નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈના અનોખા ફોટોગ્રાફી પ્રદર્શન ‘કચ્છ… અચીજા’નો 17 એપ્રિલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પ્રદર્શન અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તારમાં આવેલા નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં યોજાશે અને 31 મે, 2026 સુધી ખુલ્લું રહેશે.
આ એક્ઝિબિશન દરરોજ બપોરે 12 થી રાત્રે 9 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. તેમાં વિવેક દેસાઈ દ્વારા છેલ્લા બે દશકા કરતાં પણ વધુ સમય દરમિયાન કચ્છમાં ખેંચાયેલા અદભૂત ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

વિવેક દેસાઈએ કચ્છને માત્ર ફોટોગ્રાફીનો વિષય બનાવ્યો નથી, પરંતુ તેને પોતાના જીવનનો અગત્યનો ભાગ બનાવી લીધો છે. તેમના કેમેરામાં કચ્છના લેન્ડસ્કેપ્સ, સ્થાનિક લોકોનું જીવન, લાગણીઓ અને ઘણીવાર શબ્દોથી ન કહી શકાય તેવી વાર્તાઓ ક્ષણોમાં જીવંત બની ઊભી થાય છે.

આ પ્રદર્શન તેમના કચ્છ સાથેના ઊંડા લાગણીસભર જોડાણને દર્શાવે છે, જેમાં વિશ્વાસ, પોતીકાપણું અને માનવીય સંબંધોની ઝાંખી જોવા મળે છે. કલાકૃતિ અને ફોટોગ્રાફી પ્રેમીઓ માટે આ એક્ઝિબિશન એક અનોખો અનુભવ બની રહેશે.








