Saturday, April 25, 2026
HomeGujaratકૂતરાને ફરી વળ્યા બે 'ભુંડ બુદ્ધી': રાજકોટમાં પિતા-પુત્રને નહોતું ગમતુ ભસતું કૂતરું

કૂતરાને ફરી વળ્યા બે ‘ભુંડ બુદ્ધી’: રાજકોટમાં પિતા-પુત્રને નહોતું ગમતુ ભસતું કૂતરું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કલ્યાણ પાર્ક વિસ્તારમાં પિતા-પુત્રે મળીને પાડોશીના પાળેલા શ્વાન પર લાકડી અને પાઈપ વડે અત્યંત નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા શહેરમાં ભારે આક્રોશ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, માત્ર 21 સેકન્ડના સમયગાળામાં હુમલાખોરોએ શ્વાન પર અંદાજે 26 જેટલા ઘા ઝીંક્યા હતા, જેના કારણે શ્વાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે.

- Advertisement -

કલ્યાણનગર શેરી નંબર-4માં રહેતી ક્રિષ્નાબેન પરમારે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા અઢી વર્ષથી આ શ્વાનને પાળી રહ્યા છે. પરંતુ પાડોશમાં રહેતા મહેન્દ્રસિંહ જાડેજા અને તેમના પુત્ર અભિરાજસિંહને શ્વાન ભસે તે બાબત પસંદ નહોતી. ઘટનાના દિવસે શ્વાન ઘર પાસે બાંધેલું હતું ત્યારે બંને પિતા-પુત્ર લાકડી અને પાઈપ લઈને આવી તૂટી પડ્યા હતા.

હંગામો સાંભળીને ક્રિષ્નાબેન બહાર આવી ત્યારે તેઓએ જોયું કે અબોલ જીવ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવી રહ્યો હતો. જ્યારે તેમણે શ્વાનને બચાવવા માટે વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો, ત્યારે હુમલાખોરોએ તેમને પણ ધક્કો મારીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાથી વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. અબોલ જીવ પર થયેલી આ ક્રૂરતાને લઈને લોકો કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

- Advertisement -

ક્રિષ્નાબેને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. તેમણે અપીલ કરતાં કહ્યું હતું કે, “જો આપણે અબોલ જીવની સંભાળ ન રાખી શકીએ તો ઓછામાં ઓછું તેને આ રીતે મારવાનો કોઈને અધિકાર નથી.”

હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવાની શક્યતા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular