Tuesday, May 5, 2026
HomeGujaratહજુ તો ચૂંટાયા જ હતા અને અમદાવાદમાં કોંગ્રેસ કોર્પોરેટર સામે બોગસ સ્કૂલ...

હજુ તો ચૂંટાયા જ હતા અને અમદાવાદમાં કોંગ્રેસ કોર્પોરેટર સામે બોગસ સ્કૂલ LC રજૂ કર્યા કેસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં ખોટા દસ્તાવેજો રજૂ કરવાની ગંભીર ઘટના સામે આવી છે. કુબેરનગર વોર્ડની કોંગ્રેસ કોર્પોરેટર કલ્પનાબહેન સુરજભાઈ નવલેકર સામે ચૂંટણી ઉમેદવારી દરમિયાન બોગસ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) રજૂ કર્યાનો આરોપ લાગતા તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, આ મામલે ફરિયાદ મણિનગર વિસ્તારમાં રહેતા 68 વર્ષીય અશોકકુમાર કાંતિલાલ પટેલે નોંધાવી છે, જે છેલ્લા 20 વર્ષથી ભાવના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. ફરિયાદ અનુસાર, કલ્પનાબહેને આ શાળામાં ક્યારેય અભ્યાસ કર્યો ન હોવા છતાં, શાળાના નામે ખોટું લિવિંગ સર્ટિફિકેટ બનાવી તેને સાચા તરીકે રજૂ કરીને 2026ની AMC ચૂંટણીમાં તેનો ઉપયોગ કર્યો હતો.

- Advertisement -

આ મામલો મોટેરાના રહેવાસી ચિરાગ પ્રવીણચંદ્ર શાહ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને 24 એપ્રિલે કરાયેલી અરજી બાદ બહાર આવ્યો હતો. અરજીના આધારે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શિક્ષણ નિરીક્ષક આર.એમ. માકડિયા અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક હિમાંશુ સી. વ્યાસે શાળાના રેકોર્ડની તપાસ કરતાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.

તપાસમાં ખુલ્યું હતું કે કલ્પનાબહેન દ્વારા રજૂ કરાયેલા LCમાં દર્શાવેલ જી.આર. નંબર 1248 અને એલ.સી. ઇશ્યુ નંબર 3194 શાળાના મૂળ રજિસ્ટર સાથે મેળ ખાતા નથી. શાળાના રેકોર્ડ મુજબ જી.આર. નંબર 1248 પર ચાવડા હસમુખભાઈ મધુકાન્ત અને એલ.સી. નંબર 3194 પર સોની અંકિતકુમાર ગીરીશભાઈના નામ નોંધાયેલા છે. તેમજ દર્શાવેલી તારીખે કલ્પનાબહેનના નામે કોઈ એન્ટ્રી પણ નોંધાઈ નથી.

આ સ્પષ્ટ તફાવતોના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ તમામ પુરાવાઓ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વિજય હસમુખરાય જોષીને સોંપવામાં આવી છે.

- Advertisement -

આ ઘટનાને પગલે રાજકીય તેમજ શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચકચાર મચી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular