- હવેથી તમને ખોટા અથવા ડુપ્લીકેટ સોનાચાંદીના દાગીના પધરાવી દેવામાં નહી આવે
- હોલમાર્કિંગ સાથેના દાગીના પાછા વેચવા જાવ તો તેની શુદ્ધતા સંદર્ભે આમ્બા આમ્બલી દર્શાવીને પુરા પૈસા પરત આપવામાં નથી આવતા
- કેટલાક જવેલરો એકનો એક એચયુઆઈડી નંબર અસંખ્ય ઘરેણા ઉપર એમ્બોસિંગ કરીને વેચી રહ્યા છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): સોના અને ચાંદી (Gold-Silver)ની જ્વેલરીમાં ગ્રાહકોને એક યા બીજા પ્રકારે છેતરવાના છીંડા પુરી દેવાની સક્ષમ અને ફરજીયાત હોલમાર્કિંગની જૂની યોજનાને અસરકારક બનાવવા સરકારે નવેસરથી તૈયાર કરી છે. આ યોજના સાથે સંલગ્ન એવા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નાં બે અધિકારીએ આ સંવાદદાતાને કહ્યું હતું કે તમે ખરીદેલા દાગીનાની શુદ્ધતા તપાસવાની સંપૂર્ણ અને કડક માર્ગરેખા તૈયાર થઇ રહી છે. જેમાં તમે ખરીદેલા તમારા દાગીના પર છ અંકોનો એક યુનિક અઈડેન્ટીફીકેશન નંબર ફરજીયાત લખાયેલો હશે, પરિણામે તમને ખોટા અથવા ડુપ્લીકેટ સોના-ચાંદી (Gold-Silver)ના દાગીના પધરાવી નહી દેવામાં આવે, તેની ખાતરી કરવામાં આવશે. તેમનણે કહ્યું હતું કે અમને ગ્રાહકો તરફથી અસંખ્ય ફરિયાદો મળી રહી છે કે હોલમાર્કિંગ નંબર સાથેના દાગીના ખરીદ્યા પછી, પાછા વેચવા જાવ તો તેની શુદ્ધતા (કેરેટેજ) સંદર્ભે આમ્બા આમ્બલી દર્શાવીને પુરા પૈસા પરત આપવામાં નથી આવતા.
પરિણામે અમે ખાસ કરીને નિશ્ચિત હોલમાર્કિંગ અઈડેન્ટીફીકેશન નંબર અને શુદ્ધતાની યંત્રણાની પ્રક્રિયા વધુ મજબુત બનાવી રહ્યા છીએ. અમને એવી પણ ફરિયાદ મળી છે કે કેટલાંક જવેલરો ગોબાચારી કરીને એકનો એક હોલમાર્ક યુનિક અઈડેન્ટીફીકેશન (HUID) નંબર અસંખ્ય ઘરેણા ઉપર એમ્બોસિંગ કરીને વેચી રહ્યા છે. જે ગ્રાહકો સાથે વિશ્વાસઘાટ તો છે જ, સાથે સરકારી નિયમોને પણ ઘોળીને પી જાય છે.
આ અધિકારીઓએ કહ્યું કે અને ટૂંક સમયમાં અખીલ ભારતીય ધોરણે ટૂંકમાં નવી નિયમાવલી તૈયાર કરીને અમલમાં મુકીશું. અમે દેશભરના જવેલરો અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો સાથે વિશદ ચર્ચા કરી છે, અને અમારા નવા સૂચિત નિયમો તેમણે સ્વીકૃત પણ ગણાવ્યા છે. અમારો પ્રયાસ રહેશે કે કોઈ પણ જ્વેલરી કે અન્ય પ્રોડક્ટનો ત્રીજા પક્ષકાર દ્વારા એચયુઆઈડી નંબર બેવડાય નહીં અને તેનો દુરુપયોગ નાં થાય. હોલમાર્ક સાથે કંડારેલા નંબરના દાગીનાની એઆઈ (આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ) આકૃતિ (ઈમેજ) પણ અમે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)ની વેબ્સાઈટ પ્લેટફોર્મ https://standards.bis.gov.in/login પર મુકીશું. ઝવેરી બજાર, મુંબઈ સ્થિત એક જવેલરે કહ્યું કે અમે બીઆઈએસ સાથે સંકળાયેલા છીએ, નવા બદલાવ સાથે અમે અનુકુળ થવા અમારી સિસ્ટમમાં પણ પરિવર્તન કરી રહ્યા છીએ. એક વખત આ બદલાવ કડક રીતે અમલમાં આવી જશે પછી, અમે સોનાના દાગીના શુદ્ધ છે, એવું છાતી ઠોકીને કહી શકશું. અમારી સાથે અમારા ગ્રાહકોના વિશ્વાસનું પણ સંપાદન થશે.
ઓક્ટોબર ૨૦૨૫મા ગ્રાહકો બાબતના મંત્રાલય દ્વારા બીઆઈએસ મારફત દેશભરના ૨૫ શહેરોમાં એક પાયલોટ પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યો હતો, જેમાં જવેલરીની વિસ્તૃત ડીજીટલ ઈમેજ પ્રાપ્ત કરવાનું અભિયાન શરુ કર્યું હતું. બીઆઈએસ એ દરેક જવેલરીના ફોટા લીધા હતા, હોલમાર્ક જવેલરીનું વજન પદ્ધતિનું નિરીક્ષણ કરી તમામ હાથચાલાકી અથવા ભૂલોને સુધારીને પૂર્ણ સ્પષ્ટતાની ખાતરી સાથે તેને વેબ્સાઈટ પર દાખવવાનું શ્રમ કરી, તમામ જોખમો નિવારી પારદર્શક્તા લાવવાના પ્રયાસ કર્યા હતા. ગ્રાહક હવેથી તેને ખરીદેલી જવેલરીનો ફોટો અને હોલમાર્કિંગ નંબર સત્તાવાર છે કે નહિ તે બધું જાણવા ચકાસવા https://standards.bis.gov.in/login બીઆઈએસ વેબ્સાઈટ પર જઈ શકશે. અધિકારીએ કહ્યું કે અમારા આ પગલાને લીધે ગ્રાહકને એ ખાતરી થશે કે તેના દાગીના પરનો હોલમાર્ક નંબર સાચો છે કે નહિ, અથવા તો તેનો પુન:ઉપયોગ તો નથી થયોને. આથી હોલમાર્ક સર્ટીફીકેશનનો દુરુપયોગ ઘટશે, જે બીઆઈએસની સત્તાવાર વેબ્સાઈટથી જાણી શકાશે, સાથે જ ઘરેણાનું સ્પેસીફીકેશન અને રેકોર્ડ પણ ચકાસી શકાશે.
(અસ્વીકાર સુચના: commodity dna website અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








