નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નજીક જસવંતગઢ પાટિયા પાસે પૂરઝડપે આવતી ખાનગી બસે કારને ટક્કર મારતા 6 મુસાફરોના મોત (Fatal accident in Himmatnagar) થયા છે. બસની ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, તમામ મૃતક મોડાસા તાલુકાના સરડોઈ ગામ છે અને તેઓ કેટરિંગ સર્વિસ આપવા ઈકો કારમાં જઈ રહ્યાં હતાં.
અમદાવાદ-શામળાજી નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બસે પાછળથી મારેલી ટક્કર એટલી પ્રચંડ હતી કે, કારનો પાછળનો અને ઉપરનો ભાગ સાવ દબાઈ જતાં વાહનનું પડીકું બની ગયું હતું. અકસ્માત થતાંની સાથે કારમાં પ્રવાસ કરી રહેલા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ અંદર જ ફસાઈ ગયા હતા. ધડાકાભેર થયેલા અકસ્માતના પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.








