Sunday, May 31, 2026
HomeGujaratAhmedabadઆજીવન કેદ ભોગવતા ગુનેગારે જેલમાંથી નીકળી BJP કૉપૉરેટરની ઑફિસમાં તોડફોડ કરી વૃદ્ધને...

આજીવન કેદ ભોગવતા ગુનેગારે જેલમાંથી નીકળી BJP કૉપૉરેટરની ઑફિસમાં તોડફોડ કરી વૃદ્ધને ઘાયલ કર્યાનો આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : બાપુનગરના ભાજપના પૂર્વ કૉપૉરેટર પ્રકાશ ગુર્જરની ઑફિસમાં તોડફોડ કરી પાડોશમાં રહેતા વૃદ્ધ પર હુમલો કરનારા શખસો સામે બાપુનગર પોલીસે ગુનો નોંધ્યો છે. હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલો અને હાલ પેરોલ પર બહાર આવેલા જીગર કાઠીયાવાડી અને તેના ભાઈ સેવુલ પટેલ તથા બે અજાણ્યા શખસોએ ગાયત્રી મંદિર ગુજરાત હાઉસીંગ બૉર્ડ ખાતે મધરાત્રે આતંક મચાવ્યો હતો. આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશન (Bapunagar Police Station) ખાતે ફરિયાદ નોંધી ફરાર આરોપીઓની શોધખોળ આરંભી છે.

વૃદ્ધને પાઈપ ફટકારી અને કૉપૉરેટરની ઑફિસમાં કરી તોડફોડ

- Advertisement -

ગત 25 માર્ચના રોજ આજીવન કેદનો આરોપી જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી (Jigar Patel alias Jigar Kathiyawadi) પેરોલ પર જેલની બહાર આવ્યો છે. 28 માર્ચના રોજ જીગરે દેવાંગને ફોન કરી શુકન ચાર રસ્તા નિકોલ ખાતે મળવા બોલાવ્યો હતો. જેથી દેવાંગ અને તેનો મિત્ર પ્રતિપાલ ઝાલા જીગર કાઠીયાવાડીને મળવા માટે ગયા હતાં. જીગરે દેવાંગ પાસે ખર્ચના પૈસા માગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટનાની અદાવત રાખી સોમવારે મધરાતે બારેક વાગે જીગર અને તેનો ભાઈ સેવુલ પટેલ એક્ટિવા ઉપર આવ્યા હતા. બંને ભાઈઓની સાથે અન્ય અજાણ્યા શખસો પણ ગાયત્રી મંદિર બાપુનગર ખાતે આવ્યા હતા. ઘરની બહાર સૂતેલા દેવાંગના પિતા નલીનભાઈ મિસ્ત્રીને તમારો દીકરો ક્યાં છે? મારે તેની પાસેથી ખર્ચના પૈસા લેવા છે તેમ કહી જીગર બૂમો પાડવા લાગ્યો હતો. 63 વર્ષીય નલીનભાઈએ શાંતિથી વાત કરવાનું કહેતા જીગરે તેની પાસે રહેલી લોખંડની પાઇપથી નલીનભાઈને થાપાના ભાગે ફટકો માર્યો હતો. લાકડીઓ અને પાઈપ લઈને આવેલા શખસોએ ભાજપના પૂર્વ કૉપૉરેટર પ્રકાશ ગુર્જરની ઑફિસ બહાર પડેલી તિજોરીના કાચ, પંખા તેમજ વાહનમાં તોડફોડ કરી હતી.

દેવાંગ મિસ્ત્રી પાસે જીગરે કેમ માગી ખંડણી ?

બાપુનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઑફિસ પાસે નલીનભાઈ મિસ્ત્રી તેમના પરિવાર સાથે રહે છે. નલીનભાઈનો પુત્ર દેવાંગ પાંચેક વર્ષ પહેલાં પત્નીના આત્મહત્યા દુષ્પ્રેરણ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયો હતો. જ્યાં હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી નામના પાકા કામના કેદી સાથે મુલાકાત થઈ હતી. જીગર જ્યારે પેરોલ ઉપર આવે ત્યારે દેવાંગને મળવા આવતો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર દેવાંગ જીગરને બે-પાંચ હજાર ખર્ચ પેટે આપતો હતો. આ વખતે જીગરે મોટી રકમ માગતા દેવાંગે આપવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular