Wednesday, August 12, 2026
HomeNavajivan CornerLink In Bioશાળાઓની પ્રાર્થનાઓમાં રાજકારણ, સર્વધર્મ સમભાવની ઐસીતૈસી

શાળાઓની પ્રાર્થનાઓમાં રાજકારણ, સર્વધર્મ સમભાવની ઐસીતૈસી

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “માણસ બદ્ધ છે, અજ્ઞાન છે, કુવાસનાઓથી ઘેરાયેલો છે, પરિસ્થિતિથી જકડાયેલો છે તેથી તેની આત્મા દબાઈ ગઈ છે. વિકાસને માટે તેને અવકાશ નથી મળતો. આ બધા બંધનોમાંથી જે મુક્ત કરે તે જ સાચી કેળવણી. શરીરને રોગ અને દુર્બળતાથી મુક્ત કરે, હાથપગ વગેરે કર્મેન્દ્રિયોને જડતાથી મુક્ત કરે, મનને લાલચ, ભય અને ક્ષુદ્ર સ્વાર્થ જેવી કુવાસનાઓથી મુક્ત કરે, હૃદયને કઠોરતાથી તેમ જ ખોટી લાગણીથી મુક્ત કરે, આખા માણસને – મનુષ્યસમાજને પ્રાકૃતિક, સામાજિક, આર્થિક, રાજકીય, બૌદ્ધિક વગેરે સર્વ દાસ્યોમાંથી મુક્ત કરે, રસવૃત્તિને વિલાસમાંથી મુક્ત કરે, શક્તિને મદમાંથી મુક્ત કરે, આત્માને કૃપણતા કે અહંકારના પંજામાંથી મુક્ત કરે, તે જ વિદ્યા – તે જ ‘કેળવણી’” अज्ञानेनावृत्तं ज्ञानं तेन मुह्यन्ति जन्तव: એ વસ્તુસ્થિતિ છે. એમાંથી જે મુક્તિ આપે તે વિદ્યા. આપણા કેળવણીકાર કાકાસાહેબ કાલેલકરનું શિક્ષણ વિશેનો આ ખ્યાલ થોડા શબ્દોમાં અહીં મૂક્યો છે. પરંતુ આજે શિક્ષણ વ્યાખ્યા તેનાથી વિપરીત કરી દેવામાં આવી છે અને એટલે હવે પ્રાથમિક શાળાઓમાં ગવાતી પ્રાર્થનાઓમાં વાદવિવાદ થઈ રહ્યા છે.

Education Editorial News
Education Editorial News

પાંચ મહિના પહેલાં ઉત્તર પ્રદેશમાં બરેલીના જિલ્લાના એક સરકારી શાળામાં જ્યારે પ્રાર્થના સમયે મોહમ્મદ ઇકબાલનું ગીત ‘લબ પે આતી હૈ દુઆ’ ગવાયું હતું. આ ગીત પ્રાર્થનામાં ગવાયા પછી તેના વિડિયો ફરતા થયા અને એકાએક એક હિંદુ સંગઠને પોલીસને જાણ કરી. અંતે શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આશ્ચર્યની વાત એ છે કે જે ગીત ગવાતું હતું તેના લેખક મોહમ્મદ ઇકબાલે ‘સારે જહાં સે હિંદુસ્તાન હમારા’ પણ લખ્યું છે. ‘લબ પે આતી હૈ દુઆ’ માત્ર અહીંયા જ નહીં, બલકે દહેરાદુનના દૂન સ્કૂલમાં પણ પ્રાર્થના સમયે ગવાય છે. થોડા વખત પહેલાં અમેરિકન સરકાર દ્વારા સ્પોન્સર્ડ એક કાર્યક્રમમાં ગ્રેમી એવોર્ડમાં નોમિનેટ થનારા ગાયિકા ડેલા મેએ પણ આ ગીત ગાયું હતું.

- Advertisement -

આવી એક બીજી ઘટના કાનપુરના ફ્લોરેટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બની હતી. આ શાળામાં બધા જ ધર્મોની પ્રાર્થના થતી હતી, પરંતુ મુસ્લિમધર્મી પ્રાર્થના થઈ, ત્યારે તે અંગે હિંદુ સંગઠને વાંધો લીધો અને સીધા પોલીસ સ્ટેશનમાં તેની FIR કરવામાં આવી. ફ્લોરેટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર પર ‘યુપી પ્રોહિબિશન ઑફ અનલોફુલ કન્વર્ઝન ઑફ રિલિજિયન એક્ટ 2021’ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો. આમ બન્યા પછી શાળાના આચાર્યા શ્રદ્ધા શર્માએ તે વિશે નિવેદન પણ આપ્યું. તેમનું કહેવું હતું કે શાળાની સ્થાપના 2003માં થઈ અને ત્યારથી સર્વધર્મની પ્રાર્થના નિયમિત રીતે થાય છે. આવું પહેલીવાર નથી થયું, પરંતુ આ વખતે જ્યારે ઇસ્લામની પ્રાર્થના ગવાઈ ત્યારે કેટલાંક વાલીઓ હાજર હતા અને તેમણે શાળાના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ કરી દીધી.

Kiran Kapure Editorial News
Kiran Kapure Editorial News

બીજી બાજુ વિનાયક શાહ નામના વ્યક્તિએ કેન્દ્રિય વિદ્યાલયોમાં ગવાતી પ્રાર્થનામાં ‘અસતો મા સદ ગમય’ વિશે વાંધો લીધો છે. વિનાયક શાહની જાહેર હિતની અરજી કહે છે કે આ પ્રાર્થના માત્ર હિંદુ ધર્મીઓની છે, તેમાં ક્યાંય બિનસાંપ્રદાયિકતા આવતી નથી, એટલે આ પ્રાર્થનાને ગવાતી બંધ કરવી જોઈએ. પ્રાર્થનાને લઈને આવો જ વિરોધ જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો કરી રહ્યા છે. કાશ્મીરમાં કેટલીક શાળાઓમાં ‘રઘુપતિ રાઘવ રાજારામ’ એ પ્રાર્થના ગવાય છે. જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોનું માનવું છે કે આ પ્રાર્થના સાંપ્રદાયિક છે. આ બધી ઘટનાઓથી એક વાત નિશ્ચિત છે કે બાળકોના શિક્ષણમાં ધર્મનું ઝેર રેડાઈ રહ્યું છે. ખરેખર તો કોઈ અન્ય ધર્મની પણ જો સારી બાબત હોય તે આપણે સ્વીકારવી જોઈએ, તેમાંથી કંઈ સંસ્કૃતિ મૂળીયા નથી ઉખડી જવાના, બલકે સારી બાબત લેવાથી સંસ્કૃતિ મજબૂત જ થશે.

આ વિવાદિત મુદ્દાની ચર્ચા ‘લાઇવ લો’ નામની વેબસાઈટ પર વૈભવ પ્રતાપ અને હર્ષિતા ગુપ્તાએ કરી છે. હવે જ્યારે કાયદા દ્વારા એક રાજ્યમાં સર્વધર્મી પ્રાર્થનાને અટકાવવામાં આવે છે, તેનાં વિરોધ કરનારની વાત સાંભળવામાં આવે છે. જ્યારે બીજી તરફ હરિયાણા જેવા રાજ્યએ શાળામાં ‘ગાયત્રી મંત્ર’ ઉચ્ચારવાનું ફરજિયાત કરી દીધું છે. એ રીતે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે 6થી 12ના વિદ્યાર્થીઓ માટે ભગવતગીતાનું શિક્ષણ આપવાનું ઠરાવ્યું છે. હવે જ્યાં મોહમ્મદ ઇકબાલ સર્વધર્મ માટે એવું લખતા હોય કે ‘મઝહબ નહીં સિખાતા, આપસ મેં બૈર રખના’ તો પછી તે ગીતમાં કેમ વાંધો હોવો જોઈએ. શિક્ષણ બાબતે ઉદારતા નહીં હોય તો છેલ્લે તે આપણા શિક્ષણને જ સંકુચિત બનાવશે.

- Advertisement -

આ અંગે અમેરિકાનો ‘જેહોવા સાક્ષી’ નામની ધાર્મિક લઘુમતિનો કેસ જોઈ જવા જેવો છે. તેની ચર્ચા બે મહિના પહેલાં સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિન્ટન નરીમાને એક વક્તવ્યમાં કરી હતી. આ વક્તવ્ય અમદાવાદમાં અપાયું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, “રાજ્ય વ્યક્તિને કશુંક બોલવા માટે દબાણ કરી શકે નહીં. તેના સંદર્ભે ‘જેહોવા સાક્ષી’ કેસની ચર્ચા કરીએ. ‘જેહોવા સાક્ષી’ એ ધાર્મિક લઘુમતિ પ્રોટેસ્ટન્ટ જૂથ છે. તેમની એક દૃઢ માન્યતા છે કે ‘સંગઠિત ધર્મ’ એ એક ગંભીર ગુનો છે જે શૈતાનનું કામ છે, જે ધર્મને દૂર હડસેલવો જોઈએ. આ જૂથની માન્યતા એ પણ છે કે બાઈબલના મુજબ કોઈ કંડારેલી મૂર્તિ સામે નમન ન કરી શકાય. આ જૂથના સંદર્ભે 1940માં બહુ જાણીતો એવો ગોબાઇટીસ કેસ થયો, જેમાં ‘જેહોવા સાક્ષી’ પંથના બાળકોએ શાળામાં રાષ્ટ્રધ્વજને નમન કરવાનો ઇનકાર કર્યો. આ કેસમાં આઠ વિરુદ્ધ એક બહુમતિ ચુકાદાએ કહ્યું કે, ધ્વજ એ રાષ્ટ્રચિહ્ન છે અને દરેક વ્યક્તિએ ઊભા થઈને તેને સલામ ભરવી જોઈએ. જો તેઓ તેમ ન કરે તો રાષ્ટ્રવાદના નામે પણ આ વસ્તુ સહન ન કરી શકાય. આ ચુકાદામાં ન્યાયાધીશ સ્ટોન એક માત્ર ન્યાયાધીશ હતા, જેમણે વિરોધી નોંધ મૂકી.

આશ્ચર્યજનક રીતે આ પછીના ત્રણ વર્ષમાં જ ‘જેહોવા સાક્ષી’ જેવો બીજો કેસ આવ્યો, જેની હકિકતો આગલા કેસ જેવી હતી. આ કેસમાં છ વિરુદ્ધ ત્રણની બહુમતિથી આગળનો ચુકાદો ઊલટાવી દેવામાં આવ્યો. આ કેસ હતો વેસ્ટ વર્જિનિયા બોર્ડ વિરુદ્ધ બાર્નેટ્ટે આ ચુકાદામાં ન્યાયાધિશ જેક્સન બહુમતિ વતી બોલતા બે મહત્વની વાતો કરી હતી. આ બંને મુદ્દા આપણા ઘણાં ચુકાદાઓમાં ઉલ્લેખિત થયા છે. પ્રથમ મુદ્દો તેમણે મૂક્યો કે વાણી સ્વાતંત્ર્યનો હક ચૂંટણી અથવા ચૂંટણીના મત પર નિર્ભર કરતો નથી. એ અધિકારમાં બહુમતિ જનસમૂહ કે રાજકીય અધિકારીઓને દખલગીરી કરવાનો હક નથી. બીજો મુદ્દો તેમણે કહ્યો કે બંધારણમાં નિશ્ચિત જગ્યા ધરાવતો આ એવો મુદ્દો છે કે કોઈ પદે બેઠેલા અધિકારીઓ રાજકારણ, રાષ્ટ્રવાદ, ધર્મ અથવા અભિપ્રાયને લગતા બીજા વિષયોમાં શું રૂઢિમાન્ય છે તે ઠરાવી શકે નહીં. તેજસ્વી ન્યાયાધિશના મુખે કહેવાયેલો આ ઘણો મજબૂત ચુકાદો છે.”

આપણા દેશમાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ ધાર્મિક સૂચન કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. અનુચ્છેદ 28(1) આ અંતર્ગત આ વિગત આવે છે. પરંતુ તેમ થઈ રહ્યું નથી. જેમ કે ‘અલ્લાહ બુરાઈ સે બચાના મુઝકો’ એ કોઈ ધાર્મિક ગીત કરતાં, તેમાં ખરાબ બાબતોથી સુરક્ષા આપવાનો અર્થ વધુ પ્રતિત થાય છે અને આ બાબતે રાજેશ વિરુદ્ધ કેન્દ્રનો એક કેસ છે, જેમાં સર્વના હિત માટે કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે પ્રાર્થના થતી હોય ત્યારે તેને સાંપ્રદાયિકના ખાનામાં નાંખી ન શકાય. બલકે તેને નૈતિક મૂલ્યના શિક્ષણ તરીકે લેવી જોઈએ.

- Advertisement -

એસ. આર. બોનાઈ વિરુદ્ધ કેન્દ્રના કેસમાં બિનસાંપ્રદાયિકતાને ભારતીય બંધારણના મૂળ માળખામાં સ્થાન આપ્યું હતું અને તેથી જ પશ્ચિમના બિનસાંપ્રદાયિકતા કરતાં આપણા દેશની બિનસાંપ્રદાયિકતા વેગળી છે. પશ્ચિમમાં ધર્મ અને રાજ્ય બિલકુલ અલગ છે. આ ઉપરાંત રાજ્ય ક્યારેય કોઈ ધાર્મિક સ્થાન માટે ભંડોળ ન આપે. રાજ્ય માટે સર્વધર્મ સમાન છે. વર્તમાન અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ધર્મ અને રાજ્યની ચર્ચા લાંબી થઈ શકે, પણ અહીં મૂળ કહેવાનો અર્થ છે કે આજે આપણે વૈશ્વિક નાગરિક બનવા તરફ જઈ રહ્યા છે, ત્યારે આ શાળાની પ્રાર્થનાનો સંકુચતિ અર્થ દેશના ભવિષ્યને જાગ્રત નાગરીક પણ નહીં બનવા દે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular