Friday, April 24, 2026
HomeGujaratગીરમાં ખતરનાક ક્ષણો: સિંહે શિકાર છોડીને બાળકી પાછળ દોટ મૂકી, Video વાયરલ

ગીરમાં ખતરનાક ક્ષણો: સિંહે શિકાર છોડીને બાળકી પાછળ દોટ મૂકી, Video વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ/જૂનાગઢ: ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી વિસ્તારોમાં સિંહોની અવરજવર સામાન્ય બની ગઈ છે, પરંતુ વિસાવદરના રતાંગ ગામે બનેલી એક ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. ગામની શેરીમાં શિકાર કરેલા પશુ પર મિજબાની માણી રહેલા સિંહને જોવા ઉમટેલા ટોળાને કારણે અચાનક જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ, સિંહ શાંતિથી શિકાર ખાતો હતો ત્યારે લોકો નજીક આવી મોબાઈલથી વીડિયો બનાવતા હતા. ટોર્ચ અને મોબાઈલ ફ્લેશના પ્રકાશ તેમજ લોકોના અવાજોથી સિંહ વિચલિત થયો હતો. આ દરમિયાન સિંહે અચાનક શિકાર છોડીને નજીક ઉભેલી એક બાળકી તરફ દોટ મૂકી દીધી હતી.

- Advertisement -

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે લોકોની ચીસાચીસ અને દેકારા વચ્ચે સિંહ થોડા અંતરે જઈ પાછો વળી ગયો હતો. સદનસીબે, બાળકી સુરક્ષિત રહી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ આ ક્ષણોએ હાજર લોકોમાં ભારે દહેશત ફેલાવી હતી.

આ ઘટનાએ માનવ અને વન્યજીવન વચ્ચે વધતા સંઘર્ષ અંગે ફરી એકવાર ચેતવણી આપી છે. વન વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં લોકો સિંહોને નજીકથી જોવા અને વીડિયો બનાવવા માટે જોખમ લેતા રહે છે.

વિશેષજ્ઞોના મતે, સિંહ સામાન્ય રીતે શાંત સ્વભાવનો હોય છે, પરંતુ તેને ઘેરવામાં આવે કે પરેશાન કરવામાં આવે તો તે આક્રમક બની શકે છે. રતાંગ ગામની આ ઘટના એ વાતનો જીવંત ઉદાહરણ બની છે કે જંગલી પ્રાણીઓથી યોગ્ય અંતર જાળવવું કેટલું જરૂરી છે.

- Advertisement -

હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં જાગૃતિ લાવવાની ચર્ચા તેજ બની છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular