નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગરના સુભાષબ્રિજ પાસે રંગમતી નદી કાંઠે લૂંટના ઈરાદે કરાયેલી હત્યાના કેસનો ભેદ જામનગર પોલીસે (Jamnagar police solve murder case) ઉકેલી નાંખ્યો છે. મૃતકના પુત્રએ નોંધાવેલી ફરિયાદના આધારે હાથ ધરવામાં આવેલી તપાસમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને દબોચી લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઈસ્માઈલ હારૂનભાઈ કેરેની રંગમતી નદીના કાંઠેથી લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં ઈસ્માઈલ કેરેની હત્યા કરાઈ હોય તેવી શંકા પોલીસને હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનો ખુલાસો થયો હતો. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ મામલે મૃતકના પુત્ર સરગરની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જામનગર એલસીબી ટીમે (Jamnagar LCB Team) સીસીટીવી ફૂટેજ અને ટેકનિક્લ એનાલિસિસની મદદથી મહેબુબ મહંમદહુસેન સચડાને ઝડપી પાડ્યો છે. મૃતક અને આરોપી મહેબુબ એકબીજાને ઓળખતા હતા. મૃતક ઈસ્માઈલ કેરે માછલીના ધંધા સાથે જોડાયેલા હોવાથી તેમની પાસે રોકડ રહેતી હતી. રોકડ લૂંટી લેવા માટે મહેબુબ સચડાએ ઈસ્માઈલ કેરેને દોરી વડે ગળા ફાંસો આપી પથ્થરથી હુમલો કરી લાશને પાણીમાં ફેંકી દીધી હતી.








