જયેશ શાહ (નવજીવન.કચ્છ): પૂર્વ કચ્છમાં દોઢ કરોડના સોયાની ચોરીની ઘટનામાં પોલીસની ભૂમિકા બહાર આવી છે. જેને પગલે ચોકીદાર જ ચોર હોય તેવો તાલ સર્જાયો છે. વર્ષ 2021માં કંડલા પોર્ટ ઉપર જવા નીકળેલી સોયાનો ખોળ ભરીને નીકળેલી ચાર ટ્રક ગાયબ થઈ જતા પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં શરૂઆતથી જ કેટલાક ભ્રષ્ટ પોલીસ સામે શંકા ઉભી થઇ હતી. મામલાની તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમની ટીમને પ્રાથમિક તબક્કે પૂર્વ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના સબ ઇન્સ્પેક્ટર બી. જે. જોશી તેમજ અન્ય બે પોલીસ કર્મચારીની સંડોવણી હોવાનું ધ્યાનમાં આવતા ત્રણેયની કચ્છ બહાર અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
પૂર્વ કચ્છ પોલીસ એલસીબીના સબ ઇન્સ્પેક્ટર ભરત જે. જોશીની કરાઈ પોલીસ એકેડેમીમાં અંજારથી ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. પીએસઆઇ જોશીની સાથે સાથે બે પોલીસ કર્મચારી બાલુ ગરેજાની અમરેલી તથા રામદેવસિંહ જાડેજાની તાપી જિલ્લામાં બદલી કરી નાખવામાં આવી છે. આ બંને કર્મચારી થોડા સમય પહેલા જ સસ્પેનશનમાંથી નોકરી ઉપર લેવામાં આવ્યા હતા. સમગ્ર પ્રકરણમાં પૂર્વ કચ્છ પોલીસની મેલી મુરાદ હોવાનું જાણમાં આવતા તપાસ એલસીબી પાસેથી લઇને સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. આ કેસમાં કુલ 14 આરોપી છે. જેમાં ત્રણ જેલમાં છે, જ્યારે અન્યને પકડવાના બાકી છે. એક આરોપી તો કચ્છ જિલ્લા પંચાયતના સદસ્યનો ભત્રીજો સાગર જરું છે. જેની પત્ની પણ પૂર્વ સરપંચ છે.
PSI જોશીએ આત્મહત્યાનું ત્રાગુ કરેલું
શરૂઆતમાં પોલીસનો વહીવટ સાંભળતા પૂર્વ કચ્છ પોલીસની એલસીબીના સબ ઇન્સ્પેક્ટર આ પ્રકરણ પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓની આંખમાં આવી ગયા હતા. દરમિયાન સબ ઇન્સ્પેક્ટર જોશીએ દવા પીને આત્મહત્યા કરી લેવાનું ત્રાગુ કર્યું હતુ અને દવા પીને ઉચ્ચ અધિકારીઓને મેસેજ કર્યા હતા. જેને પગલે રાતોરાત અધિકારીઓ ફફડી ગયા હતા. આખી રાત સમજાવ્યા પછી બીજા દિવસે સવારે જોશીએ માફી માંગી લીધી હતી અને ત્યારબાદ તેમની ટ્રાન્સફર એલસીબીમાંથી અંજાર પોલીસ મથકમાં કરી દેવામાં આવી હતી. હવે જ્યારે દોઢ કરોડના સોયા પ્રકરણની તપાસમાં તેમની ભૂમિકા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા જોશીને ગાંધીનગર કરાઈ એકેડેમીમાં ટ્રાન્સફર કરી દેવાયા છે.
કારમાં ડાન્સ કરનારા કર્મચારીઓ સામે કાર્યવાહી પણ કરોડોની ચોરીમાં ટ્રાન્સફર!
ઓર્ગેનાઇઝડ ક્રાઇમના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમા આ પ્રકરણમાં માત્ર બે કોન્સ્ટેબલ કે પીએસઆઇની આટલી હિંમત ન હતી કે કરોડો રૂપિયાનું સોયાને ઓળવી જનારને બચાવી લે. સેક્શનથી ચાલતા આ ‘વહીવટ’માં બે પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓને લાખો રૂપિયાનો હપ્તો મળતો હતો તેવું સૂત્રો દાવો કરી રહ્યા છે, પરંતુ વાત છેક ગૃહ વિભાગ સુધી પહોંચી હોવાના કારણે કાર્યવાહી કરવી જરૂરી હતી એટલે ત્રણને જિલ્લા બહાર મોકલી દેવામાં આવ્યા છે. એક તરફ જ્યાં કારમાં ડાન્સ કરી રહેલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે અને બીજી બાજુ કરોડો રૂપિયાની ચોરીમાં સંડોવાયેલી પોલીસને માત્ર ટ્રાન્સફર કરી દેવામાં આવતા પોલીસ વિભાગમાં ચાલતા બેવડા માપદંડની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે.
ચોરીની ઘટના વખતે બે પોલીસ તો સસ્પેન્ડ હતા
માત્ર પૂર્વ કચ્છ પોલીસ બેડામાં જ નહીં પરંતુ ગાંધીનગર પોલીસ ભવનમાં પણ ટોકિંગ પોઇન્ટ બનેલી આ ઘટનામાં જે બે પોલીસ કર્મચારીને જિલ્લા બહાર બદલાવમાં આવ્યા છે. તેઓ ઘટના વખતે સસ્પેનશનમાં હતા. બર્થ ડે ઉજવવાની ઘટનામાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને આ ફરિયાદ તથા તપાસ વખતે જગદીશ સરવૈયા નામનો પોલીસ કર્મચારી પૂર્વ કચ્છ પોલીસનો ‘વહીવટ’ સાંભળતો હતો. તેને આ પ્રકરણમાં દસ લાખ રૂપિયા પણ મળ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અમે ઘણા પ્રયત્નો કર્યા પણ સમગ્ર મામલો પોલીસનો આંતરિક અને શરમજનક હોવાને કારણે કોઈપણ આ મામલે સત્તાવાર બોલવા તૈયાર નથી.
ગાંધીનગરમાં પોલીસ ભવન સુધી જતો હતો હપ્તો ?
સામાન્ય રીતે ઘણા પોલીસકર્મી દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓમાંથી વહીવટ કરી લેતા હોય છે, પરંતુ પૂર્વ કચ્છમાં પોલીસ ઓઇલ ચોરીથી માંડીને કોમોડિટી સગેવગે કરતી ગેંગ પાસેથી લાખો રૂપિયાનો હપ્તો મેળવી કરોડપતિ બની ગયા હોવાની પણ ચર્ચા છે. એટલે સ્વાભાવિક છે કે, પૂર્વ કચ્છમાં પોસ્ટિંગ મેળવવું હોય કે નોકરી વધુ સમય ચાલુ રાખવી હોય તો ઉપર સુધી પ્રસાદી આપવી પડે. સુત્રોનું માનીએ તો રાજુ દૂબે નામનો એક ખાનગી વ્યક્તિ પૂર્વ કચ્છમાંથી ગાંધીનગર પોલીસ ભવનમાં પણ લાખો રૂપિયાનો હપ્તો દર મહિને આપતો હતો, પરંતુ કચ્છના એક મહિલા રાજકીય નેતાએ આ કેસ અંગે સરકારમાં ધ્યાન દોરતા તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. હવે વાત માત્ર આટલેથી અટકે છે કે, પલળેલા અન્ય ખાખીધારીઓને પણ પકડવામાં આવશે કે નહીં તેની ઉપર સમગ્ર પોલીસ બેડાની નજર છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












