Friday, May 1, 2026
HomeGujaratGandhinagarવિધાનસભામાં એક સવાલનું પૂનરાવર્તન કેમ થાય? પ્રજાલક્ષી સવાલો કૉંગ્રેસના ધારાસભ્યો પાસે ખૂટી...

વિધાનસભામાં એક સવાલનું પૂનરાવર્તન કેમ થાય? પ્રજાલક્ષી સવાલો કૉંગ્રેસના ધારાસભ્યો પાસે ખૂટી ગયા ? શું છે કાર્યવાહી જાણો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : એક જ સવાલ અલગ અલગ ધારાસભ્યો કેમ પુછે? વિધાનસભાની પ્રક્રિયા અંગે સતત રસ ધરાવતા લોકોને આ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે નિર્માણાધીન પાણીની ટાંકી ધરાશાયી થતાં ગત જાન્યુઆરી મહિનામાં ભારે ચર્ચા ઊઠી હતી. પાણીની ટાંકીને ભ્રષ્ટાચારની ટાંકી તરીકે ઓળખવામાં આવી હતી. આજે વિધાનસભા સત્રમાં પણ આ જ મુદ્દે થોડા ઘણાં ફેરફાર સાથે આઠ-આઠ વખત તૂટી ગયેલી પાણીની ટાંકીના સવાલ કૉંગ્રેસી ધારાસભ્યોએ પૂછ્યાં હતાં. ઉપરાંત રાજ્યમાંથી છેલ્લાં બે વર્ષમાં ગુમ થયેલાં 522 બાળકો અંગે કૉંગ્રેસના એક ડઝન ધારાસભ્યોએ તાજેતરમાં સવાલ પૂછ્યાં હતાં.

જોકે આવા એક જ સવાલને વિપક્ષોના ધારાસભ્યો વારંવાર કેમ પુછે છે તેનું સીધું કારણ એવું છે કે વિધાનસભામાં ડ્રો સિસ્ટમ છે. ચીઠ્ઠીઓમાં ધારાસભ્યોના સવાલો નાખી તેમાંથી કાઢી જેતે ધારાસભ્યની ચીઠ્ઠી આવે તેણે આ સવાલ કરવાનો હોય છે. સત્રના થોડા સમય પહેલા થતી આ પ્રક્રિયા દરમિયાન વિપક્ષો ખાસ કરીને કોઈ મુખ્ય પ્રશ્ન કે જે ચર્ચાવવો જ જોઈએ તેવું માનતા હોય તો તે સવાલનો સતત પોતાની ચીઠ્ઠીમાં ઉલ્લેખ કરતા હોય છે. જેથી જેની પણ ચીઠ્ઠી નીકળે તે આ સવાલ કરી શકે.

- Advertisement -

21 કરોડની ટાંકી પરિક્ષણ ટાણે જ તૂટી

સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે ૨૧ કરોડના ખર્ચે બની રહેલી ૧૧ લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકી જાન્યુઆરી ૨૦૨૬માં લોકાર્પણ પહેલા ધરાશાયી થઈ ગઈ હતી. પરિક્ષણ દરમિયાન જ પાણીની ટાંકી ધરાશાયી થઈ જતાં ગંભીર બાંધકામની બેદરકારી સામે આવી હતી. આ ઘટનામાં ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી. આ મામલે જવાબદાર એજન્સી સહિતના શખસો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી તેમજ વિભાગના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા.

કૉંગ્રેસના 8 ધારાસભ્યોએ એક જ મુદ્દે સવાલ પૂછ્યા

- Advertisement -

તડકેશ્વર પાણીની ટાંકી તૂટવાના મામલે વિધાનસભા સત્રમાં કૉંગેસના આઠ ધારાસભ્યોએ સવાલ કર્યા હતા. ધારાસભ્ય અમિત ચાવડા, શૈલેષ પરમાર, દિનેશ ઠાકોર અને કાંતી ખરાડીએ તડકેશ્વર ગામે પાણીની ટાંકી તૂટી ગઈ હોવાની હકીકત સાચી છે કેમ ? તેવો સવાલ વિધાનસભામાં પૂછ્યો છે. આ ઉપરાંત ટાંકીનું કામ કઈ એજન્સીને અપાયું હતું અને તેનો ખર્ચ પેટે કેટલી રકમ ચૂકવાઈ છે તેવા સવાલ પણ કર્યા હતા. સરકારે જવાબમાં અનુક્રમે મે. જયંતિ સુપર કન્સ્ટ્રકશન પ્રા.લી. અને મે. બાબુભાઈ અંબાલાલ પટેલ મહેસાણા તેમજ 83.45 લાખનું ચૂકવણું કર્યું હતું. વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે સોઈલ ટેસ્ટિંગ રિપૉર્ટ અંગે તો પાટણના ડૉ. કીરીટ પટેલે ટાંકી તૂટવા મામલે નિષ્ણાતોના અહેવાલ અંગે સવાલ પૂછ્યા હતા. જ્યારે ગુલાબસિંહ ચૌહાણ અને વિમલ ચુડાસમાએ પણ આ મામલે સરકારને સવાલ પૂછ્યા છે. સરકારે આ મામલે શું કાર્યવાહી કરી અને કોની-કોની સામે તેની વિગતો પણ લેખિત જવાબમાં આપવામાં આવી છે.

આવી જ રીતે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કેટલા બાળકો ગુમ થયા છે. તે બાબતે પણ કોંગ્રેસના ડઝનેક ધારાસભ્યોએ સવાલ કર્યા હતા. જેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે લોકો છેલ્લા કેટલાક સમયથી બાળકો ગુમ થવા, ચોરી થવા વગેરેને લઈને સતત ચર્ચાઓમાં રહ્યા, સોશ્યલ મીડિયા પર તેની વાત કરતા રહ્યા તેને કારણે અને ખાસ કરીને કોઈ પરિવારનું બાળક ના મળવું તે કેટલો ગંભીર પ્રશ્ન ગુજરાતની સુરક્ષાને લઈને હોઈ શકે છે તેવું માનીને સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં સરકારે જવાબ આપ્યો હતો કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 522 બાળકો ગુમ થયા છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષના સામાન્ય ગાળામાં આટલી મોટી સંખ્યામાં બાળકોનું ગુમ થવું કોઈ નાની સુની વાત નથી. આ ગંભીર પ્રશ્ન અંગે પણ ગુજરાત વિધાનસભામાં વિસ્તૃત ચર્ચા આ પરિવારો જંખે તેમાં કોઈ અતિશ્યોક્તિ નથી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular