યુએસ જેક્શન હૉલમાં અર્થતંત્ર અને નાણાનીતિના નબળા સંકેત મળશે તો ક્રૂડ ઓઇલ દબાણમાં આવશે
યુએસ ક્રૂડ ઓઇલ ઉત્પાદન ૧૨૮ લાખ બેરલની ઊંચાઈએ પહોંચી ગયું
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વિશ્વના સૌથી મોટા આયાતકાત દેશ ચીનનું અર્થતંત્ર ઢબી રહ્યું હોવાની આશંકા વચ્ચે ક્રૂડ ઓઇલના રોકાણકારોનું ધ્યાન આ ઘટના તરફ આકર્ષિત થયું છે. બીજા નંબરના આ સૂયાથી મોટા અર્થતંત્રમાં બીજા અર્ધ વાર્ષિકગાળામાં માંગ વધુ ઘટવાના સંયોગો છે. ચીનએ તાજેતરમાં વ્યાજદર ઘટાડ્યા તે બજારની અપેક્ષા કરતાં ઓછા છે. પણ અમેરિકન ડોલર નબળો પડ્યો હોઇ ક્રૂડ ઓઇલના ભાવ બહુ બધા ઘટતા અટક્યાં છે. આ દરમિયાન શુક્રવારે યોજાનાર જેક્શન હૉલ કોન્ફરન્સમાં અમેરિકન અર્થતંત્ર અને નાણાનીતિ વિષે નબળા સંકેત મળશે, તો ભાવ દબાણમાં આવશે.
અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના ડેટા કહે છે કે ૧૮ ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહમાં યુએસ ક્રૂડ ઓઇલ ઉત્પાદન ૧૨૮ લાખ બેરલની ઊંચાઈએ પહોંચી ગયું હતું. જે કોવિદ પહેલાના ૨૦૨૦ના આરંભે ૧૩૧ લાખ બેરલની નજીક પહોંચી ગયું છે. પરિણામે ભાવ સતત ચાર ટ્રેડિંગ સત્રમાં ઘટીને એક મહિનાના તળિયે પહોંચી ગયા હતા. શુક્રવારે એક તબક્કે ૮૧.૯૪ ડોલર સુધી ભાવ ઘટયા બાદ ૮૩.૬૬ ડોલર મુકાયા હતા. ડબલ્યુટીઆઇ ૭૯.૩૫ ડોલર મુકાયા હતા.
ઘણી વખત એવું બને કે અમેરિકાના સ્થાનિક ફંડામેનટલ્સને અવગણ્યા હોય અને રોકાણકારો નાના લોટમાં વેચાણ કરી જાય. ફંડામેનટલ્સ તેજીવાળાની હકારાત્મક ભૂમિકામાં હોય, જેઓ ૨૦૨૩ના બીજા છમાસિકમાં પુરવઠા આછતની ધારણા રાખતા હોય, ત્યારે તેઓ ધીમી ગતી ખરીદી પણ કરતાં હોય છે. આઈઇએ દ્વારા જૂનમાં જાગતિક ક્રૂડ ઓઇલ દૈનિક માંગ ૧૦૩૦ લાખ બેરલ ગણતરીમાં લેવાઈ હતી. ઓગસ્ટમાં તે નવો વિક્રમ સ્થાપે તો નવાઈ નહીં.
વિશ્વના સૌથી મોટા ઉત્પાદક જૂથ ઓપેક એ કહ્યું છે કે તાજેતરમાં ઉત્પાદન કાપનો જે નિર્ણય લેવાયો છે તે, સપ્ટેમ્બર એન્ડ સુધી જળવાઈ રહેશે. જે આગામી દિવસોમાં દૈનીક ૭૦૦ લાખ બેરલ પુરવઠો બજારમાં ઉતારશે. ક્રૂડના ભાવ સતત ૭માં સપ્તાહ સુધી વધતાં રહ્યા હતા. બજાર માટે ચિંતાનો વિષય હવે ચીનનું નબળું પડતું અર્થતંત્ર છે.
આમ જોવા જઇ તો ચીન એ માંગનું મુખ્ય એન્જિન છે, જુનથી અત્યાર સુધીમાં ભાવ ૨૦ ટકા વધ્યા છે. અમેરિકાથી નિકાસ વૃધ્ધિએ પણ વૈશ્વિક ભાવને ઉપર જવામાં મદદ કરી છે. ચાઈના સેન્ટ્રલ બેન્કે એક વર્ષ માટેની લોનના વ્યાજદર ૦.૧૦ ટકા ઘટાડીને ૩.૪૫ ટકા કર્યા છે, પાંચ વર્ષના એલપીઆર જે મોર્ગેજના ખર્ચનું નિર્ધારણ કરે છે, તેને ૪.૨૦ ટકા પર રખાયા છે. ચીનને ડિફલેશનરી વલણમાંથી મુક્ત કરાવવા અને વિકાસને ટેકો આપવા સેન્ટ્રલ બેન્ક વધુ પગલાં લે તેવી શક્યતા છે. રોકાણકારો હવે લક્ષ્યાંકિત સેકટરો ટેકો આપવા માંગે છે, પણ એનાલિસ્ટો કહે છે કે ચીન હવે એકલા રિયલ એસ્ટેટ પર નિર્ભર રહેવા નથી માંગતુ.
બજારની આગાહી હતી કે ચીન પ્રત્યેક તબક્કે ચીન ૦.૧૫ ટકા વ્યાજ ઘટાડશે, અને એમ કરીને નાણાનીતિને ધીમે ધીમે હળવી કરશે. જૂનમાં એકસોન મોબિલના ચીફ એક્ઝિક્યુટિવે કહ્યું હતું કે અમે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમેરિકામાં શેલ હોલ્ડિંગ વધારીને આગામી પાંચ વર્ષમાં ઉત્પાદન બમણું કરવાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








