નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાત કેબિનેટમાં ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદીના બેઝ રેટમાં સંભવિત વધારાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર ગંભીર બાબતો પર દાવો કરતા સરકારને ચેતવતો એક વીડિયો કર્યો છે કે, જો ખાનગી કંપનીઓ માટે વીજળી ખરીદીના બેઝ રેટમાં વધારો મંજૂર કરવામાં આવશે તો ગુજરાતની જનતા પર અંદાજે 6 હજાર કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડી શકે છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે મળેલી માહિતીના આધારે તેમણે રાજ્ય સરકારને અપીલ કરી છે કે મુખ્યમંત્રી અને કેબિનેટ એવો કોઈ નિર્ણય ન લે, જેનાથી પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહેલી સામાન્ય જનતા પર વધુ ભારણ વધે.
તેમણે દાવો કર્યો કે સરકારના ઊર્જા વિભાગ તરફથી પણ ખાનગી કંપની દ્વારા માંગવામાં આવતો બેઝ રેટ સ્વીકારવો યોગ્ય નથી એવી નોંધ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં સરકાર આ મામલે આગળ વધી રહી હોવાના સંકેતો મળી રહ્યા હોવાનું તેમણે કહ્યું.
ગોહિલના જણાવ્યા મુજબ, જો ખાનગી કંપનીને માંગ્યા મુજબનો બેઝ રેટ આપવામાં આવશે તો વીજળી ખરીદીનો ખર્ચ વધશે અને તેની સીધી અસર અંતે વીજળીના બિલ મારફતે સામાન્ય નાગરિકો પર પડશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના અભિપ્રાયના આધારે નિર્ણય લેવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. એ નિવૃત્ત જજની વિશ્વસનિયતા પર અગાઉ પણ સવાલો ઉઠ્યા છે.
કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે રાજ્ય સરકાર ખાનગી કંપનીને ફાયદો પહોંચાડે એવો નિર્ણય લઈ શકે છે. મારી માહિતી ખોટી પણ હોઈ શકે છે, પણ તેમણે મુખ્યમંત્રીને ખુલ્લેઆમ કેમેરા સામે આવી સ્પષ્ટતા કરવાની માંગ કરી કે ગુજરાત સરકાર હાલ વીજળી કંપનીઓના બેઝ રેટ વધારવા અંગે કોઈ નિર્ણય લેવાની પ્રક્રિયામાં છે કે નહીં.
આ મુદ્દે હવે રાજ્યની રાજનીતિ ગરમાઈ છે અને કેબિનેટ બેઠકના સત્તાવાર બ્રિફિંગ પર સૌની નજર ટકેલી છે કે સરકાર તરફથી આ અંગે શું સ્પષ્ટતા કરવામાં આવે છે.








