Wednesday, July 8, 2026
HomeGujaratગતિશીલ ગુજરાતમાં દલિતો સાથે અન્યાયમાં થયો વધારો, સરકારી જવાબમાં થયો ખુલાસો

ગતિશીલ ગુજરાતમાં દલિતો સાથે અન્યાયમાં થયો વધારો, સરકારી જવાબમાં થયો ખુલાસો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આપણો દેશ વર્ષ 1947માં આઝાદ તો થઈ ગયો હતો, પરંતુ સંકુચિત માનસિકતાથી હજુ આપણાં દેશના લોકો આઝાદ થયા નથી. ગુજરાતમાં (Gujarat) આજે પણ દલિતો (Dalit) પર થતાં અત્યાચારની (Atrocity) ઘટનાઓ અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે સામાજિક કાર્યકર્તા અને દલિત નેતા કાંતિલાલ પરમારે ગુજરાત સરકાર દ્વારા દલિતો સામે થતાં અત્યાચાર સામે શું કાર્યવાહી કરી છે તે અંગેની એક જાણકારી માગવામાં આવી હતી. જેના અનુસંધાને સમાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જે જવાબ આપવામાં આવ્યા છે, તેમાં ચોંકાવનારી માહિતીઓ સામે આવે છે.

કાંતિલાલ પરમારે જે જાણકારી મીડિયાને આપી છે તે મુજબ, ‘1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં દલિતો પર કુલ 5588 અત્યાચારની ઘટનાઓ ગુજરાતના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં ગુજરાતમાં કુલ 123 હત્યાઓ થઇ છે, સૌથી વધારે 28 હત્યાઓ અમદાવાદમાં થઈ છે, બીજા ક્રમે રાજકોટ જિલ્લો છે જ્યાં 21 અને ત્રીજા ક્રમે સુરત જિલ્લો છે જ્યાં 15 હત્યાઓની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. જ્યારે વડોદરા જિલ્લામાં 07 હત્યાની ઘટનાઓ નોંધાઇ છે.’

- Advertisement -
Dalit Atrocity in gujarat
Dalit Atrocity in gujarat

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ચાર વર્ષમાં દલિતો સાથે થયેલ ગંભીર ઇજાની 333 અને દુષ્કર્મની 480 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. જે અત્યાચારના પોલીસમાં નોંધાયેલા બનાવોમા પ્રથમ નંબરે અમદાવાદ જિલ્લામાં 55 ગંભીર ઇજા અને દુષ્કર્મની 91 ઘટનાઓ નોંધાઈ છે. બીજા નંબરે રાજકોટ જિલ્લામાં 40 ગંભીર ઇજા અને 57 દુષ્કર્મની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાયેલી છે. ત્રીજા નંબરે સુરતમાં 11 ગંભીર ઇજા અને 25 દુષ્કર્મની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાયેલ છે. વડોદરા જિલ્લામાં 07 ગંભીર ઇજા અને દુષ્કર્મની 40 ઘટનાઓ પોલીસ દફતરે નોંધાયેલ છે.’

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના જવાબ મુજબ, ‘ગુજરાતમાં સૌથી વધારે ચાર વર્ષમાં દલિતો પર થયેલા અત્યાચારની ઘટનાઓમાં પ્રથમ ક્રમે કચ્છ જિલ્લો આવે છે, જ્યાં 515 બનાવો પોલીસમાં નોંધાયેલ છે. બીજા ક્રમે બનાસકાંઠા જિલ્લો આવે છે જ્યાં અત્યાચારની 322 ઘટનાઓ નોંધવામાં આવી છે, ત્રીજા ક્રમે ભાવનગર જિલ્લો આવે છે જ્યાં 310 બનાવો નોંધાયેલા છે, ચોથા ક્રમે જૂનાગઢ જિલ્લો આવે છે જ્યાં ચાર વર્ષમાં અત્યાચારની 276 ઘટનાઓ નોધાયેલી છે.’

ગુજરાતમાં અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલા ગુનાઓમાં તેની સાથે IPCની કલમો હેઠળ નોંધાયેલા કુલ ગુનાઓ 4627 છે, જેમાં વર્ષ 2019માં 1268, 2020માં 1128, 2021માં 1083 અને 2022માં 1148ગુનાઓ નોંધાયેલ છે. છેલ્લા ચાર વર્ષમાં દેશમાંથી આભડછેટ નાબુદી માટે 1955માં ઘડાયેલા અને અમલમાં રહેલા PCR Act 1955(નાગરિક હક્ક સરંક્ષણ અધિનિયમ-155) હેઠળ ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં આભડછેટનું ચલણ હોવા છતાં પણ પોરબંદરમા 01, ગાંધીનગરમાં 01, રાજકોટ જિલ્લામાં એક અને બનાસકાંઠા જિલ્લામાં ચાર બનાવો સહીત કુલ સાત જ કેસ દેખાડા પૂરતો દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

ગુજરાતમાં એટ્રોસિટી એક્ટના કડક અમલીકરણ માટે કાયદાના અમલીકરણની સમીક્ષા કરવા ગુજરાત સરકાર તકેદારી અને મોનીટરીંગ સમિતિની ગુજરાતના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને 25 સભ્યોની હાઇલેવલ કમિટીની છેલ્લા ચાર વર્ષમાં કુલ આઠ મિટિંગ મળવી જોઈએ પણ ફક્ત ત્રણ જ મિટિંગ બોલાવવામાં આવી છે. જે રાજ્ય સરકારની દલિતો પ્રત્યેની અસંવેદનશીલતા પ્રદર્શિત કરે છે. નવી ચૂટાયેલી સરકાર દ્વારા હજુ સુધી રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની રચના જ કરવામાં આવી નથી, જે ખુબ જ ગંભીર બાબત કહેવાય કે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જ કાયદાનું પાલન કરવામાં આવતું નથી. જેથી અનુસૂચિત જાતિ અને જન જાતિના નબળા વર્ગના લોકોની સુરક્ષા માટે ઘડાયેલ એટ્રોસિટી એક્ટના કાયદાને મજાક બનાવી દીધો હોય તેવો ઘાટ ઘડાયો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular