નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર શહેરના છેવાડે આવેલા પેટ્રોલ પંપ પર વર્ષ 1999માં થયેલી 1.90 લાખ રૂપિયાની લૂંટ (Jamnagar Petrol Pump Robbery Case) ચલાવનારી ટોળકીના મુખ્ય સૂત્રધારને જામનગર એલસીબી ટીમે (Jamnagar LCB Team) ઝડપી પાડ્યો છે. અત્રે નોંધનીય છે કે, પકડાયેલો આરોપી બાબુ ઉર્ફે બાબી ડોડીયારે (રહે. જાંબુઆ, મધ્યપ્રદેશ) સાગરિતો સાથે વર્ષ 1999માં દ્વારકાના પ્રસિદ્ધ રૂક્ષ્મણી મંદિર પર પથ્થરમારો કરી સાધુઓને મારી સોના-ચાંદીના આભૂષણો તેમજ રોકડ સહિત 63,850 રૂપિયાની મતા લૂંટી (Rukshmani Mandir Dwarka Robbery Case) હતી. મંદિરના લૂંટ કેસમાં બાબુએ ત્રણેક વર્ષ જેલવાસ પણ ભોગવ્યો હતો.
Jamnagar City ના લાલપુર બાયપાસ પાસે આવેલા કિર્તિ પેટ્રોલ પંપ પર વર્ષ 1999માં સશસ્ત્ર ધાડ પાડી 1.90 લાખની લૂંટ ચલાવનાર ગેંગના એક ડઝન આરોપીઓ પૈકી બે આરોપી બાબુ અને દેવો ભાગેડુ જાહેર થયા હતા. રેલવે વિભાગમાં અલગ અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો બાબુ ડોડીયાર તેના વતન જાંબુઆમાં છે તેવી બાતમી મળતા એલસીબી ટીમના અરજણભાઈ કોડીયાતર, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજા મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. આરોપીનું સરમાનું તેમજ ઓળખ મેળવવા માટે LCB Team એ સ્થાનિક મતદાર યાદી તપાસી ફરાર આરોપીના ચૂંટણી કાર્ડમાંથી ફોટો તેમજ સરનામું મેળવી લીધું હતું. ત્યારબાદ પોલીસ ટીમે જાંબુઆના કાકરાદરા ગામે રહેતા ઑપરેશન હાથ ધરી બાબુ ડોડીયારને ઝડપી લીધો હતો.








