Thursday, April 30, 2026
HomeGujaratAmreli: ગાયે સિંહને શિંગડે ભેરવ્યો પણ સિંહ હતો વધારે તાકતવરઃ CCTV

Amreli: ગાયે સિંહને શિંગડે ભેરવ્યો પણ સિંહ હતો વધારે તાકતવરઃ CCTV

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમરેલીઃ અમરેલી જિલ્લામાં સિંહો જંગલ વિસ્તાર છોડીને માનવ વસાહત તરફ વળી રહ્યા હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામમાં સિંહ દ્વારા પશુના શિકારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડી રાત્રે ગામની શેરીમાં ઘૂસી આવેલા સિંહે એક ગાય પર હુમલો કરીને તેનું મારણ કર્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં દેખાય છે કે, સિંહને સામે આવતો જોઈ ગાય એક દમ સતર્ક થઈ જાય છે પરંતુ અહીં ગાય ભાગવાને બદલે સિંહનો સામનો કરવાનું નક્કી કરી લીધું હોય તેમ સામી જ ઊભી રહે છે. સિંહ પણ પહેલા દબાયેલા પગે અને પછી તુરંત તરાપ મારે છે. ગાય પણ તેને પોતાના શિંગડામાં ભેરવીને ફેંકી દેવાનો પ્રયત્ન કરે છે પરંતુ અહીં સિંહ વધારે તાકતવર હોવાને કારણે ગાયે જીવ ગુમાવવાનો થયો છે.

મળતી માહિતી મુજબ, ખોરાકની શોધમાં જંગલમાંથી ભટકીને એક સિંહ ઈંગોરાળા ગામની ગલીઓમાં આવી ચડ્યો હતો. વાઈરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે સિંહ આક્રમક રીતે ગલીમાં પ્રવેશ કરે છે અને ગાય પર જોરદાર હુમલો કરે છે. સિંહે પ્રથમ જોરદાર છલાંગ લગાવી ગાયને કાબૂમાં લીધી હતી અને ત્યારબાદ તેને જમીન પર પછાડી દીધું હતું. ગણતરીની મિનિટોમાં જ સિંહે ગાયનું મારણ કરી નાખ્યું હતું.

- Advertisement -

આ ઘટનાના કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ઉભો થયો છે. રેવન્યુ વિસ્તારોમાં સિંહોના વધતા આંટાફેરા ખેડૂતો અને સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, સિંહો હવે ખોરાકની શોધમાં સીધા રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે, જેના કારણે રાત્રિના સમયે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં પાણી અને ખોરાકની અછતને કારણે વન્યજીવો ગામડાઓ તરફ વધુ વળી રહ્યા છે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ વન વિભાગ સક્રિય બન્યો છે. વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઈંગોરાળા અને આસપાસના વિસ્તારોમાં વનરક્ષકો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સાથે જ ગ્રામજનોને રાત્રિના સમયે એકલા ન નીકળવા અને પશુઓને સુરક્ષિત સ્થળે બાંધવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધુ હોવાના કારણે માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષના બનાવો વધતા જઈ રહ્યા છે, જે તંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular