નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર-લાખાબાવળ રેલ માર્ગ (Jamnagar-Lakhabaval railway line) પર આજે સવારે મોટી દુર્ઘટના થતાં અટકી છે. રેલવે કર્મચારીએ જામનગરના અંધાશ્રમ નજીક રેલવે ટ્રેકમાં અચાનક ‘વેલ્ડ ફ્રેક્ચર’ દેખતા રેલવે વિભાગમાં ભાગદોડ થઈ ગઈ હતી. રેલ માર્ગ પરથી પસાર થતી એક ગુડ્સ ટ્રેનને અટકાવી દઈ મોટી દુર્ઘટના થતા અટકાવી દેવામાં આવી છે.
પેટ્રોલિંગ કરી રહેલા રેલવે કર્મચારી અશોક કુમારને જામનગરના રેલવે ટ્રેકના પાટા તૂટ્યા હોવાનું આજે સવારે પોણા દસેક વાગે નજરે પડ્યું હતું. રેલ માર્ગ પર થયેલાં નુકસાન (weld fracture on rail track) ની રેલવે કર્મચારીએ તુરંત અધિકારીઓને જાણ કરી હતી. રેલ માર્ગ પરથી થોડીક જ મિનિટો બાદ એક માલગાડી પસાર થવાની હતી, જેને અટકાવી દેવાઈ હતી. રેલવેનો એન્જિનિયરિંગ સ્ટાફ અને ટેકનિકલ ટીમ તુરંત રેલવે ટ્રેક પર દોડી જઈ મરામત કરાયા બાદ રેલ વ્યવહાર પુનઃ સ્થાપિત કરાયો હતો.








