Thursday, April 16, 2026
HomeGujaratYouTube ક્રાંતિ: ભારતમાં મનોરંજન, શિક્ષણ અને ₹14,300 કરોડના અર્થતંત્રનું નવું સરનામું

YouTube ક્રાંતિ: ભારતમાં મનોરંજન, શિક્ષણ અને ₹14,300 કરોડના અર્થતંત્રનું નવું સરનામું

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): દુનિયા હવે યૂટ્યુબમાં સમેટાઈ રહી છે. કોઈ પણ ઘટના હોય તો યૂટ્યુબના માધ્યમથી આપણી સમક્ષ આવે છે. સોશિયલ મીડિયા પર જેટલાં પણ પ્લૅટફૉર્મ છે, તેમાં યૂટ્યુબ અત્યારે સૌથી પ્રચલિત પ્લૅટફૉર્મ છે. આપણા દેશમાં વ્યૂઅરશિપની સાથે-સાથે થોકબંધ કન્ટેન્ટ ક્રિએટ થઈ રહ્યું છે અને રૂપિયામાં તેના રેવન્યૂની ગણતરી કરીએ તો તે 14,300 કરોડ સુધી પહોંચી છે. મતલબ કે, ‘મેટા’, ‘જિઓસ્ટાર’ કે ‘નેટફ્લિક્સ’ કરતાં પણ વધુ. વીડિયો સ્ટ્રીમિંગમાં હાલમાં વિશ્વમાં સૌથી મોટું માર્કેટ ભારત છે અને રેવન્યૂની ટકાવારીમાં ગણતરી કરીએ તો તેમાં માર્કેટ 26 ટકા હિસ્સો ધરાવે છે, તે પછીના ક્રમાંકે ચીન આવે છે, જેની ટકાવારીનો હિસ્સો 23 છે. જાપાન, ઑસ્ટ્રેલિયા, કોરિયા અને ઇન્ડોનેશિયા પણ સૌથી વધુ વીડિયો સ્ટ્રીમિંગમાં રેવન્યૂ મેળવનારા દેશો છે. આ દેશોમાં યુરોપના દેશો કે અમેરિકા નથી. યૂટ્યુબ થકી જે કંઈ થઈ રહ્યું છે તે ક્રાંતિ છે. આ અગાઉ વીડિયો ફૉર્મેટમાં ક્યારેય આટલું કન્ટેન્ટ ઠલવાતું નહોતું. હાલમાં સરેરાશ ભારતીયો પાસે સ્માર્ટફોન આવી ગયા છે અને તે ફોનનો ઉપયોગ કન્ટેન્ટ જોવા માટે તો કરે છે, પરંતુ સાથે-સાથે દેશના લાખો લોકો યૂટ્યુબ પર પોતાનું કન્ટેન્ટ ક્રિએટ પણ કરી રહ્યા છે. આપણા દેશની વિવિધતાને કારણે ઘણું નવું કન્ટેન્ટ આપણે ત્યાં ક્રિએટ થઈ રહ્યું છે.

યૂટ્યુબ માટે આપણા દેશની વધુ વસ્તી જમા પાસું બને છે. યૂટ્યુબનું માર્કેટ એ રીતે બન્યું છે કે તેમાં વ્યૂઅરશિપના આધારે આવક નિર્ધારિત થાય છે. તેમાંય આપણે ત્યાંની હિન્દી ફિલ્મો, સંસ્કૃતિની વિવિધતા, ખાણીપીણી, ફરવાલાયક સ્થળોને કારણે એટલું બધું કન્ટેન્ટ ક્રિએટ થઈ રહ્યું છે કે દર્શકો માટે સતત કશુંક નવું મુકાતું રહે. બીજું કે ટેક્નૉલૉજીની રીતે જોઈએ તો યૂટ્યુબ પર વીડિયો નિર્માણ કરવાની, અપલોડ કરવાની પ્રક્રિયા ખૂબ સરળ બની ચૂકી છે. એક સ્માર્ટફોનથી યૂટ્યુબમાં ઇચ્છીએ એ પ્રકારનું પ્રોડક્શન થઈ શકે છે. કન્ટેન્ટ બનાવનારા માટે આમાં કોઈ મર્યાદા રહી નથી અને ઉપરાંત, આપણે ત્યાં ડેટા એટલો સસ્તો છે કે તેના કારણે પણ મોટી સંખ્યામાં લોકો યૂટ્યુબ પર છે. માત્ર મેટ્રો શહેરોમાં નહીં, નાનાં-નાનાં તાલુકા સ્થળે પણ વીડિયો ખૂબ ઓછા ખર્ચમાં એડિટ થાય છે અને તેનું પ્રોડક્શન સારું થઈ શકે છે. અને એટલે આપણા દેશમાં 11,000 યૂટ્યુબર્સ દસ લાખથી વધુ સબસ્ક્રાઇબર ધરાવનારા છે!

- Advertisement -

યૂટ્યુબની શરૂઆત 2005માં થઈ હતી અને બે દાયકામાં તેનો વ્યાપ જે રીતે પ્રસર્યો છે તે અદ્વિતીય છે. તેનો પ્રથમ વીડિયો યૂટ્યુબના સહ-સ્થાપક જાવેદ કરીમે મૂક્યો હતો. 18 સેકન્ડના આ વીડિયોમાં તે એક પ્રાણીસંગ્રહાલયમાં છે – અને તેની વિગત આપી રહ્યો છે. આજે તે શરૂઆત પછી માત્ર બે દાયકામાં વિશ્વની અડધોઅડધ વસ્તીને કવર કરે છે.

યૂટ્યુબને કારણે અનેક લોકોએ આજે સેલિબ્રિટી સ્ટેટસ મેળવ્યું છે. 2024માં આપેલી એક મુલાકાતમાં યૂટ્યુબના સીઈઓ નીલ મોહને કહ્યું હતું કે યૂટ્યુબ ‘આવનારી પેઢી માટેનો સ્ટુડિયો’ બન્યું છે. અને તે માટે યૂટ્યુબ પણ સતત નવું-નવું તેના પ્લૅટફૉર્મ પર ઉમેરતું રહે છે. યૂટ્યુબ દ્વારા શરૂ કરવામાં આવેલો શોર્ટ્સનો ટ્રેન્ડ આજે એ હદે વ્યાપક બન્યો છે કે નીલ મોહન આ મુલાકાતમાં તે શોર્ટ્સ કેટલા જોવાયા છે તેનો અંદાજિત આંકડો પણ આપી શક્યા નહોતા. તેમનો જવાબ ‘ટ્રિલિયન્સ વ્યૂઝ’ એવો હતો. શોર્ટ્સમાં જે કંઈ ક્રિએટ થઈ રહ્યું છે અને જોવાઈ રહ્યું છે તેમાં કેટલાંક પ્રયોગો તો માત્ર ભારતમાં થઈ રહ્યાં છે – તેવું પણ તેમનું કહેવું હતું. નીલ મોહને આપણા દેશમાં યૂટ્યુબની વાત કરવાની આવી ત્યારે તેમણે બિજુ રित्वિક નામના ક્રિએટરની વાત મૂકી હતી. બિજુએ કોવિડકાળ દરમિયાન વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આજે તે માત્ર દેશમાં નહીં, પૂરા એશિયામાં કન્ટેન્ટ ક્રિએટ કરવામાં ટૉપ મોસ્ટમાં આવે છે. બિજુ રित्वિકના સબસ્ક્રાઇબરની આજે સંખ્યા સાત કરોડ ઉપર પહોંચી છે. બિજુના યૂટ્યુબ પર જઈને જોશો તો મહદંશે તેમના વીડિયો પરિવાર સંબંધિત છે, પરંતુ તેને મળતી વ્યૂઅરશિપ લાખોમાં છે અને આજે તેઓ આના દમ પર લાખો રૂપિયા કમાવી રહ્યા છે.

યૂટ્યુબનો આ વ્યાપ બન્યો છે તેનું એક કારણ નવા ક્રિએટર્સને મળતી તકો છે. આ માટે યૂટ્યુબે એક પાર્ટનર પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે. આજે યૂટ્યુબ પરથી આવક મેળવવી હોય તો તેના માપદંડ યૂટ્યુબે પડકારજનક નથી રાખ્યા. યૂટ્યુબથી આવક રળવા માટે માત્ર 500 સબસ્ક્રાઇબર પૂરતા છે. ત્રણ મહિનામાં યોગ્ય ત્રણ પોસ્ટ હોવી જોઈએ અને તે ઉપરાંત 3000 કલાક તમારું કન્ટેન્ટ જોવાયેલું હોવું જોઈએ. અથવા તો તમે તમારી ચેનલ પર મૂકેલા શોર્ટ્સને ત્રીસ લાખ વ્યૂઝ મળ્યા હોય તો પણ મૉનેટાઇઝેશન થઈ શકે છે. જોકે તેમ છતાં યૂટ્યુબ ક્રિએટર્સમાંથી માત્ર 12 ટકા ઠીકઠીક આવક રળી શકે છે. આવક રળવા માટે સૌથી સરળ રસ્તો શૉર્ટ-ફૉર્મ વીડિયો બનાવવાનો છે અને તેથી 52 ટકા ક્રિએટર્સ તે પ્રકારના જ વીડિયો બનાવે છે. જોકે આવા શોર્ટ્સ વીડિયોનું વધુ પ્રચલિત ઠેકાણું ઇન્સ્ટાગ્રામ છે. યૂટ્યુબ વધુ વ્યાપક બન્યું તે 2019નું વર્ષ હતું. કોરોનાકાળ દરમિયાન યૂટ્યુબ પર વીડિયો જોનારાઓની સંખ્યા દેશ અને દુનિયાભરમાં વધવા માંડી. અને હવે તો યૂટ્યુબની એક આખી ઇકોસિસ્ટમ બની છે. યૂટ્યુબ આજે માર્કેટને પણ અસર કરે છે. આજે ટી-સિરીઝની ચેનલના સબસ્ક્રાઇબરની સંખ્યા દસ કરોડથી વધુ છે, જ્યારે સેટ ઇન્ડિયાના સબસ્ક્રાઇબર 5 કરોડ જેટલા થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, યૂટ્યુબ પર હવે સ્થાનિક ભાષામાં પણ ખૂબ કન્ટેન્ટ આવી રહ્યું છે. 2019ના વર્ષમાં દક્ષિણ ભારતમાં તમિળ ચેનલોની સબસ્ક્રાઇબરની સંખ્યા તો ખૂબ ઝડપથી વધી હતી. તે વખતે 94 તમિળ ચેનલો એવી હતી જેનાં સબસ્ક્રાઇબર દસ લાખથી વધુ થઈ ચૂક્યા હતા, હવે તે ચેનલોની સંખ્યા 1250ની આસપાસ છે. એ જ પ્રમાણે 2019માં દસ લાખ સબસ્ક્રાઇબર ક્રૉસ કરનારી ચેનલોમાં 60 તેલુગુ ભાષાની હતી, 35 બંગાળી ભાષાની હતી અને 15 મલયાલમ હતી. આજે તે સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. ગુજરાતી ભાષામાં પણ આજે અનેક પ્લૅટફૉર્મ એવા છે જેનાં સબસ્ક્રાઇબરની સંખ્યા દસ લાખથી વધુ પહોંચી છે. જોકે યૂટ્યુબનો આટલો વ્યાપ હોવા છતાં તેના પદ્ધતિસરના રજૂ કરેલા આંકડા ક્યાંય જોવા મળતા નથી. અહીં પણ જે વિગતો મૂકવામાં આવી છે તે અનેક વેબસાઇટના આધારે લઈને મૂકી છે.

- Advertisement -

યૂટ્યુબનો ક્રેઝ દુનિયાભરમાં વધ્યો છે અને 2017નો પણ આંકડો જોઈએ તો યૂટ્યુબ પર દર મિનિટે ચારસો કલાકનું કન્ટેન્ટ અપલોડ થતું હતું, જેની સરેરાશ 2019માં દર મિનિટે પાંચસો કલાકની થઈ હતી. હવે તો મિનિટે અપલોડ થતા વીડિયોની સંખ્યા ખૂબ વધી છે અને તે જ કારણે યૂટ્યુબ એશિયા-પેસિફિકના એમ.ડી. ગૌતમ આનંદનું કહેવું છે કે, ‘યૂટ્યુબ પર અમે હવે કૉમર્સ અને શૉપિંગ લાવી રહ્યા છીએ. અમારો ધ્યેય છે કે ક્રિએટર્સ કેવી રીતે વધુ આવક મેળવે. અને યૂટ્યુબ તે માટે બે વર્ષમાં માત્ર ભારતમાં 850 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યું છે.’ ગૌતમ આનંદ કહે છે કે યૂટ્યુબે છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતના ક્રિએટર્સને 21,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં યૂટ્યુબના સબસ્ક્રાઇબરની સંખ્યા બમણી થઈ ચૂકી છે.

યૂટ્યુબનું બજાર હવે એ હદે વધ્યું છે કે ત્યાં દેશના વડા પ્રધાનથી માંડીને સામાન્ય વ્યક્તિ પણ પોતાની વાત રજૂ કરી શકે છે. યૂટ્યુબના વીડિયો પર જાતભાતનું કન્ટેન્ટ ઠલવાઈ રહ્યું છે. તેમાં ઘણું બધું નકામું છે અને તેનાથી એક સૌથી મોટું નુકસાન માનવકલાકોનો વ્યય પણ છે. જોકે તેમ છતાં યૂટ્યુબથી દેશનો મોટો હિસ્સો વિવિધ ક્ષેત્રો વિશે માહિતી મેળવી રહ્યો છે અને શિક્ષિત થઈ રહ્યો છે. યૂટ્યુબની સફર હજુ પણ દાયકાઓ સુધી આ રીતે અવિરત ચાલશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. તમારું શું માનવું છે?

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular