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ આપણા શાસ્ત્રોમાં શિક્ષા દાન તરીકે ઘણી વખત વર્ણવવામાં આવી છે. જોકે આપણે ગુરુ દક્ષીણાને જ મહત્વ આપીને આજે આ ક્ષેત્રને માફિયા જેવો ધંધો બનાવી દીધો છે. જ્યાં માફિયા શબ્દ એટલે વાપરવો પડે કારણ કે શાળાઓ કે જે ટ્રસ્ટના નામે ખુલે છે. તે શાળાઓ દર વર્ષે અધધધ કરોડોના ખર્ચ વારંવાર બતાવીને પ્રોફિટ નીલ બતાવે છે. આ એક આંકડાની માયાજાળ છે જેના પર સહી કરનારો દરેક આ માફિયાઓમાં ગણીએ તો પણ અતિશ્યોક્તિ નથી. આ આખી રમત આપ પણ જાણો જ છો. પરંતુ આ મોંઘા શિક્ષણ અને તેની લૂંટના કારણે આજે એવો દિવસ પણ જોવા મળ્યો જ્યાં દીકરાની સ્કૂલ ફી ભરવા માટે માતાએ ચોરી કરવી પડી. હવે તે પોલીસના સકંજામાં છે. જેલમાં જશે, કાયદાના જાળામાં ઘુંટાશે, વકીલથી લઈ ઘણી બધી બાબતોમાં આર્થિક અને માનસિક રીતે હેરાન પણ થશે. કારણ કે તેણે એક ખોટું પગલું ભર્યું હતું. તેની મજબૂરીની આપણે ત્યાં કોઈ કાગળ પર મહામ્યતા હોય નહીં. તેણે કહેલી સ્કૂલ ફીની વાતમાં કેટલું તથ્ય છે તે જાણવું જરૂરી છે પણ સત્ય એ છે કે, તેણે જે કર્યું તે કાયદાકીય રીતે ખોટું હોવાને કારણે હવે તેને કોર્ટમાં આ મામલે લડીને બહાર આવવું પડશે અથવા કોર્ટ જે સજા કરે તે પુરી કરીને. શું છે આ સમગ્ર ઘટના?

અમદાવાદમાં ગ્રાહક બનીને જ્વેલર્સની દુકાનોમાં સોનાના દાગીનાની ચોરી કરનાર એક મહિલાની ખાડિયા પોલીસે ધરપકડ કરી છે. મૂળ પોરબંદરની આ મહિલાએ પૂછપરછ દરમિયાન પોતાના પુત્રની સ્કૂલ ફી ભરવા માટે આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

- Advertisement -

મળતી માહિતી અનુસાર, અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી માયશા જ્વેલર્સમાં એક મહિલા ગ્રાહક બનીને પહોંચી હતી. ત્યાં તેણે સોનાની બંગડીઓ બતાવવાનું કહીને દુકાનદારોનું ધ્યાન ભટકાવ્યું હતું અને નજર ચૂકવી ચાર જોડી સોનાની બંગડીઓ ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી.

આ પછી ગીતામંદિર વિસ્તારની કલ્યાણી ગોલ્ડ જ્વેલર્સમાં પણ મહિલા ગ્રાહક બનીને પહોંચી હતી. અહીં તેણે ઓછા વજનમાં અને ઓછી કિંમતની બંગડીઓ બતાવવાનું કહીને ફરી નજર ચૂકવી સોનાની એક જોડી બંગડી ચોરી કરી લીધી હતી.

બંને ઘટનાઓ બાદ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મહિલાની ઓળખ થતાં ખાડિયા પોલીસે તેની ધરપકડ કરી હતી.

- Advertisement -

E ડિવિઝન ACP વાણી દુધાતે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી મહિલા મૂળ પોરબંદરની રહેવાસી છે અને તેના સંબંધીઓ અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં રહે છે. મહિલા ત્યાં આવી હતી અને ત્યારબાદ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો.

પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે તે આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહી છે. તેનો પુત્ર પોરબંદરની એક જાણીતી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે અને તેની સ્કૂલ ફી બાકી હતી.

મહિલાના જણાવ્યા મુજબ, જો સ્કૂલ ફી ભરવામાં નહીં આવે તો તેના પુત્રને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે તેણે સૌપ્રથમ માણેકચોકમાં ચોરી કરી અને બાદમાં દાગીના વેચવાના ઈરાદે બીજી જગ્યાએ પણ ચોરી કરી હોવાનું જણાવ્યું છે.

- Advertisement -

પોલીસના જણાવ્યા મુજબ, મહિલા પોરબંદર પરત જવાની તૈયારીમાં હતી ત્યારે તેને ઝડપી પાડવામાં આવી હતી. હાલ પોલીસે આર્થિક તંગીના કારણે જ ચોરી કરવામાં આવી હતી કે પાછળ અન્ય કોઈ કારણ પણ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular