નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : દસકાઓ વીતી ગયાં છતાં જ્ઞાતિવાદ અને આભડછેટના કિસ્સાઓ બનતા રહે છે. જૂનાગઢના વિસાવદર (Visavadar Junagadh) તાલુકાના ભૂતડી ગામે યોજાયેલા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકો સાથે ગંભીર ભેદભાવ (Discrimination against Dalits) રાખવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને દલિત સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે.
ભૂતડી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા રામજી મંદિરનો જિણોદ્ધાર કર્યા બાદ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા (Ramji Mandir Pran Pratishtha Mahotsav) નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે આખા ગામ માટે સમૂહ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજકો અને કાર્યકરો તરીકે સેવા આપતા પાંચ શખસોએ અનુસૂચિત જાતિના મહોલ્લામાં જઈને ગ્રામજનોને આમંત્રણ આપવાની સાથે અપમાનજનક શરતો મૂકવામાં આવી હતી. દલિત સમાજના લોકોને આયોજકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તમારે જમવા આવવું હોય તો ઘરેથી પોતાના થાળી અને વાટકા સાથે લઈને આવવાનું રહેશે. ગામના અન્ય લોકો જમી લે ત્યારબાદ જ તમારે જમવા બેસવાનું રહેશે તેવી શરત પણ રાખવામાં આવી હતી. આભડછેટ અને જ્ઞાતિવાદી માનસિકતાનો ભોગ બનેલા યુવાન અજયભાઈ ચતુરભાઈ બોરીચાએ આ બાબતે અવાજ ઉઠાવ્યો હતો. વિસાવદર પોલીસ સ્ટેશનમાં બાબુભાઈ હપાણી, નરેન્દ્રભાઈ સીરોયા, રમણીકભાઈ સોરઠીયા, અતુલભાઈ સીરોયા અને ફુલાભાઈ સીરોયા સામે Atrocity Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.








