નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર વીજળીના દર નક્કી કરવા માટે ‘ટાઈમ ઓફ ડે’નો નિયમ અમલ કરવા જઈ રહી છે. જો આ નિયમ લાગુ થશે તો દિવસ અને રાત્રિના સમય દરમિયાન વીજળીના દરમાં ફેરફાર થઈ જશે. આ નિયમ અનુસાર દેશભરના લોકો સૌર કલાકોમાં એટલે કે દિવસ દરમિયાન વીજળીનો વપરાશ કરીને બિલમાં 20 ટકા સુધીની બચત કરી શકશે.
‘ટાઈમ ઓફ ડે’ના નિયમ નિયમ હેઠળ દિવસના જુદા-જુદા સમય માટે વીજળીના અલગ-અલગ દરો લાગુ થશે. તેના અમલીકરણ સાથે ગ્રાહકો પીક અવર્સ દરમિયાન કપડાં ધોવા, રસોઈ અને અન્ય પાવર-વપરાશના કાર્યોને ટાળી શકશે. નવા નિયમમાં ગ્રાહકો સામાન્ય કામકાજના કલાકો દરમિયાન આવા કામ કરીને તેમના વીજ બિલમાં ઘટાડો કરી શકશે. પાવર અને રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર આર. કે. સિંહે જણાવ્યું હતું કે, TOD સિસ્ટમથી ગ્રાહકો અને વીજળી પ્રદાતાઓને ચોક્કસપણે ફાયદો થશે.
ઉર્જા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, નવી સિસ્ટમ લાગુ કરવા માટે સરકારે વીજળી નિયમ-2020માં સુધારો કરીને વર્તમાન વીજળી ટેરિફ સિસ્ટમમાં બે ફેરફારો કર્યા છે. પ્રથમ ટાઈમ ઓફ ડે (TOD) ટેરિફ સિસ્ટમની શરૂઆત અનુ બીજુ સ્માર્ટ મીટરની જોગવાઈઓના તર્કસંગતકરણથી સંબંધિત છે.
સિસ્ટમ આવતા વર્ષથી લાગુ કરવામાં આવશે. TOD સિસ્ટમ 1 એપ્રિલ 2024થી 10 KW અને તેથી વધુની માંગ ધરાવતા વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે લાગુ થશે. આ નિયમ 1 એપ્રિલ 2025થી કૃષિ સિવાયના અન્ય તમામ ગ્રાહકો માટે લાગુ થશે. સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો માટે આ સિસ્ટમ ત્યારે જ લાગુ થશે જ્યારે તેઓ આવા મીટર લગાવશે. મંત્રાલયે કહ્યું કે, નવી સિસ્ટમ હેઠળ સૌર કલાકમાં વીજળીનો દર (રાજ્ય વિદ્યુત નિયમનકારી આયોગ દ્વારા નિર્ધારિત 8 કલાક) સામાન્ય દર કરતાં 10 થી 20 ટકા ઓછો હશે. જ્યારે પીક અવર્સ કરતાં વીજળી દર 10-20% વધુ હશે. TOD સિસ્ટમ હેઠળ પીક અવર્સ, સોલર અવર્સ અને સામાન્ય કલાકો માટે અલગ-અલગ દર હશે. ખાસ વાત એ છે કે ગ્રાહકોને તેમના વીજ લોડને દર પ્રમાણે મેનેજ કરવા માટે સિગ્નલ મળતા રહેશે.








