ગુજરાત પોલીસના ઇતિહાસમાં 4 કરોડની કિંમતનો રેકૉર્ડ બ્રેક દારૂ જપ્ત
નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં ભલે દારૂબંધીનો કાયદો રહ્યો, પરંતુ અહીં હરહંમેશ દારૂની રેલમછેલ રહે છે. વર્ષોથી વિદેશી દારૂ રાજ્યમાં ઘૂસાડવાનો મલાઈદાર કારોબાર ખાખી અને ખાદીધારીઓના આર્શીવાદથી ચાલતો આવ્યો છે. Nirlipt Rai અને Mayur Chavda ના વડપણ હેઠળ કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલે કચ્છમાં ચાલી રહેલી વિદેશી દારૂની તસ્કરી (IMFL Smuggling Racket)નો પર્દાફાશ કરી 4 કરોડનો દારૂ પકડ્યો છે. 4 કરોડની કિંમતની 56 હજારથી વધુ શરાબની બૉટલ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત પકડાઈ છે. છેલ્લાં 6 મહિનામાં કચ્છ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાંથી Team SMC 11.52 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરી ચૂકી છે. અત્રે નોંધનીય છે કે, કચ્છના મુંદ્રા પૉર્ટ (Mundra Port) ગુડ્સ ટ્રેનમાં પંજાબથી લવાતા કરોડો રૂપિયાના વિદેશી દારૂના નેટવર્કનો SMC ગત નવેમ્બર મહિનામાં પર્દાફાશ કર્યો હતો. તો આવી જ કેટલીક કાર્યવાહીઓ અંગે ટુંકમા જાણીશું.
મુંદ્રા પૉર્ટ પર ગુડ્સ ટ્રેનમાં કરોડોનો દારૂ આવતો
સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર.જી.ખાંટ (PI R G Khant) ની બાતમી આધારે મુંદ્રા પૉર્ટ ખાતે ગત નવેમ્બર મહિનામાં રેડ કરવામાં આવી હતી. ટીમ એસએમસીના અધિકારીએ મુંદ્રા કસ્ટમના ઉચ્ચ અધિકારીને લેખિતમાં જાણ કરી ટીમના અધિકારીઓ તેમજ પ્રિસ્ટાઈન લોજિસ્ટિક્સ (Pristine Logistics) ના કર્મચારીની હાજરીમાં કન્ટેનર ખોલવામાં આવ્યા હતા. Mundra Port Railway Station આરએનડી યાર્ડ અને ઈનયાર્ડ કન્ટેનર ડેપોમાંથી 2.97 કરોડનો દારૂ ભરેલા બે કન્ટેનર એસએમસીને હાથ લાગ્યા ત્યારે કચ્છમાં ખળભળાટ મચી ગયો હતો.
પાંચ દિવસમાં 6 કરોડનો દારૂ કચ્છમાંથી જપ્ત
સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસ.વી.ગળચર (PSI S V Galchar) અને તેમની ટીમે ભુજ તાલુકાના વડવાળા ગામે રેડ પાડી હતી. રેડ સમયે દારૂ ભરેલી 2 ટ્રક, 3 મિનિ ટ્રક અને એક પીકવાન મળી આવી હતી. સ્થળ પરથી રાપરનો જશરામ ભરવાડ અને મેઘપરનો વિશાલ કરમાકમ ઝડપાઈ ગયા હતા. જ્યારે કેટલાંક આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યાં હતા. એસએમસીની ટીમે તપાસ કરતા 4 કરોડની કિંમતની વિદેશી દારૂની 56,088 બૉટલ મળી આવતા જપ્ત કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવી છે. જેમાં કચ્છના લિસ્ટેડ બુટલેગરો સહિત 23 શખસોને ફરાર આરોપી દર્શાવાયા છે. જ્યારે ગત 15 ફેબ્રુઆરીના રોજ પીએસઆઈ આર.બી.વનાર અને તેમની ટીમે અંજાર પોલીસ સ્ટેશનની હદમાંથી 2 કરોડ 6 લાખનો પંજાબથી આવેલો વિદેશી દારૂ કબજે કર્યો હતો.
6 મહિનામાં 11.52 કરોડનો દારૂ કચ્છમાંથી ઝડપાયો
ગત ઑગસ્ટ મહિનાથી આજદીન સુધીમાં કચ્છ પશ્ચિમ-ભુજ અને કચ્છ પૂર્વ-ગાંધીધામ જિલ્લામાંથી 11 કરોડ 52 લાખનો વિદેશી દારૂ-બીયર જપ્ત કરાયો છે. જ્યારે 2.50 કરોડનો અન્ય મુદ્દામાલ કબજે લેવાયો છે. Team SMC એ છ મહિનામાં મુંદ્રા અને સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે બબ્બે કેસ અને પધ્ધર, ગાંધીધામ બી ડિવિઝન, ભચાઉ તેમજ અંજાર ખાતે એક-એક એમ કુલ 8 કેસ કર્યા છે.








