નવજીવન ન્યૂઝ, અમદાવાદ : બનાસકાંઠાના બાલારામ અંબાજી વન્ય જીવન અભયારણ્ય (Balaram Ambaji Wildlife Sanctuary) જમીનનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court on Balaram Land Dispute) માં ગરમાયો છે. આ મામલે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી રાજ્ય સરકાર અને વન વિભાગના કાર્યપદ્ધતિ પર વેધક સવાલો કર્યા હતા. અદાલતે પૂછ્યું હતું કે, “દેશની ઉચ્ચતમ પાર્લામેન્ટમાં જ્યારે આ મામલો નિર્ણયાધીન હોય, ત્યારે તમારા અધિકારીઓ ત્યાં પહોંચી કેવી રીતે ગયા? શું તમે તમારી જાતને પાર્લામેન્ટ કરતા પણ ઉચ્ચ સમજો છો?”
રાજ્યના વન વિભાગ (Forest Department Gujarat) ના અધિકારીઓને ફટકાર લગાવતા હાઇકોર્ટે પૂછ્યું હતું કે, “આદિવાસીઓએ જ્યારે જમીન મામલે કેસ કર્યો હતો અને તે પડતર હતો, તેમ છતાં પોલીસ અને વન વિભાગના અધિકારીઓ તે જમીન પર શા માટે ગયા હતા?”. બાલારામ અભયારણ્ય વિસ્તારમાં વિવાદિત જમીન પર વન વિભાગના અધિકારીઓ અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ અને મારામારીની ઘટના બની હતી. વન વિભાગ અને આદિવાસીઓ વચ્ચે થયેલા ઘર્ષણ (Clashes between forest department and tribals) ને ગંભીર ગણાવતા કોર્ટે કહ્યું કે દેશમાં કોઈપણ વ્યક્તિ-અધિકારી-કાયદો હાથમાં લઈ શકતો નથી. કોર્ટે વન વિભાગને સ્પષ્ટ જવાબ આપવા જણાવ્યું છે કે, કયા કાયદાકીય અધિકાર હેઠળ તેઓ વિવાદિત જમીન પર ગયા હતા. આ કેસ હવે રાજ્ય સરકાર અને વન વિભાગની કામગીરી પર મોટા સવાલો ઉભા કરી રહ્યો છે.








