કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગત 12 ફેબ્રુઆરીના રોજ જાણીતાં વકીલ ફલી સૅમ નરિમાનનું (Fali Sam Nariman) 95 વર્ષે અવસાન થયું. તેમણે પાંચ દાયકા સુધી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી અને ‘બાર એસોશિએશન ઑફ ઇન્ડિયા’ના તેઓ બે દાયકા સુધી પ્રમુખ પદે રહ્યા. 1972થી ત્રણ વર્ષના ગાળા માટે તેઓ ‘એડિશનલ સોલિસિટર જનરલ’ રહ્યા હતા. ફલી નરીમાનના અવસાન વખતે સ્મૃતિરૂપે અંગ્રેજી અખબારોમાં થોકબંધ લખાયું. હિંદી, સ્થાનિક અખબાર ટીવી-ચેનલોએ તેમની નોંધ વિશેષ રીતે લીધી. છેલ્લા વર્ષોમાં તેમણે વકીલાતથી નિવૃત્તિ લીધી હતી, પણ પોતાની જાતને લેખન દ્વારા તેમણે અતિ વ્યસ્ત રાખી. કાયદાના ક્ષેત્રમાં તેમણે જે અદ્વિતિય પુસ્તકો આપ્યા તેમાં ‘યૂ મસ્ટ નો યોર કોન્સ્ટિટ્યૂશન’, ‘ગોડ સેવ ધ હોનેબલ સુપ્રીમ કોર્ટ’, ‘ઇન્ડિયાઝ લિગલ સિસ્ટમ : કેન ઇટ બી સેવ્ડ?’, ‘ધ સ્ટેટ ઑફ ધ નેશન’ છે. આ ઉપરાંત ‘બિફોર મેમરી ફેડ્ઝ’એ નામની તેમની આત્મકથા છે, તેમાં પણ પોતાના જીવનયાત્રા ઉપરાંત કાયદાકીય બાબતોના તેમના અનુભવો તેમણે શબ્દબદ્ધ કર્યા છે.

ફલી સૅમ નરિમાનની ઓળખ તેમના પદોમાં કે તેમને મળેલા સન્માનોમાં મર્યાદિત નથી. અતિ મહત્ત્વના વિષયો પર તેમનાં નિવેદનો દિશાસૂચક રહ્યા. જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમને રદ કરવામાં આવી ત્યારે તેમનો મત સુપ્રીમના ચૂકાદાથી બિલકુલ વિપરીત હતો. તેમણે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જે કંઈ કર્યું છે તે બંધારણીય રીતે યોગ્ય નથી. ન તો તે સંઘીય સ્થાપિત સિદ્ધાંતો અનુસાર કરવામાં આવ્યું છે. ખરેખર તો સંઘીય વ્યવસ્થા જ બંધારણની પાયાની ખૂબી છે. જમ્મુ-કાશ્મીરના દરજ્જાને એક તરફી રીતે રાજ્યથી કેન્દ્ર શાસિત પ્રદેશ કરી દેવામાં આવ્યો. આ સ્થિતિ ન તો અપેક્ષિત હતી, ન બંધારણીય રીતે તેને યોગ્ય ઠેરવી શકાય. એટલે આ ચુકાદા અંગે મારું માનવું છે કે તે રાજકીય રીતે યોગ્ય લાગે એવો હોવા છતાં બંધારણીય રીતે યોગ્ય નથી.”

કાયદા અને વિશેષ કરીને બંધારણીય બાબતો પર દેશના પ્રતિષ્ઠિત કાયદાવિદ્ ફલી નરીમાનના મત પર આધાર રાખતા હતા. તેમનું જ્ઞાન અસાધારણ હતું અને તેથી વકીલ તરીકેના વ્યવસાયમાં પ્રવેશ્યાના થોડા વર્ષોમાં તેમને ન્યાયાધીશ બનવા માટેનો પ્રસ્તાવ મળ્યો હતો! વાત બની એમ હતી કે, પોતાના વકીલ તરીકેના આરંભના વર્ષોમાં તેઓ સહાયક વકીલ તરીકેની ભૂમિકામાં હતા. આ દરમિયાન એક દિવસ નાની પાલખીવાલા – જે ખૂબ જાણીતા વકીલ હતા – તેમને કોર્ટમાં એક કેસ અંગે પેરવી કરવાની હતી. પરંતુ નાની પાલખીવાલા કોઈ કારણસર કોર્ટમાં સમયસર આવી શકે એમ નહોતા. પાલખીવાલાએ ત્યારે તેમની જગ્યાએ ફલીને કોર્ટમાં મોકલ્યા. આ સમયે કોર્ટમાં ન્યાયાધીશ તરીકે જસ્ટીસ છાગલા અને જસ્ટીસ ગજેન્દ્ર ગાડકર હતા. આ બંને પ્રતિષ્ઠિત ન્યાયાધીશ હતા. તેમણે ફલીને પૂછ્યું કે ‘તમે આ કેસ વિશે કંઈ જાણો છો?’ ફલીએ પૂરા કેસની રજૂઆત ધારદાર રીતે કરી. જસ્ટીસ છાગલા આ રજૂઆત સાંભળીને જ્યારે ચૂકાદો સંભળાવતા હતા; ત્યારે નાની પાલખીવાલા કોર્ટમાં આવી ચૂક્યા હતા, અને પાલખીવાલાએ પોતાની દલીલ મૂકવા માટે ન્યાયાધીશ પાસે મંજૂરી માંગી. જસ્ટીસ છાગલાએ ત્યારે કહ્યું કે ફલીએ જે રજૂઆત કરી છે હવે તેમાં ભાગ્યે જ કશું ઉમેરવાનું બાકી રહ્યું છે. આ કેસમાં ફલી નરીમાન રજૂ થયા હતા ત્યારે તેમની ઉંમર 38 વર્ષ હતી. તેમની આ પ્રતિભાનો ખ્યાલ ન્યાયાધીશોને તુરંત આવી ગયો; અને થોડા દિવસોમાં તેમને ન્યાયાધીશ બનવા માટેનો પ્રસ્તાવ પણ મળ્યો. જોકે પરિવારની આર્થિક જવાબદારી જોતાં તેમણે ન્યાયાધીશ બનવાનું ટાળ્યું અને વકીલ તરીકે જ કારકીર્દી આગળ ધપાવી.

એક વકીલ તરીકે તેમને આટલી પ્રતિષ્ઠા મળી તેમાં તેઓ ઈશ્વરીય સહાયતાની પણ વાત કરતા હતા. તેઓ તેમની આત્મકથા ‘બિફોર મેમરી ફેડ્ઝ’માં લખે છે કે, “મારા જીવનનો નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે હું 1950માં મુંબઈના બાર એસોશિએશનમાં સામેલ થયો. એ ઉલ્લેખનીય છે કે માત્ર એક વર્ષ અગાઉ દેશનું બંધારણ ઘડાયું હતું. જીવન વિસ્મયથી ભરેલું છે. તમે નસીબ, પરમાત્મા તથા ઈશ્વરમાં વિશ્વાસ કરો કે નહીં, પરંતુ તમે એ વાતને લઈને જરૂર આશ્વસ્ત રહી શકો કે જ્યારે પણ તમારાં જીવનની યાત્રા ઉબડખાબડ માર્ગથી પસાર થતી હોય ત્યારે કોઈ અપરિચિત વ્યક્તિ તે અંધકારમાંથી તમને બહાર કાઢવા આવશે. મુંબઈમાં મારાં કોઈ માર્ગદર્શક નહોતા. પરંતુ ઈશ્વરે મારી મદદ કરી.” આ ઈશ્વરીય મદદનો ઉલ્લેખ કર્યા બાદ ફલી નરીમાન સર જમશેદજી કાંગાના પરિચયની વાત મૂકે છે. મુંબઈના પ્રતિષ્ઠિત વકીલ જમશેદજી કાંગાની ફર્મમાં પ્રેક્ટિસ કરવા મળવાથી ફલી નરીમાનને કાયદાની આંટીઘૂંટીનો ખ્યાલ ઝડપથી આવવા લાગ્યો. અને એટલે પછીથી તેઓ ગોલકનાથ કેસ(1967), કેશવાનંદ ભારતી કેસ(1973), મિનર્વા મિલ્સ(1980) જેવાં ઐતિહાસિક કેસોમાં બંધારણમાં પ્રજાને મળેલા મૌલિક અધિકારોની રક્ષા કરી શક્યા.
તેમનું સ્પષ્ટ માનવું હતું કે મૂળભૂત અધિકારો બંધારણના મૂળ તત્ત્વો છે તેને બદલી ન શકાય. ‘શ્રેયા સિંઘલ વિ. ભારત સરકાર’ના કેસમાં ડિજિટલ મીડિયા પર અભિવ્યક્તિ પર કડક નિયમો લાદતી જોગવાઈઓને તેમણે તર્કબદ્ધ દલીલોથી ઉડાવી દીધી હતી. આવાં અનેક કિસ્સાઓમાં પ્રજા પક્ષે રહ્યાં એટલે તેમને ‘માનવઅધિકારોના ચેમ્પિયન’ તરીકે પણ ઓળખવામાં આવતાં. એક જગ્યાએ સંસદની સર્વોચ્ચતાની ચર્ચા ઉપડી હતી ત્યારે તેમણે તેની જટીલતાને એ રીતે સ્પષ્ટ કરી આપી કે ‘એક પક્ષીય સંસદ’ એ ‘બુલડૉગ’ જેવી છે. આવું થાય તો તેની શક્તિ અનિયંત્રિત બની જાય અને તેનું સ્વરૂબ ખૂબ જોખમી હોઈ શકે. તેમણે હંમેશા સમાનતાની તરફેણ કરી અને ભેદભાવ કરનારી પ્રથાઓને કાયદાકીય રીતે ખતમ કરવા માટે હંમેશા એવાં પક્ષે રહ્યા. ન્યાયપાલિકા પ્રત્યે તેમનો વિશ્વાસ અતૂટ હતો અને તે અંગે અનેક વાર તેઓ બોલતા પણ હતા. તેમનું માનવું હતું કે કોર્ટ ‘આપણી આઝાદીની સૌથી મોટી રક્ષક’ અને ‘અન્યાય સામે આશાની કિરણ’ સમાન છે.
જોકે એવું નથી કે આ લાંબી કારકિર્દી દરમિયાન તેમનાથી કોઈ ભૂલ જ ન થઈ હોય. ભોપાલ ગેસ કાંડમાં તેઓ ‘યુનિયન કાર્બાઇડ’ કંપની વતી કેસ લડવાનું ઠરાવ્યું હતું. ‘યુનિયન કાર્બાઇડ’ વતી તેઓ કેસ લડ્યા તે તેમની ભૂલ હતી તેવું તેમણે પાછલી ઉંમરે સ્વીકાર્યું હતું. ખૂબ અફસોસ સાથે તેમણે એ વાત વર્ણવી હતી. આ કેસ સ્વીકારવા અંગે પોતાની યુવાવસ્થાને જવાબદાર ઠેરવી હતી. તે વખતે તેમને એમ લાગ્યું હતું કે આટલો મોટો કેસ લઈને તેઓ જાણીતાં બની જશે. પરંતુ પછીથી તેમને ખ્યાલ આવ્યો કે આ માત્ર એક કેસ નહોતો પણ મસમોટી માનવીય આપત્તી હતી. ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ છે કે ભોપાલ ગેસ કાંડમાં પીડિતોને વળતર અપાવવામાં ફલી નરીમનની ભૂમિકા હતી. જોકે વળતર અપાવવાથી પીડા ઓછી થતી નથી, ન તો લોકોનું જીવન ફરીવાર એ રીતે પાટે આવે છે.
ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ હતા ત્યારે તેઓએ રાજ્ય સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં પેરવી કરી હતી. ગુજરાત સરકારની સામે નર્મદા બંધથી વિસ્થાપિત લોકો હતા. પરંતુ આ કિસ્સામાં પણ જ્યારે તેમણે એવાં સમાચાર સાંભળ્યા કે ગુજરાતમાં ઇસાઇઓ પ્રત્યે હિંસા થઈ રહી છે, તો તેઓ કેસમાંથી ખસી ગયા. દેશ હરહંમેશ બંધારણમાં સ્વીકાર્યું છે તેમ બિનસાંપ્રદાયિક રહે તેવું તે ઇચ્છતા અને છેલ્લા દિવસોમાં તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ધર્મનિરપેક્ષ ભારતમાં જ મરશે.
કાયદાની આંટીઘૂંટીને તેમણે સરળતાથી રજૂ કરી છે અને તેમણે શબ્દો ચોર્યા વિના જે કહેવું હોય તે કહ્યું છે. ઑગસ્ટ, 2018માં રાજ્યસભામાં નવાં ચૂંટાયેલા સભ્યોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, ‘સાંસદો સામાન્ય લોકોની આશાઓ, તેમના પ્રશ્નો અને પીડાઓનું ધ્યાન રાખતાં નથી. સાંસદોએ એ સમજવું જોઈએ કે તેઓ એક અરબ લોકોના જનપ્રતિનિધિ છે, જેમની આશાઓ તેમના તરફ ખૂબ છે.’ રાજકીય આગેવાનો પ્રત્યે તેમનો ભાવ છેલ્લે નિરાશાનો દેખાય છે અને એટલે તેમણે એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘દેશમાં અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તેનાથી તેઓ ચિંતિત છે. અને દેશને વાસ્તવિક રીતે સમજી શકે તેવા આગેવાનની ખોટ વર્તાઈ રહી છે.’ તેમણે આગેવાની અંગે માત્ર દેશમાં જ ચિંતા વ્યક્ત નહોતી કરી, પરંતુ દુનિયાભરમાં જે રીતે આગેવાન આવી રહ્યાં છે તેને લઈને માનવતાના ભવિષ્ય અંગે સંકડ ખડું થશે તેવું તે માનતા.
ફલી નરીમાનની વિદાય થઈ છે પણ વારસા રૂપે તેમના અનેક કેસમાં કરેલી દલીલો, લખાણો અને તેમના નિવેદનો આપણી પાસે છે, તે હંમેશા કાયદાની બારીકાઈને સમજવા માટે ઉપયોગી થશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








