Saturday, May 2, 2026
HomeGujaratચૂંટણીના હાઇટેક ગતકડાં અને ‘સેલ્યુલર સૈનિકો’ની કામગીરી; આ ચૂંટણીમાં વોટ આપવો કે...

ચૂંટણીના હાઇટેક ગતકડાં અને ‘સેલ્યુલર સૈનિકો’ની કામગીરી; આ ચૂંટણીમાં વોટ આપવો કે લાઇક?

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાતની પવિત્ર ધરતી એટલે તો શૂરવીરો, સંતો અને દાતારોની ભૂમિ! પણ ભલા માણસ, અત્યારે આ ભૂમિ પર એક નવો જ વાયરો ફૂંકાયો છે—‘ડિજિટલ વાયરો’. હમણાં જ સમાચાર આવ્યા કે સત્તાધારી પક્ષના ઉમેદવારી ફોર્મમાં હવે એક નવી કોલમ ઉમેરાઈ છે: “તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટમાં ફોલોઅર્સ કેટલા છે?” લો બોલો! હવે નેતાની લાયકાત એણે કરેલા લોકસેવાના કામોથી નહીં, પણ એના ઇન્સ્ટાગ્રામના ઠુમકા કે ફેસબુકની લાઇક્સથી નક્કી થશે? જે નેતા પાસે લાખો ફોલોઅર્સ હોય એ ‘પરમ પૂજ્ય’ અને જેના ફોલોઅર્સ ઓછા હોય એ ‘રાજકીય રીતે કુપોષિત’!

આ સમાચાર સાંભળીને જ અક્કલ ચગડોળે ચડી જાય છે કે હવે ટિકિટ માગવા માટે લોકોની વચ્ચે જવાને બદલે ‘આઈટી સેલ’ના શરણે જવું પડશે. ગામના ચોરે બેસીને હૂકા ગગડાવતા ડોસાઓ હવે હૂકાને બદલે સ્માર્ટફોન ગગડાવે છે અને નેતાજીના ફોલોઅર્સ ગણે છે. અત્યારે રાજ્યમાં બે પ્રકારના વરસાદની આતુરતાથી રાહ જોવાય છે: એક આગાહી બાદ આકાશમાંથી મેઘરાજા વરસે તે અને બીજો મોબાઈલની સ્ક્રીન પરથી નેતાઓનો ‘ચૂંટણી પ્રચાર’ વરસે તેની!

- Advertisement -

ચૂંટણી નજીક આવતા જ નેતાઓના ‘સેલ્યુલર સૈનિકો’ જાગી ગયા હશે. અત્યાર સુધી જે વોટ્સએપ ગ્રૂપમાં માત્ર ‘જય શ્રી કૃષ્ણ’ અને ‘શુભ સવાર’ના તાજા ખીલેલાં ગુલાબ આવતાં હતાં, ત્યાં હવે ‘દેશભક્તિ’ અને ‘વિકાસ’ના એવા ડોઝ પીરસવામાં આવશે કે સામાન્ય માણસને એમ જ લાગે કે જો પોતે પેલા પક્ષને મત નહીં આપે તો પૃથ્વી તેની ધરી પરથી ફંટાઈ જશે!

ડિજિટલ આશીર્વાદ
આપણા ઉમેદવારો એટલે સાક્ષાત્ કરુણાની મૂર્તિઓ અને દેખાવડા દેવો! કેવી મજાની વાત છે કે, જે નેતા પાંચ વર્ષમાં પાંચ વાર તમારા મહોલ્લા, શેરી કે સોસાયટીમાં ગટર, લાઇટ કે પાણીની સમસ્યા જોવા નથી આવ્યા, તે હવે તમારી ફેસબુક ફીડમાં દર પાંચ મિનિટે દર્શન આપશે. આને કહેવાય ‘જનતાની(સત્તાની નહીં) સાચી ચિંતા’! બિચારા નેતાઓ રાત–દિવસ એક કરીને, ઊંઘ બગાડીને વિચાર કરતા હશે કે કયા ફિલ્ટરમાં તેમનો ચહેરો વધુ ‘નિષ્કપટ’ અને ‘સેવાભાવી’ લાગશે! ખરેખર, આ ઉમેદવારો કેટલા ‘નિરાભિમાની’ છે કે જનતા પાસે રૂબરૂ આવીને ઉનાળાની લૂ ખાવી કે ધૂળ ફાકવી એના કરતાં એસી ઓફિસમાં બેસીને એક નાનકડી ‘રીલ’ બનાવીને આશીર્વાદ માગી લે છે!

આમાં જનતાનો પણ મોટો ફાયદો છે ને? આપણે નેતાને હાર પહેરાવવા છેક સભાના મેદાન સુધી ધક્કો નથી ખાવો પડતો, બસ ‘લાઈક’ નું બટન દબાવો એટલે આપણો ભક્તિભાવ સીધો નેતાજીના એકાઉન્ટમાં જમા! નેતાઓનો આ ‘ડિજિટલ પ્રેમ’ જોઈને તો એમ થાય કે હવે લોકશાહી જમીન પર નહીં પણ 4જી અને 5જીના ટાવરો પર રહે છે. જે નેતા ગઈ ચૂંટણીમાં હાથ જોડીને સોગંદ ખાતા હતા, તે હવે ઇન્સ્ટાગ્રામ પર મ્યુઝિક સાથે ‘સ્લો–મોશન’માં ચાલતા દેખાશે. આને જ તો કહેવાય યુગપરિવર્તન! જે કામ પહેલાં પદયાત્રાથી નહોતું થતું, તે હવે ૧૫ સેકન્ડની રીલ કરી આપશે.

- Advertisement -

ડિજિટલ મેકઅપ
નેતાઓના અધિકૃત પેજ પર જઈને જુઓ તો ખરા! ફોટોશોપના એવા અદ્ભુત કરતબ જોવા મળશે કે, જે ખાડાવાળા રોડ પર આપણી ગાડીનું ટાયર ફાટી જતું હતું અને આપણે નેતાના પરિવારને યાદ કરતા હતા, એ જ રોડ હવે સ્ક્રીન પર સ્વિટ્ઝરલેન્ડના હાઈવે જેવો ચળકતો દેખાશે. ધન્ય છે એ એડિટરોને જેમણે નેતાઓના કદરૂપા કામો પર ડિજિટલ મેકઅપ લગાવીને તેને ‘વિકાસનું ગ્લોબલ મોડેલ’ બનાવી દીધું. આને જ તો સાચો વિકાસ કહેવાય—જમીન પર ભલે કાદવ અને ગંદકી હોય, પણ જનતાની આંખ સામે તો હરિયાળી અને ચળકાટ જ હોવો જોઈએ.

નેતાઓ ખરેખર કેટલા દયાળુ છે! તેઓ આપણને ‘સત્ય’ થી દૂર રાખે છે. કેમ કે સત્ય તો કડવું હોય છે અને તેઓ આપણને કડવાશ પીવડાવવા માગતા નથી. એટલે જ તો તેઓ સોશિયલ મીડિયા પર અફવાઓનું એવું ‘અમૃત’ પીરસે છે… જાણે આપણા ઘરના નળમાં પાણી આવે કે ન આવે, પણ મોબાઈલમાં અફવાઓનો ધોધ વહેતો જ રહે. આપણે સવારે ઉઠીએ અને વોટ્સએપ ખોલીએ ત્યાં જ ખબર પડે કે ગઈકાલે રાત્રે પેલા વિરોધી નેતાએ તો કેવું ‘ભયંકર’ કામ કરી નાખ્યું! ભલે એ બિચારો ઘરે સૂતો હોય, પણ એડિટિંગના પ્રતાપે એને પાકિસ્તાનની બોર્ડર પર ઊભો રાખી દેવામાં આવે તો પણ નવાઈ નહીં.

ડિજિટલ કુંડળી
આજના જમાનામાં કહેવાય છે કે ‘ડેટા એ નવું ઇંધણ છે’, પણ આપણા નેતાઓ માટે તો આ ડેટા એ ‘નવો મત’ છે. આપણી પ્રાઇવસી તો જાણે ખુલ્લી બજારે મૂકેલું માટલું છે, જે આવે એ ટકોરો મારી જાય. આપણે ફેસબુક પર કઈ વાનગી લાઈક કરી, કયા બાપુના સત્સંગ સાંભળ્યા કે કયા બૂટ ખરીદ્યા, એ બધું જ નેતાઓના સોશિયલ મીડિયા મેનેજરના દરબારમાં પહોંચી જાય.

- Advertisement -

ધન્ય છે આ ટેકનોલોજીના માંધાતાઓને કે જે પત્નીને નથી ખબર હોતી કે એનો વર રાત્રે કયા વિચારોમાં ખોવાયેલો છે, એ આ ડેટા કંપનીઓને ખબર છે કે આપણને કયા નેતાની ગાળ ગમશે અને કોના વખાણ! નેતાઓ ખરેખર બહુ ‘ઉદાર’ છે, આપણી અંગત વિગતો જાણવા માટે તેઓ કરોડો રૂપિયા ખર્ચે છે. આને કહેવાય જનતા પ્રત્યેનો સાચો પ્રેમ. તમે ક્યાં રહો છો, શું ખાઓ છો અને શું વિચારો છો એની ચિંતા જો નેતા ન કરે તો કોણ કરે? બિચારા રાત–દિવસ તમારી પ્રોફાઈલ ચેક કરીને તમારી ‘ડિજિટલ કુંડળી’ કાઢે છે જેથી ચૂંટણીના સમયે આપણને આપણી જ પસંદગીનું ‘જૂઠાણું’ સુંદર પેકિંગમાં પીરસી શકાય.

અલાદ્દીનનો ચિરાગ
હવે જમાનો આવ્યો છે AI નો. આ એવી અદભૂત વસ્તુ છે કે જે નેતાને ઘરમાં બેઠા બેઠા હજારો લોકો સાથે ‘પર્સનલ’ વીડિયો કોલ કરાવી શકે. જે નેતાને શુદ્ધ ગુજરાતી સરખું બોલતા ન આવડતું હોય, એ AI ના પ્રતાપે અંગ્રેજીમાં ફાકડાં ભાષણ આપતા દેખાઈ શકે. ધન્ય છે આ ‘ડીપફેક’ (Deepfake) ટેકનોલોજીને, જેના કારણે હવે મરેલા નેતાઓ પણ ડિજિટલ રીતે જીવતા થઈને તમને વોટ આપવાનું કહી શકે! આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે?

વિરોધી પક્ષના નેતા જે વાત જિંદગીમાં ક્યારેય બોલ્યા ન હોય, એવા વાક્યો તેમના જ અવાજમાં અને તેમના જ ચહેરાના હાવભાવ સાથે તમને સંભળાવવામાં આવશે. આને કહેવાય ‘પરકાયા પ્રવેશ’નું ટેકનોલોજીકલ વર્ઝન. પછી પાનના ગલ્લે લોકો ચર્ચા કરશે, “અરે ભાઈ, ઓલો વીડિયો જોયો? પેલા નેતાજી તો કેવું બફાટ/જબરજસ્ત બોલતા’તા!” પણ ભોળી જનતાને ક્યાં ખબર છે… એ તો કોમ્પ્યુટરના કરતબ છે. હવે તો ભાઈ, આંખે જોયેલું પણ ખોટું પડી શકે એવા દહાડા આવ્યા છે. AI તો જાણે નેતાઓ માટે ‘અલાદ્દીનનો ચિરાગ’ છે, જેવો માગો એવો ‘ભ્રમ’ પેદા કરી આપે છે.

ફેક ન્યૂઝની ફેક્ટરી
ગુજરાતના ખૂણે ખૂણે અત્યારે ‘ફેક ન્યૂઝ’ની એવી ફેક્ટરીઓ ધમધમે છે, જેની આગળ મોટી મલ્ટીનેશનલ કંપનીઓના કારખાના પણ ઝાંખી પડે. આ ફેક્ટરીઓનો કાચો માલ છે ‘અફવા’ અને એમાંથી બનતો પાકો માલ છે ‘નફરત’. આપણા આઈટી સેલના છોકરાઓ કેટલા ‘ભણેલા–ગણેલા’ છે કે જે ઇતિહાસકારો વર્ષો સુધી લાઈબ્રેરીમાં બેસીને ન શોધી શક્યા, એ આ છોકરાઓએ પાંચ મિનિટમાં ‘વોટ્સએપ યુનિવર્સિટી’માંથી શોધી શકે છે.

“5000 વર્ષ પહેલા પણ આ નેતાના પૂર્વજોએ જિજ્ઞાસા વ્યક્ત કરી હતી કે…” જેવી વાતો એવી રીતે પીરસવામાં આવશે કે, તમને એમ થાય કે “હા, આ જ સાચું!” સત્ય તો બિચારું જૂતાં પહેરતું હોય ત્યાં સુધીમાં તો અફવા આખા ગુજરાતની પ્રદક્ષિણા કરી આવે. આ ફેક્ટરીઓનો નિયમ છે: “જો સત્ય તમારા પક્ષમાં ન હોય, તો નવું સત્ય (જૂઠ) બનાવી નાખો.” અને આપણે પણ કેટલા ‘ભોળા’ કે પેલા ‘ફોરવર્ડ’ બટનને દબાવવામાં જાણે જગત જીતી લીધું હોય એવો આનંદ અનુભવીએ! અરે, અમુક તો એવા મહાનુભાવો હોય છે જે મેસેજ વાંચ્યા વગર જ પચાસ ગ્રૂપમાં ધકેલી દે છે!

સાયકોલોજિકલ સ્ટ્રેટેજી
નેતાઓ હવે આપણા ઘરના નહીં, પણ આપણા મગજના દરવાજા ખખડાવશે. આને કહેવાય ‘સાયકોલોજિકલ સ્ટ્રેટેજી’. તેઓ આપણા ડર, આપણા ગૌરવ અને આપણી શ્રદ્ધાનો ઉપયોગ કરશે. તેમને ખબર છે, જો જનતાને મોંઘવારી કે બેરોજગારીની વાત કરશો તો એ કંટાળી જશે, એટલે એમને કોઈ ભાવનાત્મક વિષય પકડાવી દો.

આપણા નેતાઓ કેટલા મોટા ‘મનોવૈજ્ઞાનિક’ છે! તેઓ જાણે છે કે જો જનતાને વિકાસની વાતોમાં રસ નથી પડતો, તો એમને ધર્મના નામે ચડાવી દો, અથવા કોઈ એવા વિરોધીનો ડર બતાવો, જેનું અસ્તિત્વ જ ન હોય! “જો તમે અમને નહીં ચૂંટો, તો ફલાણા આમ કરી નાખશે!” – આ ડરના જોરે જ તો લોકશાહીના દીવા પ્રગટે છે ને? સોશિયલ મીડિયા પર એવો માહોલ ઊભો કરવામાં આવે કે આપણને લાગે કે જો આપણે બહુમતી સાથે નહીં ચાલીએ તો આપણે પાછળ રહી જઈશું. આને કહેવાય ‘ભેડચાલ’, જેમાં ઘેટાંઓને ખબર નથી હોતી કે તેનો માલિક તેમને લીલા ઘાસમાં લઈ જાય છે કે કતલખાને!

ડિજિટલ દેશભક્તિ
આગામી ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો રોલ એવો હશે કે જાણે કોઈ મોટો સર્કસનો ખેલ! ઉમેદવારો પોતાની ‘દાનવીરતા’ બતાવવા માટે ગરીબોને ફળ આપતા ફોટા મૂકશે, પણ એ ફળ આપતી વખતે કેમેરાના એન્ગલ સેટ કરવામાં જ અડધો કલાક બગાડશે. ગરીબ બિચારો ફળ ખાઈને ધરાય કે ન ધરાય, પણ નેતાજીની પોસ્ટ તો ‘વાયરલ’ થઈને ધરાઈ જશે.

ધન્ય છે એવા કાર્યકરોને જેઓ રાત–દિવસ કોમ્પ્યુટર સામે બેસીને વિરોધી નેતાઓના નાક–કાન ફોટોશોપમાં લાંબા કરે છે. આ એ લેવલની દેશભક્તિ છે જેની કલ્પના આઝઆદીના કોઈપણ લડવૈયાએ નહીં કરી હોય! તેઓ રાત્રે મોડે સુધી જાગીને મીમ્સ (Memes) બનાવશે. જેથી જનતાને સવાર–સવારમાં મનોરંજન મળી રહે. નેતાઓ પણ હવે જનસેવક મટીને ‘કન્ટેન્ટ ક્રિએટર’ બની જશે. જે નેતા સભામાં દસ મિનિટ બોલી નહોતા શકતા, તે હવે ફેસબુક પર બે કિલોમીટર લાંબો લેખ લખવા માંડશે ને ટ્વિટર (X) પર ધારદાર શાયરીઓ ફેંકવા લાગશે. આમાં શાયરી નેતાની હોય કે એના ભાયાતની, પણ જનતા તો વાહ–વાહ જ કરવાની ને!

ડિજિટલ હુમલાથી બચવું
હવે મુખ્ય વાત એ છે કે આટલા બધા ‘ડિજિટલ હુમલા’ વચ્ચે આપણે આપણી બુદ્ધિને કેવી રીતે બચાવવી? હે લોકશાહીના રક્ષકો! જો તમારે આ ડિજિટલ માયાજાળમાં ફસાવું ન હોય, તો નીચેના ‘કઠોર’ નિયમો પાળવા વિનંતી:

પહેલો નિયમ એ કે, ચશ્મા સાફ કરો, પણ બુદ્ધિને કોઈના હાથે સાફ ન થવા દો. કોઈપણ મેસેજ જોવો એટલે તરત જ તે સાચો માની લેવો એ ‘પરમ જ્ઞાની’ હોવાની નિશાની છે, પણ જો તમારે ‘સામાન્ય’ રહેવું હોય તો થોડી મગજમારી કરવી પડશે. વોટ્સએપ પર આવતી દરેક વાત ‘વેદવાક્ય’ નથી હોતી. નેતાઓ આપણને જે ખોરાક (મેસેજ) મોકલે, એ બધું જ ખાવાની જરૂર નથી. યાદ રાખો, આપણે મત આપવા માટે છીએ, કોઈ પક્ષના ‘આઈટી સેલ’ના મફતિયા મજૂર નથી. ૧૧ લોકોને મેસેજ મોકલવાથી પુણ્ય નહીં મળશે કે નહીં એ ખબર નથી, પણ જો એ અફવા હશે તો પાપ જરૂર લાગશે.

બીજું કે, ટીકા કરવાની ટેવ પાડવી જોઈએ. જે નેતાના આપણે પરમભક્ત હોઈએ, એની ભૂલ જોવાની પણ હિંમત રાખવી જોઈએ. ભક્તિ મંદિરમાં સારી લાગે, લોકશાહીમાં તો ‘તર્ક’ અને ‘પ્રશ્નો’થી જ શોભે. (અને મજબૂત પણ બને.) નેતાઓને ‘ભગવાન’ બનાવવાની ભૂલ ન કરવી જોઈએ, એમને તો આપણે મત આપીને આપણું કામ કરવા, ભલું કરવા બેસાડેલા છે. જો એ કામ ન કરે તો એમને કહેવું પણ પડે, પ્રશ્ન પણ પૂછવા પડે અને કામનો હિસાબ પણ માગવો પડે, એની આરતી ઉતારવાની ન હોય!

ત્રીજું, ફેસબુકની કોમેન્ટમાં અજાણ્યા લોકો સાથે ઝઘડવાથી કે ગાળાગાળી કરવાથી આપણા ઉમેદવારની સીટ નહીં વધે, પણ આપણું બી.પી. જરૂર વધશે. ઉમેદવારો તો ચૂંટણી પછી ગમે તે પક્ષમાં જઈને હોટેલમાં ભેગા મળીને ગાંઠિયા–જલેબી ખાતા હશે, અને આપણે મફતમાં પેલા પાડોશી સાથે સંબંધ બગાડીને લોહી ઉકાળતા હોઈશું. પાડોશી સાથે પક્ષના નામે સંબંધ ન બગાડવો, કારણ કે રાત્રે અચાનક તકલીફ પડશે તો પેલા નેતા કે આઈટી સેલના કાર્યકર નહીં આવે, પણ આપણે પાડોશી જ દોડી આવશે.

ચોથું, જે નેતા રીલ્સમાં ગીતો પર નાચે છે અથવા ભારેખમ ડાયલોગ મારે છે, એને અભિનેતા તરીકે સ્વીકારી શકાય, નેતા તરીકે નહીં. શાસન ચલાવવા માટે એક્ટિંગની નહીં, પણ આવડત અને દાનતની જરૂર હોય છે. સ્ક્રીન પર દેખાતી સુંદરતા અને વાસ્તવિકતા વચ્ચે જમીન–આસમાનનો તફાવત હોય છે.

આપણે શું કરવું?
સોશિયલ મીડિયા એ એવું ‘ઝેર’ છે જો માપમાં લો તો ‘દવા’ બને, પણ અત્યારે તો નેતાઓએ આપણને એનો ઓવરડોઝ આપવાનું નક્કી કર્યું હશે. ગુજરાતની જનતા તો ‘વેપારી’ પ્રજા છે, એટલે એને ખબર હોવી જોઈએ કે કયો માલ અસલી છે અને કયો નકલી. સોશિયલ મીડિયા પર દેખાતા ‘ચળકાટ’ પાછળ ન દોડવું જોઈએ, કારણ કે હીરો એ જ કહેવાય, જે જમીન પર રહીને જનતા માટે કામ કરી આપે, નહીં કે માત્ર ટ્વિટર પર ટ્રેન્ડ અને હેશટેગ સેટ કરે.

ચૂંટણી આવશે અને જશે, પણ આપણી વિચારવાની શક્તિ કોઈ પક્ષ ગીરવે ન રાખી લે એનું ધ્યાન રાખવું જોઈએ. બાકી તો, જે પક્ષ જીતશે એ તો એના ‘ડેટા એનાલિસ્ટ’ અને ‘પી.આર. એજન્સી’ને ફાઈવસ્ટાર હોટેલમાં પાર્ટી આપશે, જ્યારે આપણે તો હજુ એ જ મોંઘા તેલ અને મોંઘા ગેસ સાથે સંઘર્ષ કરવાનો છે. મતદાન મથક પર જઈએ ત્યારે ત્યાં કોઈ ‘લાઈક’, ‘શેર’ કે ‘સબસ્ક્રાઈબ’નું બટન નહીં હોય, ત્યાં માત્ર એક નાનકડું બટન હશે જે આપણા અને આપણા બાળકોના ભવિષ્યનો ફેંસલો કરશે.

એટલે મોબાઈલના સ્ક્રીન પરના ફિલ્ટરો હટાવીને, નરી આંખે આજુબાજુની સ્થિતિ જોઈએ. જે રોડ ફેસબુક પર ‘સુપર હાઈવે’ દેખાતો હતો, એના પર પડેલા ખાડા આપણી કમર તોડશે ત્યારે પેલા આઈટી સેલના મેસેજ યાદ નહીં આવે. લોકશાહીનો સાચો ઉત્સવ તો જ ઉજવાશે જો જનતા જાગૃત થશે. બાકી તો આ ડિજિટલ દંગલમાં નેતાઓ રેવડી વહેંચશે અને જનતા માત્ર ડેટા પેક રીચાર્જ કરાવતી રહેશે.

તો બોલો, હવે કયા પક્ષની નવી રીલ્સ જોવી છે? કે પછી જરા મગજ વાપરવું છે? નિર્ણય આપણો છે, કારણ કે આંગળી આપણી છે અને ભવિષ્ય પણ આપણું જ છે!

(નોંધ: આ લેખનો હેતુ કોઈ વ્યક્તિ, સંસ્થા કે સંગઠનની લાગણી દુભાવવાનો નથી, પણ ચૂંટણીના નામે જે સોશિયલ મીડિયા પર ‘ગતકડાં’ થાય છે, એની સામે જનતાને જાગૃત કરવાનો અને જરા હસાવવાનો છે.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular