નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કેન્દ્રની અને ગુજરાતની ભાજપ સરકાર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ના નારા આપીને મહિલા સશક્તિકરણની વાતો તો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં જોઈએ તો રોજબરોજ મહિલા સંબંધિત અપરાધો જેવા કે બળાત્કાર, છેડતી, અપહરણ સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ મણિપુરમાંથી એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી રહી હતી. મણિપુરના ભાજપના મુખ્યમંત્રીનું કહેવું છે કે, આ એક નહીં પણ આવી અનેક ઘટનાઓ મણિપુરમાં બની છે. આ ઘટનામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) વચ્ચે પડીને કહેવું પડ્યું છે કે, મહિલાઓની સુરક્ષા અત્યંત ગંભીર મુદ્દો છે. ત્યારે લોકસભાના હાલના સત્રમાં મહિલાઓ ગુમ (Woman Missing Case) થવાને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે, મહિલાઓ ગુમ થવાના કિસ્સામાં ગુજરાત (Gujarat) ટોપ 10માં આવે છે.
મહિલાઓના પ્રશ્નને લઈને ગુજરાત કોંગ્રેસનાં મહિલા પ્રમુખ જેનીબેન ઠૂમ્મર, ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા હિરેન બેંકર અને પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, “ગુજરાતમાં અને દેશમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ ગુમ થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહિલાઓ સાથે બળાત્કાર, છેડતી, અપહરણ અને ઘરેલુ હિંસાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત અને કેન્દ્ર સરકાર માત્ર મહિલા સશક્તિકરણની વાતો જ કરે છે. હાલમાં લોકસભાના સત્ર દરમિયાન જે આંકડા બહાર આવ્યા છે તે ખૂબ ચોંકાવનારા છે.”
પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, “સરકારની મહિલા સશક્તિકરણની વાતો બધી જ પોકળ છે, ગુજરાતમાં પ્રતિદિન 18 વર્ષથી નીચેની ઉંમરની 4 બાળકીઓ ગુમ થાય છે અને 5 બળાત્કાર થાય છે. લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ ગુજરાતમાં પાંચ વર્ષમાં 18 વર્ષથી નીચેની 7430 બાળકીઓ ગુમ થઈ છે. જો વર્ષવાર આંકડા જોઈએ તો વર્ષ 2021માં 1474, વર્ષ 2020માં 1345, વર્ષ 2019માં 1403, વર્ષ 2018માં 1680 અને વર્ષ 2017માં 1528 બાળકીઓ ગુમ થવાની ધટના સરકારી ચોપડે નોંધાઈ છે. ગુજરાત વિધાનસભાના 10 માર્ચ 2022માં રજુ કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 2 વર્ષ માં 3796 બળાત્કાર થયા છે, તેમ જણાવવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ બે વર્ષમાં 729 દુષ્કર્મની ઘટના અને 16 સામુહિક દુષ્કર્મની ઘટના, સુરતમાં 508 દુષ્કર્મ અને 5 સામુહિક બળાત્કાર, વડોદરામાં 183 દુષ્કર્મ અને 4 સામુહિક દુષ્કર્મ, રાજકોટમાં 145 દુષ્કર્મ અને 7 સામુહિક બળાત્કારના ધટના સામે આવી છે. જે સરકારે વિધાનસભાના પટલ પર જણાવ્યું હતું. જ્યારે લોકસભામાં 5 વર્ષના રજુ કરાયેલા આંકડામાં 2633 બળાત્કારનો આંક આપવામાં આવ્યો છે, આમ વિધાનસભામાં આપેલ બે વર્ષના દુષ્કર્મના 3796 આંકડા અને લોકસભામાં આપેલા પાંચ વર્ષના દુષ્કર્મના 2633 આંકડા વિરોધાભાસી છે.”
જ્યારે જેનિબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, “7મી ઓગસ્ટથી 13મી ઓગસ્ટ સરકાર મહિલા સશક્તિકરણ સપ્તાહ ઉજવવા જઈ રહી છે, ત્યારે સરકારે મહિલા સંબંધિત અપરાધો જે વધી રહ્યા છે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કેન્દ્રના ગૃહ મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 3 વર્ષમાં 13 લાખથી વધુ મહિલાઓ ગુમ થઇ છે. ગુજરાતમાં 18 વર્ષથી ઉપર 41 હાજરથી વધુ મહિલાઓ ગુમ થઇ છે.”








