આણંદ: ગુજરાતમાં ‘ડિજિટલ ઈન્ડિયા’ની સાથે હવે ભ્રષ્ટાચાર પણ હાઈટેક થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે લાંચિયા બાબુઓ રોકડ રકમની માંગણી કરતા હોય છે, પરંતુ આણંદમાં તો એક રેવન્યુ તલાટીએ લાંચ લેવા માટે ‘ડિજિટલ પેમેન્ટ’નો રસ્તો અપનાવ્યો હતો. જોકે, ગમે તેટલી હોશિયારી વાપરી હોય, પણ પાપ છાપરે ચડીને પોકારે છે. આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીના તલાટી અને તેના વચેટિયાને ગુજરાત ACBએ 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.
વારસાઈ કામ માટે 1.20 લાખનો ‘ભાવ’ નક્કી કર્યો
આણંદ જિલ્લાના બાકરોલ ગામમાં એક અરજદારની વડિલોપાર્જિત જમીનમાં વારસાઈ નોંધ નામંજૂર થઈ હતી. આ કામગીરી માટે અરજદારે અપીલ કરી હતી. આ અપીલની પ્રક્રિયા આગળ વધારવા અને કામ કરી આપવા માટે આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતે (રહે. ઈસરામા, તા. પેટલાદ) અરજદાર પાસે કુલ 1 લાખ 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
Google Payથી લીધા હતા 30 હજાર!
ભ્રષ્ટાચારની હદ તો ત્યારે થઈ જ્યારે તલાટી ગૌરવ રાજપૂતે લાંચની રકમનો પહેલો હપ્તો રોકડને બદલે ઓનલાઇન સ્વીકાર્યો. તેણે ‘Google Pay’ મારફતે અરજદાર પાસેથી અગાઉ 30,000 રૂપિયા મેળવી લીધા હતા. ત્યારબાદ અપીલનું કામ શરૂ કરવા માટે તેણે બીજા 10,000 રૂપિયાની માંગણી કરી હતી. જોકે, હવે અરજદાર વધુ પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ ACBનો સંપર્ક કર્યો હતો.
ચાની કિટલી પર ખેલ ખતમ
તલાટીએ લાંચની રકમ સ્વીકારવા માટે આણંદ જિલ્લા સેવા સદન કચેરીની બહાર આવેલી એક ચાની લારી પસંદ કરી હતી. યોજના મુજબ, તેણે પોતાના વચેટિયા બદરૂદ્દીન મલેકને પૈસા લેવા મોકલ્યો હતો. આણંદ ACBના મહિલા પી.આઈ. એમ.એલ. રાજપૂતે પહેલેથી જ ત્યાં વોચ ગોઠવી હતી. જેવો વચેટિયો 10 હજાર રૂપિયા સ્વીકારવા ગયો, ACBની ટીમે તેને દબોચી લીધો. વચેટિયાના પકડાયા બાદ મુખ્ય સૂત્રધાર તલાટી ગૌરવ રાજપૂતની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








