હમાસ હુમલા પછી અત્યાર સુધીમાં ક્રૂડ ઓઇલના ભાવ ૬ ટકા અને સોનાના ૮ ટકા વધ્યા
કૃષિ કોમોડિટીઝ, મેટલ્સ અને અન્ય કોમોડિટીના ભાવ પ્રમાણમાં બહુ વધ્યા નથી
આગામી વર્ષે સર્વાંગી રીતે ક્મોડિટીના ભાવ ૪.૧ ટકા ઘટવાની સંભાવના
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ઈઝરાયેલ હમાસ વચ્ચેનું યુદ્ધ લાંબુ ખેંચશે તો કોમોડીટીઓના ભાવ પર મોટી તેજીના વાદળો ઘેરાવા લાગશે. આ યુદ્ધ વચ્ચે અત્યાર સુધી તો ભાવ પ્રમાણમાં નિયંત્રિત રહ્યા છે. ૭ ઓકટોબર પછી અત્યાર સુધીમાં ક્રૂડ ઓઇલના ભાવ ૬ ટકા વધ્યા છે. વર્લ્ડ બેન્કનો તાજો કોમોડિટી માર્કેટ આઉટલૂક અહેવાલ કહે છે કે કૃષિ કોમોડિટીઝ, મેટલ્સ અને અન્ય કોમોડિટીના ભાવ પ્રમાણમાં બહુ વધ્યા નથી. ૧૯૭૦ના દાયકામાં ક્રૂડ ઓઇલના ભાવે આખી દુનિયાને દજાડી હતી, તેવી સ્થિતિ અત્યારે નથી તેથી જાગતિક અર્થતંત્રો અત્યારે તો તંદુરસ્ત સ્થિતિમાં છે.
જો ક્રૂડ ઓઇલની તેજીના વધુ ઉછાળા જોવાશે તો તે ખાધસામગ્રીના ભાવને ઊચે લઈ જઈ, વિકાસ પામતા દેશોના ફુગાવાને નવી ઊંચાઈ જવા મજબૂર કરશે. ૨૦૨૨ના અંતિમ તબક્કામાં વૈશ્વિક વસ્તીના ૧૦માં હિસ્સા જેટલા ૭૦ કરોડ લોકો ભૂખમરીના સકંજામાં સપડાયા હતા. જો આ યુધ્ધમાં વધુ દેશો જોડાશે તો એ દેશોમાં જ નહીં, આખા જગતમાં અનાજની સુરક્ષા જોખમમાં મુકાશે. ખોરાક સલામતીનું જોખમ ઊભું ના થાય તે હેતુથી આખા વિશ્વની સરકારોએ અનાજ, ખાતર અને અન્ય વસ્તુઓની નિકાસ ઉપર કોઈ નિયંત્રણ લાદવાથી દૂર રહેવું જોઈએ.
નીતિ ઘડવૈયાઓએ અત્યારે સાવધ રહેવાની જરૂર છે. કેટલીક કોમોડિટી ખાસ કરીને સોનાના ભાવે ભાવિ ચેતવણી આપવાનો ઘંટારવ શરૂ કર્યો છે. ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયા પછી સોનાના ભાવ ૮ ટકા વધ્યા છે. ભૂ-ભૌગોલિક ચિંતાઓ સાથે સોનાને આગવો અને અનોખો નાતો છે, યુદ્ધ અને અચોક્કસતાઓ વખતે રોકાણકારોનો આત્મવિશ્વાસ તળિયે બેસી જતો હોય છે, આવા સમયે લોકો સોનામાં સલામતી શોધવા દોડી જાય છે. વિકાસ પામતા દેશોએ આવે વખતે ફુગાવો વધી ના જાય તેની આકરી કસોટીનો સામનો કરવો પડતો હોય છે.
રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ છે ત્યાં જ મધ્યપૂર્વની આ કટોકટી ઊભરી છે, ત્યારે કોમોડિટી બજારોને અનિશ્ચિતતાની ગર્તામાં જતી રોકવી અઘરી થઈ પડશે. વર્લ્ડ બેન્કે કરેલી આગાહીમાં કહેવાયું છે કે આગામી વર્ષે વિશ્વના અર્થતંત્રોનો વિકાસ ધીમો પડી જાય, તે સ્થિતિમાં ક્રૂડ ઓઇલના સરેરાશ ભાવ ઘટીને ૮૧ ડોલર થાય તે અગાઉ વર્તમાન ત્રિમાસિકમાં સરેરાશ ભાવ ૯૦ ડોલર આસપાસ જોવા મળશે. આગામી વર્ષે સર્વાંગી રીતે ક્મોડિટીના ભાવ ૪.૧ ટકા ઘટવાની સંભાવના છે. આગામી વર્ષે કૃષિ કોમોડીટીનો પુરવઠો વધવાની સંભાવના સાથે ભાવ પણ ઘટવા તરફી રહેશે.
બેઝ મેટલના ભાવ ૨૦૨૪માં પાંચ ટકા ઘટી શકે છે. ૨૦૨૫માં કોમોડિટીના ભાવ સ્થિરતા પ્રાપ્ત કરશે. આ બધાનો આધાર ક્રૂડ ઓઇલના પુરવઠામાં કેવિક ઉથલપાથલ થાય છે તેના પર રહશે. નજીવા ઘટાડાના સંયોગમાં વૈશ્વિક ક્રૂડ ઓઇલ પુરવઠો દૈનિક પાંચ લાખથી ૨૦ લાખ બેરલ ઘવાની શક્યતા છે, જે ૨૦૧૧ના લિબિયાના ગૃહ યુદ્ધ વખતે જોવા મળ્યું હતું. આ સંજોગોમાં ક્રૂડ ઓઇલના ભાવ આરંભમાં ૩થી ૧૩ ટકા જેટલા ૯૩થી ૧૦૨ ડોલરની રેન્જમાં વધી શકે છે.
ઈઝરાયેલ હમાસ સાથે જ રશિયા યુક્રેન યુદ્ધધનો તખ્તો ગોઠવાયો છે, ત્યારે દરેક દેશની સરકારોએ સાબદા રહેવું પડશે. જો યુદ્ધ વધુ ભડકે તો આ દાયકામાં પહેલી વખત ઊર્જા સ્ત્રોતના બમણા મારને લીધે, વૈશ્વિક અર્થતંત્રોની માઠી દશા બેસવાની.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








