નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓનો ત્રાસ વધી ગયો છે, અવાર-નવાર અનેક ખનીજોનું ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. જેના પર નિયંત્રણ લાવવા માટે હવે ખનીજ વિભાગ દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ખનીજ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં હવે જે વાહનો ખનીજનું વાહન કરે છે તે વાહનો પર GPS ટ્રેકર લગાવવામાં આવશે અને આગામી 30 સપ્ટેમ્બર 2023 પછી ઓનલાઈન પોર્ટલ પર નોંધણી ન કરાવનારા વાહનો અમાન્ય ગણાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખનીજ મગફિયાઓનો ત્રાસ વધી જતાં ખનીજ વિભાગે આ નિર્ણય કર્યો છે. ગત 28 જુલાઇના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર ડૉ. ધવલ પટેલે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ખનીજનું વહન કરતાં વાહનોને હવે ફરજિયાત GPS ટ્રેકર લગાવવાના રહેશે અને આગામી 30મી સપ્ટેમબરથી VTMS પોર્ટલ પર ફરજિયાત નોંધણી કરવવાની રહશે, જો નોંધણી નહીં કરવામાં આવે તો તે વાહન ખનીજનું વહન કરવા માટે ગેરકાયદેસર ગણાશે.
આ પ્રકારે સૌ પ્રથમ શરૂઆત સુરતમાં કરવામાં આવી હતી. ત્યાર બાદ વહન અને સંગ્રહ નિમયન માટે ધી માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ-1957ને વધુ કડક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સપ્ટેમ્બર મહિનાથી આ નિયમો લાગુ કરવામાં આવશે, જેથી ખનન માફિયા પર અંકુશ લાવી શકાય.








