નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ (PI Padra police Station) હાલ ભૂર્ગભમાં ઉતરી ગયા છે. કારણ કે, પીઆઈ ચારણ વતી 2 લાખની લાંચ લેતો તેમનો વચેટિયો વડોદરા અક્ષર ચોક (Vadodara Akshar Chowk) ખાતે આવેલા ટી સ્ટૉલ ખાતેથી ACB Gujarat ના હાથે ઝડપાઈ ગયો છે.
વડોદરા ગ્રામ્ય પોલીસની હદમાં આવતા પાદરા પોલીસ સ્ટેશનમાં એક ઝઘડાના કેસમાં ગત 9 એપ્રિલના રોજ બપોરના સમયે એસીબીના ફરિયાદી તથા સાહેદને પોલીસ લઈ ગઈ હતી. પાદરા પોલીસે આ મામલે અટકાયતી પગલા લીધા હતા અને આ મામલામાં ‘લવ-જેહાદ’નો ગુનો (Love Jihad Case) બને છે તેવું જણાવવામાં આવ્યું હતું. આ કેસમાં પીઆઈ વી. એ. ચારણે (PI V A Charan) આગળની કાર્યવાહી ના કરવી હોય તો સાજીદને મળી લો તેમ કહ્યું હતું. સાજીદઅલી ગુલામરસુલ સૈયદે (રહે. ચાણસદ, તા. પાદરા, વડોદરા) સૌ પ્રથમ 6 લાખ રૂપિયા માગ્યા હતા. રકઝકના અંતે 2 લાખ નક્કી થતાં ફરિયાદીએ એસીબી અધિકારીનો સંપર્ક કરતા Team ACB એ લાંચનું છટકું ગોઠવતા આજે સાજીદ સૈયદ PI વતી 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આ મામલે વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન (Vadodara Rural ACB Police Station) માં પીઆઈ વી. એ. ચારણ અને સાજીદ સૈયદ સામે ગુનો નોંધી વચેટિયા સાજીદની ધરપકડ કરી છે.








