Thursday, April 16, 2026
HomeGujaratસુરતમાં જીમ ટ્રેનરનો શરમજનક કાંડ: પરિણીતાને ફસાવી પતિ પાસેથી 5 લાખની ખંડણી,...

સુરતમાં જીમ ટ્રેનરનો શરમજનક કાંડ: પરિણીતાને ફસાવી પતિ પાસેથી 5 લાખની ખંડણી, SOGએ ઝડપ્યો આરોપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરત શહેરના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જીમ ટ્રેનરે પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલિંગ કરીને તેના પતિ પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગ્યાનો આરોપ છે. આ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાની ધરપકડ કરી છે.

માહિતી મુજબ, 45 વર્ષીય પરિણીત મહિલા સાત વર્ષ પહેલાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલી ‘પુજા L1’ જીમમાં જતી હતી. ત્યાં ટ્રેનર તરીકે કાર્યરત શબ્બીર ટૂંકવાલાએ જીમ એક્ટિવિટી શીખવવાના બહાને મહિલાની સાથે નજીકતા વધારી હતી. ધીમે ધીમે તેણે મહિલાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.

- Advertisement -

આ સંબંધને કારણે મહિલાના પરિવાર જીવનમાં તણાવ ઊભો થયો હતો. જ્યારે મહિલાના પતિને આ બાબતની જાણ થઈ, ત્યારે તેમણે સંબંધ સુધારવા આરોપીનો સંપર્ક કર્યો હતો. પરંતુ આરોપીએ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી બ્લેકમેલિંગ શરૂ કર્યું.

આરોપી શબ્બીરે મહિલાના પતિને ધમકી આપી હતી કે તેની પાસે પત્નીના અંગત ફોટા અને વીડિયો છે અને જો 5 લાખ રૂપિયા નહીં આપે તો તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. અઢી મહિના પહેલાં, ભૂલકા ભવન સ્કૂલ નજીક આરોપીએ મહિલાના પતિને અટકાવી હુમલો કર્યો હતો.

આ દરમિયાન આરોપીએ પોતાની બાઈકનો કાચ તોડી તેનો અણીદાર ટુકડો પતિના ગળે રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરના કારણે પતિએ આરોપીને 50,000 રૂપિયા આપી દીધા હતા. તેમ છતાં આરોપી સતત વધુ પૈસાની માંગ કરી રહ્યો હતો.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે 9 માર્ચ 2026ના રોજ જીમ સંચાલકો અને ટ્રેનરો માટે બેઠક યોજાઈ હતી, જેમાં તેમને મર્યાદામાં રહીને વર્તવાની કડક ચેતવણી આપવામાં આવી હતી. છતાં આ ઘટના સામે આવતા ફરીથી સુરક્ષા અને નિયંત્રણ અંગે પ્રશ્નો ઊભા થયા છે.

સોશિયલ મીડિયા પર પોલીસના જાગૃતિ સંદેશાઓ જોઈને ભોગ બનનાર પતિએ હિંમત કરીને SOGનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ત્યારબાદ SOGએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી થોડા જ કલાકોમાં આરોપી શબ્બીર ટૂંકવાલાને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે BNSની કલમ 308(5) હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 10 વર્ષની સજા થઈ શકે છે. હાલ આરોપીને આગળની તપાસ માટે પાલ પોલીસને સોંપવામાં આવ્યો છે.

- Advertisement -

આ મામલે સુરત ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, જીમ માલિકોએ પોતાના સ્ટાફ પર કડક નજર રાખવી જોઈએ. જો કોઈ મહિલા આવા બ્લેકમેલિંગનો ભોગ બને તો નિર્ભય બનીને પોલીસનો સંપર્ક કરવો જોઈએ. પોલીસ પીડિતાની ઓળખ ગુપ્ત રાખીને સંપૂર્ણ સહાય કરશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular