નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આગામી 4 ઓગસ્ટના રોજ કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી પર થયેલા માનહાનિના કેસ મામલે મહત્ત્વની સુનાવણી થવાની છે. જેમાં સુપ્રિમકોર્ટ દ્વારા 4 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીની સજા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. એવામાં રાહુલ ગાંધીએ સુપ્રિમકોર્ટમાં સોંગદનામું રજૂ કરવાના સમયે ફરી એકવાર ‘હુંકાર’ કર્યો છે. જેમાં તેમણે ‘માફી નહીં માગુ’ તેવી સ્પષ્ટતા કરી છે. સૂરતની મેટ્રોકોર્ટથી શરૂ થયેલી માનહાનિ કેસની લડાઈ હવે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી છે. જેમાં મહત્ત્વની સુનાવણી 4 ઓગસ્ટે થવાની છે. જેને લઈને કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરો સુપ્રિમકોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટે દ્વારા યથાવત્ રાખવામાં આવેલી સજા ઉપર રોક લગાવવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ આજે સુપ્રિમ કોર્ટમાં એક સોગંદનામુ રજૂ કર્યું છે. આ સોગંદનામામાં ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું છે કે, “મેં માફી માગવા જેવું કોઈ કૃત્ય નથી કર્યું એટલે માફી માગવાનો કોઈ સવાલ જ નથી એટલે હું માફી નહીં માગુ. માફી ન માગવા પર મને ‘અહંકારી’ કહેવામાં આવ્યો છે.” તેમને ‘અંહકારી’ કહેવામાં આવ્યા એની સામે પણ તેમણે સોંગદનામામાં નારાજગી વ્યક્ત કરી છે.
2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ “બધા મોદી જ ચોર કેમ હોય છે?” તે પ્રકારે ‘મોદી’ સરનેમ પર ટિપ્પણી કરી હતી. જેનાં પગલે જે તે સમયે રાહુલ ગાંધીના આ નિવેદનથી મોદી સમાજની લગાણી દુભાઈ હોવાની ફરિયાદ રાજ્યના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા સૂરત મેટ્રો કોર્ટેમાં કરવામાં આવી હતી. કલમ 499 અને 500 અંતર્ગત માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. એ મામલો 3 વર્ષ સુધી કોર્ટમાં ચાલ્યો અને સૂરત મેટ્રોકોર્ટ દ્વારા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા તથા બે વર્ષની સજા અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો.
રાહુલ ગાંધીને સજા થતાં તેમને સાસંદનાં સભ્યપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ સુરત મેટ્રો કોર્ટના ચુકાદને રાહુલ ગાંધીએ સૂરત સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યાં તેમની સજા યથાવત્ રહેતાં રાહુલ ગાંધીએ આ મામલે ગુજરાત હાઇકોર્ટ પાસે દાદ માગી હતી. જોકે હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીને કોઈ રાહત ન આપતાં હવે સમ્રગ મામલો સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં આગામી મહત્ત્વનો ચુકાદો 4 ઓગસ્ટે આવવાનો છે.








