Monday, April 20, 2026
HomeJivati Vartaતું મારી આદત બની ગઈ છે - પ્રશાંત દયાળ

તું મારી આદત બની ગઈ છે – પ્રશાંત દયાળ

- Advertisement -

પ્રશાંત દયાળ : હું ઘરની ડોરબેલ વગાડું અને મારી પત્ની શીવાની દરવાજો ખોલી તરત ઊંધી ફરી ચાલવા લાગે, એટલે મારે સમજી જવાનું કે ઘરનું તાપમાન અમદાવાદના તાપમાન કરતા પાંચ ડીગ્રી ઊંચુ જઈ રહ્યું છે. આ સ્થિતિમાં તેનાં મોંઢે તાપમાન ઊંચું જવાનાં કારણો એક-બે વખત પુછવાનો પ્રયત્ન કરવાનો. આમ તો મને ખબર જ હોય છે કે કયાં કારણોસર ગ્લોબલ વોર્મિંગની અસર થઈ છે; છતાં પચાસ વર્ષની ઉમંરે ભોળા થવાની પણ મઝા હોય છે.

સામાન્ય રીતે આ સ્થિતિમાં તેને કંઈ પણ પુછો એટલે જવાબ જ ના આપે. કયારેક કહી દે, કેમ ઘરે આવ્યા?… ભાઈબંધોએ જમાડયા નહીં… મને ફોન કર્યો હતો તો આકાશ(દીકરો) સાથે ટીફીન મોકલાવી દેતી… કોઈ પુછે કે તારી પાસે અઢળક માત્રામાં શું છે તું હું ઉંઘમાંથી જાગીને પણ તરત કહી શકું કે મિત્રો છે. ખુબ જ મિત્રો… અને તે પણ કારણ વગર પ્રેમ કરનારા. એટલે સ્વભાવિક છે કે સવારથી સાંજ સુધી મારો લોક અને મિત્રસંપર્ક અન્ય કરતા લાંબો ચાલે છે. શીવાનીની મારી સામેની અનેક ફરિયાદોમાં એક ફરિયાદ એવી છે કે મારે મિત્રો ખુબ જ છે. તે મુડમાં હોય ત્યારે કહે કે તમે ગોળનો ગાંગડો છો અને પેલા મકોડાંની જેમ તમને ચોંટી રહે છે.

- Advertisement -

આમ છતાં મારા જે મિત્રો મને છોડતા નથી, તે અચાનક ઘરે આવી ચઢે તો શીવાની એક સારાં એકટરની જેમ પોતાનાં ચહેરા ઉપર તેમના તરફ કોઈ પણ પ્રકારનો ગુસ્સો દર્શાવ્યા વગર ચ્હા લઈ હાજર થઈ જાય છે. મારા લગ્નને 25 વર્ષ થયા, તે દરમિયાન તેની નાદુરસ્ત તબિયતનો ગાળો લાંબો ચાલ્યો. સતત દવાઓ અને સારવારને કારણે તે થાકી પણ જાય છે. તે થાકી જાય ત્યારે કહે હજી મારાં બાળકો નાનાં છે, તેના માટે તો મારે જીવવું પડશે તેવું કહ્યા કરે. અનેક વખત અમારી વચ્ચે કોઈ પણ કારણ વગર એવી ચર્ચા નીકળે કે આપણા બન્નેમાંથી કોણ પહેલું જશે. ત્યારે તે તરત કહે મારે જ પહેલાં જવું છે. તમારા વગર મને કંઈ જ ખબર પડતી નથી.

25 વર્ષ પહેલાં શીવાની લગ્ન કરી ભરૂચથી અમદાવાદ આવી ત્યારે તેના ચહેરા ઉપર કોઈક અજાણી જગ્યા ઉપર આવી ગયાનો ડર મેં જોયો હતો. તે આજે પણ ઘરની બહાર નીકળે ત્યારે હું તેના ચહેરા ઉપર જોઉં છું. તે લગ્ન પહેલાં તેના પિતા પોલીસમાં હોવાને કારણે પોલીસલાઈનમાં રહેતી હતી. અમદાવાદ આવી તે પહેલાં તે ક્યારેય રેસ્ટોરન્ટમાં ગઈ ન્હોતી. તે ત્યારે જેટલી સરળ હતી એટલી જ આજે પણ છે. તેનામાં ખાસ કોઈ ફેર પડયો નથી. આજે પણ તે કહે છે કે મોટી હોટલોમાં અને મોટાં લોકો વચ્ચે જતાં મને ડર લાગે છે. તેને હું કહું કે બેન્કમાં જઈ આવીશ, તો તરત કહે ‘ના’ મને બહુ બીક લાગે. મને નહીં ફાવે. મારી દીકરી કહે કે મમ્મી તું મને સ્કુટર ઉપર સ્કુલે લેવા આવીશ તો કહે ના ટ્રાફિકની મને બીક લાગે. તેને તેનાં બે સંતાનો અને પતિ અને ઘરે ભૂમિ આવી તેના સિવાય કયાંય સુરક્ષાનો અહેસાસ થતો નથી. તેનું વિશ્વ એટલે ઘરની ચાર દિવાલો અને ચાર માણસો, અહિંયાથી દુનિયાની શરૂઆત થાય અને અહિંયા જ અંત આવે છે.

તે મને કહે છે માની લો કે તમે મારી પહેલા જશો તો મારૂં શુ થશે… મને કંઈ જ આવડતું નથી… તેને બાળકો મોટાં થાય ત્યાં સુધી તો રોકાવું છે. પણ મારે પહેલાં જવું છે તેવું તે કહ્યાં કરે છે. ખબર નથી કોની બાજીમાં કેટલાં પત્તા છે. સ્વભાવ અને દેખાવમાં રૂક્ષતા હોવા છતાં તે જવાની વાત કરે ત્યારે અંદરથી એક પ્રકારની ધ્રુજારી છુટી જાય છે. મિત્રો સાથે લાંબો સમય બેઠો હોવું અથવા રાતે મોડું થાય ત્યારે પણ મન તો સતત શીવાનીના વિચાર જ ચાલ્યા કરતા હોય છે. તે નારાજ થઈ હશે… ઘરે જઈશ એટલે ગુસ્સો કરશે… તેને સાચું લાગે તેવું કયું ખોટું બહાનું ઉભુ કરવાનું વગેરે…

- Advertisement -

પણ શીવાની નહીં હોય ત્યારે મારે ઘરે કેમ જવાનું તે વાત જ મને ડરાવી મુકે છે; કારણ બન્ને સંતાનો પોતાના રસ્તે જતા રહ્યા હશે. કોઈ ઘરે રાહ જોનારું નહીં હોય, કોઈ નારાજ પણ થશે નહીં. આજે કયારેક શીવાનીના ગુસ્સાનો મને ગુસ્સો આવે છે પણ તે મારી આદત બની ગઈ છે. પણ તેની ગેરહાજરીમાં પછી મારે કોઈને મનાવવા નહીં પડે તે વઘુ અકળાવનારી વાત થઈ જવાની છે. શીવાની મારી પહેલાં જશે તેનો ડર મને જેટલો લાગે છે એટલો જ હું પહેલો જઈશ અને તે એકલી પડી જશે તેનો ડર મને વધુ લાગે છે. મને ખબર છે મારા વગર તે જીવી તો જશે, પણ તેના જીવનમાં પ્રાણ નહીં હોય એટલે જ કયારેક એવું મનોમન બોલી જવાય છે જો પ્રાર્થના સાંભળે તો તેની સાંભળજે.

શીવાની આજે પણ ઉંઘમાં ઝબકી જાય છે, અને જ્યારે પણ ઝબકે ત્યારે મારો હાથ પકડી લે છે. પછી શીવાનીની યાદ હશે પણ મારો હાથ પકડનાર કોઈ નહીં હોય. મારા હાથ પકડવાથી તેનો ડર જતો રહે છે. પણ પછી તે મારો હાથ નહીં પકડે તેનો ડર મને આજે સતાવી રહ્યો છે; કારણ તે મારી આદત બની ગઈ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular