પ્રશાંત દયાળ (નવજીવન. અમદાવાદ): તાજેતરમાં જ આપ (આમ આદમી પાર્ટી) છોડી ભાજપ (ભારતીય જનતા પાર્ટી) માં જોડાયેલા વિજય સુંવાળાને સોશિયલ મીડિયામાં આકરી ટીકા સાથે તેઓ ડરીને ભાજપમાં ગયા છે, તેવી ટીપ્પણીઓ થતા વિજય સુંવાળાનો પિત્તો હટ્યો હતો. વિરોધીઓને જવાબ આપવા માટે તેમણે સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરેલા વીડિયોમાં તેઓ પ્રમાણભાન ભુલ્યા અને જાતિવિષયક નિવેદન થઈ ગયું હતું. અમારી પાસે આ વીડિયો હોવા છતાં અમે અહીં જાહેર કરી શકતા નથી કારણ અમે તમામ જાતિઓનો આદર કરીએ છીએ અને કોઈ પણ જાતિ વિરુદ્ધ થયેલા ઉચ્ચારણોને અમે પ્રોત્સાહન આપવા માગતા નથી.
એક પક્ષમાં આવી બીજા પક્ષમાં જવું હવે નેતાઓ માટે આમ વાત બની ગઈ છે. વિજય સુંવાળા આમ આદમીમાં હતા ત્યારે ગુજરાતના ગામડાઓ સુધી વિકાસ પહોંચ્યો નથી, વિકાસ માત્ર પોસ્ટર્સ સુધી સીમિત રહ્યો છે તે પ્રકારના અનેક નિવેદનો તેમણે કર્યા હતા. જોકે રાજકારણમાં આ બહુ જ સહજ બાબત બની ગઈ છે, જે ભાજપની તેઓ ટીકા કરતા હતા તે જ ભાજપમાં જોડાઈ ગયા.
કોને કયા પક્ષમાં રહેવું તે અત્યંત વ્યક્તિગત બાબત છે પરંતુ સુંવાળાના નિર્ણયને કારણે આમ આદમી પાર્ટીના લોકો અને સુંવાળાના ઘણા સમર્થકો નારાજ થયા હતા. સુંવાળાની રાજકીય ટીકા ખુબ થઈ, જોકે પોતાની ટીકા થશે જ તેવું સુંવાળાએ માની લેવાની જરૂર હતી પરંતુ તેઓ પોતાની ટીકા સહન કરી શક્યા નહીં અને વિરોધીઓને જવાબ આપવામાં ન બોલવાનું બોલી પ્રમાણભાન ગુમાવી દીધું છે.
સોશિયલ મીડિયાના માધ્યમમાં તેમણે આપેલો જવાબ અક્ષરસઃ અહીં લખી શકાય તેમ નથી પરંતુ છતાં નિયમોમાં રહીને લખીએ તો તે દેવીપૂજક અને પછાત જાતિનો દિકરો નથી, રબારીનો દિકરો છું ડરું નહીં. તેવું કહ્યું છે. આ તરફ સુંવાળાના આ નિવેદનની આકરી ટીકા શરૂ થઈ છે. તેમણે વિરોધીઓને જવાબ આપ્યો તેમાં કોઈ વાંધો નથી પરંતુ જાતિવિષયક શબ્દ પ્રયોગને કારણે તેમની સામે હવે કાનુની કાર્યવાહી થાય તેવી સંભાવના છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












