નવજીવન ન્યૂઝ, ડેસ્ક : રાજસ્થાનના બાલોતરાની પચપદરા રિફાઈનરીમાં ઉદ્ધાટનના એક દિવસ અગાઉ ભીષણ આગ (Pachpadara Refinery Fire Rajasthan) લાગી છે. સોમવારે બપોરે ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU)માં આગ લાગતા રિફાઈનરીમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાના પગલે ફાયર સેફ્ટી સિસ્ટમ ચાલુ કરી દેવાઈ છે. ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા ભારે જહેમત કરી રહી છે. સુરક્ષાના કારણોસર સમગ્ર વિસ્તારને ખાલી કરાવી કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
પચપદરા રિફાઈનરીમાં પાઇપલાઇનથી આવતું ઓઇલ ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટમાં આવે છે. આ યુનિટમાં ક્રૂડ ઓઇલ રિફાઇન થઈને અલગ-અલગ યુનિટમાં મોકલવામાં આવે છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચપદરા રિફાઇનરીનું ઉદ્ઘાટન (PM Modi Inaugurates Pachpadra Refinery) કરવાના હતા. રિફાઇનરીના જે ભાગમાં આગ લાગી છે, તે સ્થળ સભા સ્થળથી 800 મીટર જ દૂર છે. આ સભા સ્થળમાં આવતીકાલે પીએમ મોદી સંબોધન કરવાના હતા. હવે મોદીનો કાર્યક્રમ યથાવત રહે છે કે ફેરફાર થાય છે તે જાહેર થશે.








