નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટિની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરી છે. આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વિના (Repo Rate Unchanged) 5.25 ટકા પર યથાવત રાખ્યો છે. આરબીઆઈના આ નિર્ણયના કારણે લોન મોંઘી નહીં થાય અને તમારો EMI પણ વધશે નહીં. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા (Sanjay Malhotra RBI Governor) એ આજે 8 એપ્રિલે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
2025માં 1.25 ટકાનો ઘટાડો થયો
ફેબ્રુઆરી 2025માં વ્યાજ દરોને 6.5 ટકા થી ઘટાડીને 6.25 ટકા કરવામાં આવ્યા હતા. બીજી વાર એપ્રિલમાં થયેલી મીટિંગમાં પણ વ્યાજ દર 0.25 ટકા ઘટાડવામાં આવ્યો હતો. જૂનમાં ત્રીજી વાર RBI દ્વારા દરોમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં 0.25 ટકાના ઘટાડા પછી વ્યાજ દરો 5.25 ટકા પર આવી ગયા હતા.
RBI ની મીટિંગ દર બે મહિને થાય છે
મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે. તેમાંથી 3 RBI ના સભ્યો હોય છે. જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. RBI ની મીટિંગ દર બે મહિને થાય છે. નાણાકીય વર્ષ 2025-26માં મોનેટરી પોલિસી કમિટીની કુલ 6 બેઠકો યોજાઈ હતી.
લોન કેવી રીતે સસ્તી થાય છે ?
RBI જે વ્યાજ દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવાય છે. રેપો રેટ ઓછો થવાથી બેંકને ઓછા વ્યાજે લોન મળશે. બેંકોને લોન સસ્તી મળતી હોવાથી તેનો ફાયદો ગ્રાહકોને આપવામાં આવે છે.
રેપો રેટ શા માટે વધે અને ઘટે છે ?
કોઈપણ સેન્ટ્રલ બેંક પાસે પોલિસી રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી સાધન રેપો રેટ છે. જ્યારે મોંઘવારી ખૂબ વધારે હોય છે, ત્યારે સેન્ટ્રલ બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરે છે. પોલિસી રેટ વધારે હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો પોતાના ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે.
નાણાંનો પ્રવાહ ઓછો થાય તો માગમાં ઘટાડો થાય છે અને મોંઘવારી ઘટી જાય છે. આ જ રીતે જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવા સમયે સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડી દે છે. આનાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.








