Monday, June 1, 2026
HomeGeneralગરમીથી બચવા અમદાવાદનો હિટ એક્શન પ્લાન કેમ 23 રાજ્યોએ લાગુ કર્યો છે…

ગરમીથી બચવા અમદાવાદનો હિટ એક્શન પ્લાન કેમ 23 રાજ્યોએ લાગુ કર્યો છે…

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): હજુય આકરો ઉનાળો આવવાનો છે. આપણા રાજ્યની ગણતરી ગરમ પ્રદેશમાં થાય છે અને કેટલાંક શહેરોનું તાપમાન ઉનાળા દરમિયાન 46 અને 47 ડિગ્રી સેલ્સિઅસ સુધી પહોંચે છે. ભારતના હવામાન વિભાગ (India Meteorological Department) અને જાણીતાં જર્નલ લાન્સેટ દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે કે ભારતમાં આ વર્ષે વધુ ગરમી પડવાની છે. ગત મહિને જ મહારાષ્ટ્રમાં (Maharashtra) એક સરકારી કાર્યક્રમમાં ગરમીના કારણે 14 લોકોના મોત થયા હતા. ગરમીના પ્રકોપથી સુરક્ષિત રહેવા માટે અમદાવાદ કોર્પોરેશન (AMC) દ્વારા 2013માં ‘હિટ એક્શન પ્લાન’ (Heat Action Plan) તૈયાર કર્યો હતો. એવું કહેવાય છે કે આ પ્લાન જ્યારથી લાગુ કરવામાં આવ્યો ત્યારથી શહેરમાં દર વર્ષે બારસો જેટલાં લોકોનો જીવ બચાવી શકાયા છે! 2013માં અમદાવાદમાં (Ahmedabad) પહેલીવહેલી વાર ‘હિટ એક્શન પ્લાન’ અમલી બન્યા પછી દેશમાં આજે 23 રાજ્યોના સૌથી વધુ શહેરોમાં તેને લાગુ કરવામાં આવ્યો છે.

Heat Action Plan AMC Ahmedabad
હિટ એક્શન પ્લાન, અમદાવાદ કોર્પોરેશન

આપણા દેશમાં આકરો તાપ પડવો તે કોઈ નવી વાત નથી. આ વાત એટલી પ્રચલિત છે કે; અમેરિકાના જાણીતા લેખક કિમ સ્ટેનલી રોબિસન્સને તેમની બેસ્ટ સેલિંગ નવલકથા ‘ધ મિનિસ્ટ્રી ફોર ધ ફ્યૂચર’માં એવી વાત મૂકી છે કે, ભારતમાં હિટવેવથી બે કરોડ લોકોના મૃત્યુ થાય છે. આ કલ્પના સાચી ન જ પડે એવું આપણે ઇચ્છીએ. પરંતુ દુનિયાભરના હવામાનના જાણકાર ગરમી બાબતે ભારત સહિત અનેક દેશોને ચેતવણી આપી રહ્યા છે. જેમ કે, લંડનના ગ્રેથમ ઇન્સ્ટિટ્યૂટના ક્લાઇમેટ સાયન્સના લેક્ચરર ડો. ફ્રેડરિક ઓટ્ટોનું માનવું છે કે, “ભારત વધુને વધુ ગરમ થતું જશે અને અહીંયા જે રીતે બળતણનો ઉપયોગ થાય છે તે રીતે તો તે વધુ જોખમી છે.” બીજું આપણે ત્યાં માત્ર દિવસનું તાપમાન વધશે તેવી આગાહી નથી બલકે રાતનું તાપમાન પણ વધી રહ્યું છે અને જે રફ્તારથી આપણે જંગલોના નાશ અને આડેધડ વિકાસમાં આગળ વધી રહ્યા છે, તે પરથી ઉનાળો ખૂબ ઝડપથી આકરો થવાનો છે. હિટવેવ વહેલાં આવશે અને લાંબા સમય સુધી તેની વાતાવરણમાં અસર રહેશે. ગત્ સદીમાં ભારતનું સરેરાશ તાપમાન 0.7 ડિગ્રી જેટલું વધ્યું છે અને તે આપણા માટે જોખમી નિશાની છે.

- Advertisement -

ગરમી સતત વધી રહી છે અને હવે મીડિયાના કારણે તે પ્રત્યેની જાગ્રતતા પણ વધી છે અને તે કારણે મૃત્યુઆંક પણ ઘટ્યો છે, બાકી તો 1995થી 2015 સુધીમાં ભારતમાં ગરમીથી થયેલાં મૃત્યુનો આંક 22,000 હજાર સુધી પહોંચ્યો હતો. આ સરકારી આંકડો છે, નિષ્ણાતોના મતે સાચો આંક ઓર વધુ હોઈ શકે અને આ વિશે ગુજરાત સ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ’ના ડિરેક્ટર દિલીપ માલગાંવકર કહે છે કે, હજુ પણ દેશમાં ગરમી વિશેની સાચી સમજણ નથી કેળવાઈ અને તેનાથી થતાં મૃત્યુ વિશે પણ જાગ્રતતા નથી. તેમનું માનવું છે કે આપણે ગરમીથી થતાં મૃત્યુનાં ડેટા યોગ્ય રીતે સાચવ્યો નથી.

ડેટા અને સાવચેતીથી ગરમીના નુકસાનને ન્યૂનતમ કરી શકાય છે, તેવું અમદાવાદ શહેરમાં લાગુ થયેલા પ્લાનથી સાબિત થઈ ચૂક્યું છે. 2013માં અમદાવાદમાં લાગુ થયેલા હિટ એક્શન પ્લાનમાં કેટલીક ખૂબ સરળ સૂચનો હતા. જેમ કે બપોરના સમયે જ્યારે સૂરજ તપતો હોય ત્યારે ઘરમાં રહેવું, ઘરની બહાર નીકળતા પહેલાં ખૂબ પાણી પીવું અને જો કોઈને લૂ લાગે તો તુરંત તે વ્યક્તિને હોસ્પિટલ લઈ જવો. અને આ રીતે પાંચ જ વર્ષમાં અમદાવાદમાં તેના પરિણામ મળવા લાગ્યા અને મૃત્યુઆંક ઘટવા લાગ્યો. જોકે જ્યારે આ એક્શન પ્લાન અન્યત્ર અમલ કરવાની વાત આવી તો તે એટલો અસરકારક ન રહ્યો. આ વિશેનો અભ્યાસ ‘સેન્ટર ફોર પોલીસી રિસર્ચ’ દ્વારા થયો છે. આ અભ્યાસમાં 9 શહેરો, 13 જિલ્લા અને 15 રાજ્યોને સમાવિષ્ટ કર્યા હતા. આ રિસર્ચમાં જે વિગત પ્રકાશમાં આવી તેમાં હિટ એક્શન પ્લાન અસરકાર ન રહ્યાના કારણો છે. જેમ કે, હિટ એક્શન પ્લાનને સ્થાનિક વાતાવરણ મુજબ ઢાળવામાં ન આવ્યો, પ્રભાવિત વર્ગ જેમાં મહદંશે ગરીબો છે તેમની પૂરતી માહિતીનો અભાવ, અપૂરતું ભંડોળ, કાયદાકીય રીતે નબળું આયોજન અને પારદર્શિતાના અભાવ જેવાં અનેક કારણો છે. આ રિસર્ચમાં હિટ એક્શન પ્લાનની સૌથી મોટી ખામી દર્શાવામાં આવી તે ગરમીથી પ્રભાવિત થનારાં લોકો પ્રત્યેની અવગણના છે.

હિટ એક્શન પ્લાનને યોગ્ય રીતે અમલી બનાવવામાં આવે તો તેમાં અમદાવાદ શહેર જેવા પરિણામ મળી શકે છે. આ પૂરા એક્શન પ્લાનમાં ડૉ. દિલીપ માલંવકર દિર્ઘદૃષ્ટિ રહી છે અને તેમણે આ પ્લાન વિશે રેડિફ. કોમને કેટલાંક પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. તેમણે હિટ એક્શન પ્લાન વિશે માહિતી આપતાં કહ્યું છે કે, અમે દેશનો પ્રથમ હિટ એક્શન પ્લાન 2013માં અમદાવાદમાં તૈયાર કર્યો. તેમાં મુખ્ય પાંચ બાબતો છે. તેમાં સૌપ્રથમ અમે તાપમાનની આગાહી કરવાનો ઉદ્દેશ્ય રાખ્યો. એટલે કે જ્યારે પણ હિટવેવની શક્યતા જણાતી હોય ત્યારે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર થાય. બીજું કે લોકોની હિટવેવ પ્રત્યેની જાગ્રતતા વધારવી, ત્રીજું હિટવેવથી અસર પામનારા લોકોને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવા બાબતનું આયોજન, ઉપરાંત કુલિંગ સેન્ટર્સ મૂકવા અને ગાર્ડન ખુલ્લા મૂકવાની વાત પણ તેમાં સમાવવામાં આવી છે. જેમ કે ગત્ વર્ષે જ અમદાવાદમાં ઘણાં સિગ્નલો પર જ્યાં લાંબા સમય સુધી ઊભું રહેવાનુ આવે ત્યાં વાહનચાલકો માટે કોર્પોરેશને ગ્રીન કવર નિર્માણ કર્યા હતા. અને જે સૌથી અગત્યનું કે ગરમીમાં થયેલાં મૃત્યુઆંકની માહિતી યોગ્ય રીતે રાખવી.

- Advertisement -

અહીંયા માવલંકરને ગરમીથી થતાં મૃત્યુના ડેટા નથી સચવાતા તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આપણે ત્યાં દરેક મૃત્યુનાં કારણ તપાસવામાં આવતું નથી. જેમ કે, સમજો કે મુંબઈમાં હિટવેવના દરેક આંકડાને નોંધવામાં આવે તો તેમાં વધતી મૃત્યુઆંકની સંખ્યાને નોંધી શકીએ અને તે આંકડાનું એનાલિસિસ પણ કરી શકીએ. અને તે એનાલિસિસ દર વર્ષે અને પંદર-વીસ વર્ષ પહેલાંના ડેટા સાથે થવું જોઈએ. પરંતુ દેશમાં ક્યાંય આવું થતું નથી.

હિટવેવની સાથે સંબંધિત અનેક બાબતો છે, જેના કારણે પણ ભારત પર જોખમ વધુ તોળાય છે. જેમ કે, 2021ના એક રિપોર્ટ મુજબ ભારતમાં કામના કલાકો વધુ છે, જેના કારણે પણ હિટવેવ વધુ ઘાતક બને છે. આ સિવાય માઇનિંગ, કન્સ્ટ્રક્શન અને ખેતી જેવાં અનેક કામો એવા છે, જે ખુલ્લા આકાશ નીચે થાય છે. ઉપરાંત દેશના અઠાર જેટલાં રાજ્યો એવા છે, જ્યાં સખત ગરમી પડે છે. હજુ પણ દેશમાં ગરીબ વર્ગની એવી સ્થિતિ આવી નથી કે તેઓ પેટ પહેલાં ગરમીનો વિચાર કરી શકે. આ વર્ગને નાછૂટકે પણ ગરમીમાં તપીને કામ કરવું પડે છે અને ઘણી વખત તેમના મૃત્યૃનું કારણ ગરમી હોવા છતાં તેની નોંધ એ રીતે થતી નથી. ડૉ. દિલીપ માલંગાવકરે હાલમાં ઇન્ડિયન એક્સપ્રેસમાં લખેલા એક લેખમાં એવું પણ સૂચન કર્યુ હતું કે શહેર અને જિલ્લા ખાતે એક ‘હિટ ઑફિસર’ નિમાવા જોઈએ. જે ઑફિસરનું કાર્ય હિટવેવ પ્રત્યેની તકેદારીને યોગ્ય રીતે મૂલ્યાંકન કરવાનું હોય.

TAG: Ahmedabad Heat Action Plan News Today

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular