Monday, May 4, 2026
HomeGujarat'લવ ગુરુ સ્કેમ' અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોકોને કિન્નરની ગેંગથી આ રીતે બચાવ્યા

‘લવ ગુરુ સ્કેમ’ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોકોને કિન્નરની ગેંગથી આ રીતે બચાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા મારફતે જ્યોતિષ અને ‘કિન્નર ગુરૂમા’ તરીકે ઓળખ આપી છેતરપિંડી અને બ્લેકમેઇલિંગ કરતા ગેંગનો ભાંડાફોડ કર્યો છે. આ મામલે એક આરોપીને રાજસ્થાનના બિકાનેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ શખ્સો દ્વારા એક અજીબ મોડસ ઓપરેન્ડી સાથે લવ ગુરુ સ્કેમ આચરવામાં આવતો હતો. જેમાં પીડિત વ્યક્તિને ના માત્ર રૂપિયા ગુમાવવા પડતા હતા પણ તેનાથી પણ વધુ કિંમતી પોતાની આબરુ પણ ગુમાવવી પડતી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓએ “astrologer_pooja_kinnar_maa” નામની ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી પોતાની ઓળખ જ્યોતિષ ગુરૂમા તરીકે આપી હતી. તેઓ લોકોની પ્રેમસંબંધ, લગ્નજીવન અથવા વ્યક્તિગત સમસ્યાઓના ઉકેલ માટે ખાસ પૂજા અને વશીકરણ જેવી વિધિ કરાવવાની લાલચ આપતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામ સોશ્યલ મીડિયા આઈડીને પણ જાહેર કરી દેવામાં આવ્યા છે જે અમે અહીં તમને બતાવીશું કે જેથી આવા શખ્સોની ચુંગાલમાં તમે ના ફસાઓ અથવા કોઈ બીજાને ફસાતા બચાવી શકો.

- Advertisement -

હવે મૂળ કહાની પર પાછા આવીએ તો, આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે ભોગ બનનાર સાથે સંપર્ક સાધીને તેમની વ્યક્તિગત માહિતી મેળવી લેતા હતા. ત્યારબાદ વિવિધ મોબાઇલ નંબરો દ્વારા સંપર્કમાં રહી ‘વિધિ’ના બહાને ફોટા મગાવ્યા હતા. આ ફોટાઓને એડિટ કરીને વાયરલ કરવાની ધમકી આપી ભોગ બનનારને માનસિક રીતે દબાણમાં લઈ લેવાતા હતા.

આગળ વધીને આરોપીઓ વીડિયો કોલ દ્વારા ભોગ બનનારને અશ્લીલ હરકતો કરવા મજબૂર કરતા અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરતા હતા. ત્યારબાદ તે ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરીને પૈસા વસૂલતા હતા. આવી જ રીતે તેમણે એક વ્યક્તિને ફસાવ્યા હતા, પરંતુ આ વ્યક્તિએ બનાવની ફરિયાદ પોલીસને કરી તે કેસમાં આ રીતે કુલ ₹1,43,951 જેટલી રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા મેળવવામાં આવી હતી. પોલીસે 7 દિવસમાં આરોપીઓને પકડી પાડ્યા છે.

સાયબર ક્રાઇમ ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરીને આરોપી રજનીશ ગોવિંદલાલ ભાગવતને બિકાનેર (રાજસ્થાન)માંથી ઝડપી પાડ્યો છે. અન્ય બે આરોપીઓની ઓળખ પણ થઇ છે, જેમની શોધખોળ ચાલુ છે.

- Advertisement -

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ જુદી જુદી ફેક ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડીઓ બનાવી લોકોનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ તેઓ પ્રેમ અને લગ્ન સમસ્યાઓના ઉકેલના બહાને લોકોને ફસાવતા અને બ્લેકમેઇલ કરતા હતા.

આરોપીઓના બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન તપાસમાં છેલ્લા 2 વર્ષમાં અંદાજે ₹60 લાખ જેટલા ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત છેલ્લા એક મહિનામાં લગભગ 300 જેટલા લોકોને સંપર્ક કરીને 65થી વધુ લોકોને છેતરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

આ સમગ્ર કેસમાં Axis Bank, Bank of Baroda અને State Bank of Indiaના કુલ 4 બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. તેમજ એનસીઆરપી પોર્ટલ પર દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ ગેંગ સામે 8 જેટલી સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

- Advertisement -

સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular