જય અમીન(નવજીવન ન્યૂઝ. મોડાસા) હાલ ગેસની બોટલની અછતની અફવાઓ વચ્ચે ગેરકાયદે ગેસ બોટલની રીફિલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરાતી પ્રવૃત્તિનો મોડાસા ટાઉન પોલીસે ભાંડાફોડ કર્યો છે. શહીદ ચોક, પરબડી બજાર વિસ્તારમાં મોટી ગેસ બોટલમાંથી નાની બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરી લોકોની જીંદગી જોખમમાં મુકાય તેવો ધંધો ચલાવતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે.
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.બી. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે અંગત બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે શહીદ ચોક વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પોતાના ઘરે કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી વ્યવસ્થા વગર મોટી ગેસ બોટલોમાંથી નાની બોટલોમાં ગેસ રીફીલીંગ કરી ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શહીદ ચોક, પરબડી બજાર ખાતે આવેલા મકાન આગળ ઉભેલા ઈસમને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નિમેશભાઈ કીરીટભાઈ ભાવસાર (રહે. શહીદ ચોક, પરબડી બજાર, મોડાસા) હોવાનું જણાવ્યું હતું.
તપાસ દરમિયાન મકાનમાં રાખેલા કબાટમાંથી મોટી ગેસ બોટલોમાંથી રબ્બરની પાઈપ અને ગેસ ટ્રાન્સફર પીન મારફતે નાની બોટલોમાં ગેસ ભરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક રીફીલીંગ બંધ કરાવી બોટલ અને પાઈપ અલગ કરાવ્યા હતા. જ્યારે આરોપી પાસે ગેસ સિલિન્ડર રાખવા અને રીફીલીંગ કરવા અંગે કોઈપણ પ્રકારનો અધિકૃત પરવાનો માંગવામાં આવ્યો ત્યારે તે રજૂ કરી શક્યો નહોતો.
પોલીસે સ્થળ પરથી ખાલી અને ભરેલી નાની-મોટી મળીને કુલ 14 ગેસ બોટલો, એક વજનકાંટો, બે રીફીલીંગ પાઈપ અને બે ગેસ ટ્રાન્સફર પીન મળી કુલ અંદાજે ₹9,250 કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો. મોડાસા ટાઉન પોલીસે આરોપી નિમેશભાઈ કીરીટભાઈ ભાવસાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








