નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath district) ના કોડીનાર પંથકમાંથી દીપડો માનવભક્ષી બન્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. કોડીનારના અરણેજ ગામના વાડી વિસ્તારમાં રહેતા પરિવારની 8 વર્ષીય બાળકીને દીપડો ઉઠાવી ગયો (Leopard snatches baby girl in Kodinar) હતો. બાળકીની ગ્રામજનો અને વન વિભાગે ભારે શોધખોળ કરતા તેનો મૃતદેહ બાજરીના ખેતરમાંથી મળી આવ્યો છે. દીપડાના હુમલાના પગલે કોડીનાર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ માનવભક્ષી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માગ કરી છે.
કોડીનાર તાલુકામાં દીપડાના આતંકથી ચકચાર મચી ગઈ છે. અરણેજ ગામના વાડી વિસ્તારમાં રહેતો પરિવાર નજીકમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા નીકળ્યો હતો તે સમયે મોડી રાત્રે અંધારાનો લાભ લઈને દીપડો પરિવારની નજીક આવી ગયો હતો. દીપડો પરિવારની હાજરીમાં જ 8 વર્ષની બાળકીને ઉપાડીને નાસી જતાં પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતા લોકો એકઠાં થઈ ગયા હતા અને બાળકીને બચાવવા શોધખોળ આરંભી હતી. આખરે બાજરીના ખેતરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.








